મહેસાણા જિલ્લા પંચાયત ભવનની સામે આવેલા સાંસદના સુવિધા કેન્દ્રમાં એસી અને ફ્રિજ સહિતના સામાનની ચોરી કરનાર અજાણ્યા ચોરોને ઝડપી પાડવા પોલીસ માટે આબરૂનો સવાલ બની ગયો છે. જેના માટે પોલીસે એલસીબી સહિતની 10 ટીમો બનાવીને 20થી વધુ શકમંદોની પૂછપરછ અને તપાસ કરી હતી.
બીજી તરફ આ ચોરીમાં લોકલ માણસો એટલે કે કોઈ ગેંગ નહીં પરંતુ ચિલ્લર સામાન્ય ચોર સંડોવાયેલા હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી છે. લોકોના સંપર્ક અને તેમના પ્રશ્નો માટે શારદાબેન પટેલ દ્વારા સુવિધા કેન્દ્ર બનાવવામાં આવ્યું હોવાથી ચોરી ની ઘટના બની હોવા છતાં ત્રીજાદિવસે ગુરૂવારના રોજ પણ નિત્યક્રમ મુજબ સવારે 9:30 થી બપોરે 1 કલાક સુધી લોકો માટે આ સુવિધા કેન્દ્ર ખુલ્લું રહ્યું હતું.
જિલ્લા પોલીસ વડાની કચેરીથી 500 મીટરની ત્રિજ્યામાં જિલ્લા પંચાયતની સામે આવેલા મહેસાણાના સાંસદ શારદાબેન પટેલની લોક સંપર્ક માટે બનાવવામાં આવેલી સુવિધા કેન્દ્ર ઓફિસમાં મંગળવારે રાત્રે ત્રાટકેલા તસ્કરો બે એસીના ઇન્ડૉરયુનિટ ફ્રીજ અને ખુરશીઓ સહિતનો 76000ની કિંમતના સામાનની ચોરી કરી ગયા હોવાની ફરિયાદ તેમના પીએ કૌશલ મોદી દ્વારા એ ડિવિઝન પોલીસમાં મથકે નોંધાવી છે.
ત્યારે પોતાની નાક નીચે ચોરી કરીને ખુલ્લી ચેલેન્જ ફેકનાર અજાણ્યા ચોરોને ઝડપી પાડવા માટે પોલીસે ડીવાયએસપી રમેશભાઈ દેસાઈની આગેવાનીમાં એલસીબી એસઓજી પેરોલ ફલો સ્કોવોર્ડ સ્થાનિક પોલીસ સહિતની અલગ અલગ 10 જેટલી પોલીસની ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
જેમાં આવી ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા 20 જેટલા શકમંદોની તપાસની પૂછપરછ કરવામાં આવી હતી અને શહેરના અલગ અલગ વિસ્તારોના તેમજ મહેસાણામાં પ્રવેશતા અને બહાર જતાં માર્ગો ઉપર લગાવવામાં આવેલા પોતાના સીસીટીવી કૂટેજ પણ કમાન્ડ કંટ્રોલ રૂમ સહિતની જગ્યાઓએ પોલીસ દ્વારા કલાકો સુધી બેસીને ચકાસવામાં આવી રહ્યા છે. બીજી તરફ આ ચોરીમાં કોઈ મોટી ગેંગ નહીં પરંતુ ચિલ્લર ચોર એવા સામાન્ય ચોરો ચંડોવાયેલા હોવાની આશંકા સાથે ટૂંક સમયમાં તેમને ઝડપી પાડવાનો વિશ્વાસ પણ પોલીસે વ્યક્ત કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.