તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પશુ પકડવા લાખોનો ખર્ચ:મહેસાણા પાલિકાએ રૂ. 18.61 લાખ ખર્ચી 752 ગાયો પકડી

મહેસાણા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
તસવીર રાધનપુર રોડ પર કલાપીનગર સામેની છે. - Divya Bhaskar
તસવીર રાધનપુર રોડ પર કલાપીનગર સામેની છે.
  • છેલ્લા એક વર્ષમાં શહેરમાંથી આટલી બધી ગાયો પકડાઇ છતાં રખડતાં ઢોરની સમસ્યા યથાવત, લાખોનો ખર્ચ પાણીમાં
  • શહેરમાંથી એક પશુ પકડી ડીસા પાંજરાપોળમાં મોકલવાના એજન્સીને ~ 2475 ચૂકવાય છે

મહેસાણા શહેરમાં રખડતી અને નધણિયાતી ગાયો (ઢોર) પકડી ડીસા પાંજરાપોળમાં છોડી આવવાની કામગીરી માટે નગરપાલિકા એજન્સીને ઢોરદીઠ રૂ.2475 ચૂકવી રહી છે. જેમાં છેલ્લા એક વર્ષમાં 752 જેટલી ગાયો પકડી ડીસા પાંજરાપોળમાં મૂકી આવવા પેટે પાલિકાને રૂ.18,61,200 ખર્ચ થયો છે. જે પૈકી પાંજરાપોળ ઢોરદીઠ રૂ.1000 લેતી હોય છે, જ્યારે બાકીના રૂ.1475 ઠેકેદારને મળતા હોવાનું નગરપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું.

ઉલ્લેખનિય છે કે, એક વર્ષમાં 752 રખડતી ગાયો પકડી પાંજરાપોળમાં મોકલાઇ હોવા છતાં હજુ પણ શહેરના દરેક રોડ ઉપર ગાયો અને આખલા જોવા મળી રહ્યા છે. ત્યારે રખડતાં ઢોર પકડવા પાછળ માતબર ખર્ચ પછી પણ સમસ્યા જૈસે થે રહી છે. મતલબ કે, ઢોરની સમસ્યા હલ કરવા કે ઓછા ખર્ચમાં કાયમી વ્યવસ્થા ઉભી કરવામાં પાલિકા ઉદાસીન રહી છે.

નગરપાલિકાની સેનેટરી શાખાના સૂત્રો મુજબ, ટેન્ડર મારફતે એજન્સીને રખડતી અને નધણિયાતાં ઢોર પકડવાનો કોન્ટ્રાક્ટ અપાયો છે. જેમાં પાલિકાના બે પાંજરામાં એજન્સીના માણસો રખડતી ગાયો સહિતના ઢોર પકડીને પરા પ્લોટમાં મૂકે છે, તેને ઘાસચારો વગેરે એજન્સીએ પૂરો પાડવાનો અને એજન્સીના ખર્ચે વાહનમાં પકડેલા પશુ ડીસાની રાજપુર અને કાંટ બે પાંજરાપોળમાં મૂકી આવવાના હોય છે. એજન્સીના માણસ સાથે પાલિકાનો કર્મચારી પણ હોય છે. પાંજરાપોળને પશુ દીઠ ચૂકવણું એજન્સી કરતી હોય છે. પાલિકા આ કામગીરીમાં પશુદીઠ રૂ. 2475 એજન્સીને ચૂકવે છે. 4 જુલાઇ 2020 થી 24 માર્ચ 2021 સુધીમાં 683 ગાયો પકડી પાંજરાપોળમાં મોકલવા પાછળ પાલિકાએ રૂ.16,90,425 એજન્સીને ચૂકવ્યા છે. ત્યાર પછી જૂન-જુલાઇમાં વધુ 69 ગાયો પકડી ડીસા પાંજરાપોળમાં મોકલવા પેટે રૂ. 1,70,775 ખર્ચ થયો છે.

પાટણમાં 409 ગાય પકડી, અલગથી કોઇ ખર્ચ નહીં, પાલનપુરમાં કામ જ બંધ છે

  • પાટણમાં નગરપાલિકાની અલગથી ટીમના કર્મચારીઓ દ્વારા જ રખડતાં ઢોર પકડવાની કામગીરી કરાય છે અને નજીકની પાંજરાપોળમાં છોડી આવે છે. જ્યાંથી કોઇ પશુપાલક નિયત ચાર્જ આપી ઢોર છોડાવી શકે છે. એક વર્ષમાં પાટણ પાલિકાએ 409 ગાયો પકડી પાંજરાપોળમાં મોકલી હતી. આ માટે પાલિકા અલગથી કોઇ ખર્ચ કરતી નથી.
  • પાલનપુર શહેરમાં નગર પાલિકા દ્વારા દોઢ વર્ષમાં રખડતાં ઢોર પકડવાની કામગીરી ન થતાં કોઇ ખર્ચ થયો નથી.

રસ્તા ઉપર જ અડિંગો જમાવીને બેસી જતાં ઢોરથી નગરજનો હેરાન
રાધનપુર રોડ પર કલાપીનગર સામે રોડ ઉપર જ અડિંગો જમાવીને બેસી જતી ગાયોનાં આવાં દ્રશ્યો શહેરના દરેક જાહેર રસ્તા ઉપર રોજ જોવા મળી રહ્યાં છે. ઘણીવાર પશુઓ વાહનચાલકો અને રાહદારીઓને શિંગડે ચડાવી ઇજા પણ પહોંચાડતા હોય છે. એમાંય ચોમાસામાં આ સમસ્યા માઝા મૂકતી હોય છે. વાડાઓમાં વરસાદી પાણી ભરાતાં અને મચ્છરોનો ઉપદ્રવ થતાં માલિકો છૂટા મૂકી દેતાં હોય છે.

ઊંઝાની જેમ મહેસાણા પાંજરાપોળને નધણિયાતાં પશુ લેવા પત્ર લખ્યો છે
મહેસાણા પાંજરાપોળ પકડેલા ઢોર લેવા તૈયાર ન હોઇ ડીસા મોકલાય છે. તાજેતરમાં મહેસાણા પાંજરાપોળને શહેરમાંથી પાલિકા રખડતાં ઢોર પકડે તે લેવા પત્ર કર્યો છે. જેમાં ઢોરદીઠ જે ચાર્જ હોય તે ચૂકવવા પાલિકાએ તૈયારી દર્શાવી છે. ઊંઝા શહેરમાં રખડતાં ઢોર ઊંઝા પાંજરાપોળ સ્વીકારતી હોય છે. > અલ્પેશ પટેલ, ચીફ ઓફિસર

શહેરમાં જીવદયા સંસ્થારાહે ગૌશાળા બનાવવા પાલિકા શક્યતા ચકાસશે
એક જીવદયા સંસ્થા સાથે પરામર્શ ચાલી રહ્યો છે. આ સંસ્થા પાલિકા પ્લોટ ફાળવે તેમાં ગ્રીનપાર્ક તેના ખર્ચે બનાવશે અને શહેરમાં રખડતી ગાયો આવે તેનું જતન કરવા તૈયાર છે. અઢીથી ત્રણ વીઘાના પ્લોટની જરૂર પડે. ટીપી-3 કે 4માં પ્લોટ ફાળવી શકાય. જેમાં પાલિકાને હાલ ઢોરદીઠ રૂ.2475 ખર્ચ પણ બચી જશે અને ગ્રીનપાર્ક સાથે એક પોઇન્ટ ઊભો થઇ શકે. આ માટે પાલિકાના અધિકારી સાથે પરામર્શ કરાયો છે,પદાધિકારીઓ શક્યતા ચકાસી આખરી નિર્ણય કરશે. > સંજય બ્રહ્મભટ્ટ, નગરસેવક

અન્ય સમાચારો પણ છે...