• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Mehsana District Sees 200 Per Cent Increase In Domestic Violence Cases After Koro Epidemic, Most Cases Of Drunken Violence And Extramarital Affair

મહેસાણામાં ઘરેલુ હિંસા વધી:કોરોના મહામારી બાદ કેસોમાં 200 ટકાનો વધારો, સૌથી વધુ નશામાં થતી હિંસા અને લગ્નેત્તર સંબંધોના કેસ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મહિલા સહાયતા કેન્દ્રના પ્રયાસોથી 7 વર્ષમાં 972માંથી 339 કેસમાં પતિ-પત્ની વચ્ચે સમાધાન કરાવી સંસાર તૂટતો બચ્યો છે
  • 7 વર્ષના 972 કેસની સામે 50 ટકા કેસ માત્ર બે વર્ષમાં નોંધાયાં, મહિલા સહાયતા કેન્દ્રમાં પાંચ વર્ષની તુલનાએ છેલ્લાં બે વર્ષમાં બમણા કેસ નોંધાયા

મહેસાણા જિલ્લામાં કોરોના મહામારી બાદ ઘરેલુ હિંસાના બનાવો અન્ય વર્ષો કરતાં બમણાં થયા છે. પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર મહિલા સહાયતા કેન્દ્રમાં છેલ્લા 7 વર્ષમાં નોંધાયેલાં કુલ 972 કેસ પૈકી 50 ટકા કેસ એટલે કે 467 કેસ તો માત્ર છેલ્લાં બે વર્ષમાં જ નોંધાયાં છે. ઘરેલુ હિંસામાં મહિલાઓ ઉપર સૌથી વધારે હિંસા નશા અને લગ્નેતર સંબંધોના કારણે થતી હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, મહિલા સહાયતા કેન્દ્રના પ્રયાસોથી 972 કેસ પૈકી 339 કેસમાં પતિ-પત્ની વચ્ચે સમાધાન કરાવી દંપતીનો સંસાર તૂટતો બચાવાયો છે.

પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર મહિલા સહાયતા કેન્દ્રમાં દર વર્ષે ઘરેલું હિંસાના 70 થી 95 કેસ નોંધાતા હતા. પરંતુ, વર્ષ 2019-20માં કેસ બમણા થઈને 207 નોંધાયા હતા. જ્યારે 2020-21માં ત્રણ ગણાં એટલે કે 263 કેસ નોંધાયાં છે. મહિલા સહાયતા કેન્દ્ર ફેબ્રુઆરી-2014માં શરૂ કરાયું ત્યારથી અત્યાર સુધી 7 વર્ષમાં ઘરેલુ હિંસાના 972 કેસ નોંધાયાં છે. તે પૈકી 467 કેસ માત્ર છેલ્લા બે વર્ષમાં નોંધાયાં છે. ઘરેલુ હિંસાના 972 કેસ પૈકી સૌથી વધારે નશામાં થતી હિંસાના 267 કેસ, જ્યારે લગ્નેત્તર સંંબંધોનાં 207 કેસ નોંધાયાં છે. જ્યારે દહેજની માંગણીના 82 કેસ છે. તા.31 માર્ચ, 2021 સુધીમાં નોંધાયેલા ઘરેલુ હિંસાના 946 કેસમાં મહેસાણા જિલ્લામાં 845 મહિલાઓએ અને પુરૂષોએ 101 કેસો નોંધાવ્યા હતા.

આર્થિક સ્થિતિ, લગ્નેતર સંબંધો, મહિલા જાગૃતિના કારણે કેસ વધ્યાં
જિલ્લાના પોલીસ સ્ટેશન બેઈઝડ મહિલા સહાયતા કેન્દ્રના કાઉન્સિલર યામિનીબેન રાઠોડ અને નિલમબેન પટેલના જણાવ્યા મુજબ, કોરોના મહામારી લગ્નેત્તર સંબંધો વધતાં ઘરેલુ હિંસાનાં કેસો વધ્યા હોવાનું પ્રાથમિક તારણમાં જણાય છે. અગાઉના વર્ષોમાં કુટુંબ, સમાજ બદનામ થાય નહીં તે માટે મહિલાઓ મૂંગાં મોઢે માનસિક અને શારીરિક ત્રાસ સહન કરી લેતી હતી. પરંતુ, મહિલાઓ શિક્ષિત થતાં જાગૃતિ વધતાં સહન નહીં કરી ફરિયાદ કરવા આગળ આવી રહી છે, જે મહિલાઓ માટે હકારાત્મક પાસુ છે.

પોલીસ સ્ટેશનોમાં મહિલા અત્યાચારોની ફરિયાદ ઘટી
મહેસાણા જિલ્લાના પોલીસ સ્ટેશનોમાં વર્ષ 2019માં 130 મહિલા અત્યાચારના કેસ નોંધાયાં હતાં. તેની સરખામણીએ વર્ષ 2020માં ઘટીને 92 કેસ નોંધાયાં હતાં. વર્ષ 2021ના ઓગસ્ટ મહિના સુધીમાં 99 મહિલા અત્યાચારના કેસ નોંધાયાં છે. તેમાં સૌથી વધારે પતિ અને તેના સગાં દ્વારા પત્નીને માર મારવાની ફરિયાદોનો સમાવેશ થાય છે.

મહેસાણા જિલ્લાના ઘરેલુ હિંસાના અલગ અલગ ૩ કિસ્સા
કિસ્સો-1 : ભાઈએ આપેલી બાધાના કારણે લગ્નજીવન જોખમમાં મૂકાયું હતું

મહેસાણામાં એક ભાઈને ત્યાં લગ્નજીવનના 10 વર્ષ બાદ દીકરાનો જન્મ થયો હોવા છતાં દીકરાનું મોઢું જોઈ શક્યા નહોતા. બહેનને પોતાના ઘેર બોલાવી, માનતા રાખી, ટેસ્ટ ટ્યૂબ બેબીનો ખર્ચ કર્યા બાદ બહેનના કુખે દીકરાનો જન્મ થતાં ભાઈએ સાસરીમાં જવાની મનાઈ કરી હતી. મહિલા સહાયતા કેન્દ્રએ ભૂવા ભોપાળા કરતા ભાઈને સમજાવી બહેનને દીકરા સાથે પોતાના ઘેર મોકલતાં દંપતીનો તૂટતો સંસાર બચી ગયો હતો.

કિસ્સો-2 : પતિ નશો કરતો હોવાથી એક વર્ષનું લગ્નજીવન જોખમમાં મૂકાયું હતું
મહેસાણા શહેરની 22 વર્ષિય યુવતીએ એક વર્ષ અગાઉ લગ્ન કર્યા ત્યારે તેનો પતિ દારૂ, ચરસ અને ગાંજાનો નશો કરતો હોઇ લગ્ન બાદ વ્યસન છોડી દેવાની શરત કરી હતી. પરંતુ, લગ્ન પછી પણ નશો કરવાનું ચાલુ રાખી પત્ની ઉપર શંકા રાખી ઝઘડો કરતો હતો. આ ઝઘડાનો મામલો પોલીસમાં પહોંચ્યો હતો. લગ્નજીવન તૂટવાની અણી ઉપર હતું, તેવા સમયે મહિલા સહાયતા કેન્દ્રની સમજાવટથી બંનેનો સંસાર તૂટતાં બચી ગયો હતો.

કિસ્સો-3 : બિઝનેસમેનને કર્મચારી સાથે પ્રેમ થતાં લગ્નજીવન તૂટવા પર હતું
12 વર્ષના લગ્ન જીવનથી બે સંતાનો હોવા છતાં બિઝનેસમેનને ઓફિસની કર્મચારી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. સ્ત્રી કર્મચારીને પણ એક સંતાન હતું. સ્ત્રી કર્મચારી અને બિઝનેસમેનનો પ્રેમ આગળ વધતાં મૈત્રીકરાર કરી સાથે ફરવા પણ લાગ્યા હતા. બિઝનેસમેનનું 12 વર્ષનું લગ્ન જીવન તૂટી જાય તેવી સંભાવનાએ મામલો મહિલા સહાયતા કેન્દ્ર સુધી પહોંચ્યો હતો. આમ, લગ્નબાહ્ય સંબંધોથી છૂટાછેડા લેવાની તૈયારી કરી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...