મહેસાણા શહેરમાં મિલકત વેરો ભરવામાં ઉદાસીન બાકીદારો સામે નગરપાલિકાએ હવે આકરાં પગલાં લેવા તૈયારી કરી છે. પ્રથમ તબક્કામાં 10 હજારથી વધુ વેરો બાકી હોય એવા રહેણાંક અને કોમર્શિયલ 841 મિલકતદારોની નોટિસ કાઢી છે અને નોટિસ મળ્યેથી ત્રણ દિવસમાં બાકી વેરો ભરપાઇ ના કરે તો રહેણાંકમાં પાણી અને ગટર કનેકશન કાપી નાખવા તેમજ કોમર્શિયલ મિલકત સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.
નગરપાલિકા દ્વારા વર્ષ 2023ની શરૂઆતમાં જ વેરામાં બાકીદારો અલગ તારવવાનું શરૂ કરાયું છે. પ્રથમ તબક્કામાં 841 મિલકતદારોની યાદી તૈયાર કરી નોટિસની બજવણી શરૂ કરાઇ છે. નગરપાલિકામાં વર્ષ 2022- 23માં ડિસેમ્બર સુધીમાં ચાલુ વર્ષ અને પાછલા વર્ષોની બાકી મળી વેરામાં રૂ.15.50 કરોડની આવક નોંધાઇ છે.
જે પૈકી ચાલુ વર્ષના કુલ રૂ.20 કરોડના વેરા પૈકી 70 ટકા મિલકતવેરો ભરાયો છે. જ્યારે પાછલા વર્ષોનો રૂ. 21 કરોડ વેરો બાકી છે. આમ, કુલ રૂ.41 કરોડના વેરા સામે એક વર્ષમાં ચાલુ-પાછલા મળી કુલ વેરાપેટે રૂ.15.50 કરોડની આવક થઇ છે. એટલે કે હજુ રૂ.25.50 કરોડનો વેરો વસુલવાનો બાકી છે.
એરોડ્રામનો કંપનીનો સૌથી વધુ વેરો બાકી છતાં કાર્યવાહી શૂન્ય
એરોડ્રામમાં અમદાવાદ એવીએશન એન્ડ એરોનોટીક્સ લીમીટેડ નામની કંપની પાસેથી રૂ.7.68 કરોડ જેટલી જંગી વેરા વસુલાત બાકી છે. જે અંગે કોર્ટ વિવાદ ચાલી રહ્યો છે. બીજી તરફ આ કંપનીના પ્લેન સહિતની મિલકત હરાજી કરીને વસુલાત કરવા માટેની પ્રક્રિયા પણ નગરપાલિકા કરી શકી નથી.
ત્યાં હાલમાં કાર્યરત બ્લ્યુ રે એવીએશન કંપની પાસેથી ગત અને ચાલુ વર્ષનો મળી રૂ.1.25 કરોડ વેરો બાકી ચડ્યો છે. આ કંપનીએ પણ હજુ બાકી વેરો ભર્યો ન હોવા છતાં નગરપાલિકા દ્વારા કોઇ કાર્યવાહી કરાઇ નથી. રૂ.10 હજારનો વેરો બાકી હોય તો નોટિસો કાઢતી નગરપાલિકાએ અહીં રૂ.એક કરોડથી વધુનો વેરો બાકી હોવા છતાં નોટિસ કેમ કાઢતી નથી તેવી ચર્ચાઓ ઊઠી છે. જોકે, આ અંગે ચીફ ઓફિસર અલ્પેશ પટેલે કહ્યું કે, બ્લ્યુ રે કંપની તેમજ ગુજસેલ કંપનીને વેરા બિલ મોકલીએ છીએ. બાકી વેરા મામલે કાર્યવાહી કરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.