મહેસાણા શહેરના માનવ આશ્રમ વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટર બનાવવા આરોગ્ય વિભાગને ફાળવાયેલી જમીન ઉપર નગરપાલિકાએ પાણીની ટાંકી બનાવી દીધી છે. આરોગ્યનો બાંધકામ વિભાગ હેલ્થ સેન્ટર બનાવવા માટે જરૂરી જગ્યાનો કબજો લેવા માટે જતાં આ ખુલાસો થયો હતો.
શહેરમાં આરોગ્ય લક્ષી સુવિધાઓનો વધારો કરવા માનવ આશ્રમ વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટર બનાવવા માટે દરખાસ્ત કરાઇ હતી અને તે માટે આ વિસ્તારમાં જૂના સર્વે નંબર 873માં જમીન પણ ફાળવાઇ હતી. તંત્રએ સેન્ટર બનાવવા માટે જગ્યાનો કબજો લેવા પ્રક્રિયા હાથ ધરી ત્યારે ખબર પડી કે જે જગ્યા અર્બન હેલ્થ સેન્ટર બનાવવા માટે ફાળવાઇ છે, તેના ઉપર તો નગરપાલિકાએ બિનઅધિકૃત રીતે પાણીની ટાંકી બનાવી દીધી છે.
હવે હેલ્થ સેન્ટર ક્યાં બનાવવું તે પ્રશ્ન ઉભો થતાં આરોગ્ય તંત્રએ આખરે એ જ સર્વે નંબરની કુલ જમીન પૈકી પાણીની ટાંકીની બાજુમાં આવેલી 500 ચોરસ મીટર ગૌચર હેડે ચાલતી જગ્યામાં સેન્ટર બનાવવા માટેની દરખાસ્ત કરતાં અધિક કલેક્ટર દ્વારા 24 ફેબ્રુઆરી 2023ના રોજ અગાઉના 21 એપ્રિલ 2022 અને 17 જુલાઈ 2022ના હુકમો રદ કરી જૂના સર્વે નંબર 873 પૈકી 500 મીટર જેટલી જગ્યા ગૌચર હેડેથી કમી કરી આરોગ્ય તંત્રને ફાળવવા રાજ્ય સરકારમાં દરખાસ્ત કરાઈ છે.
બીજી તરફ, મહેસાણા નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા કમલેશ સુતરીયાએ આ અંગે કમિશનરને લેખિત રજૂઆત કરી બિનઅધિકૃત પાણીની ટાંકી અંગે યોગ્ય તપાસ કરી તેને બનાવનાર જવાબદારો સામે કાર્યવાહી કરવાની માગણી કરતાં રાજકારણ ગરમાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.