મહેસાણા જિલ્લા સહકારી રજીસ્ટ્રારની છોટાઉદેપુર બદલી થયાને પખવાડિયું થવા આવ્યું છતાં મહેસાણા ખાતે અન્ય કોઇ અધિકારીને ચાર્જ સોંપવામાં ન આવતાં અધિકારીની સહી વગર ખેડૂતોને રઝળપાટ કરવો પડી રહ્યો છે. પાકલોન લેવા ખેડૂતોને કોઇ મંડળી ફડચામાં ગયેલી હોય તો લ્હેણું બાકી નથી તેવો દાખલો ફડચા અધિકારીથી કઢાવવાનો હોય છે અને આ ફડચાના દાખલામાં જિલ્લા રજીસ્ટ્રારની સહીથી ઓથોરાઇઝ થાય છે, પરંતુ હાલ અધિકારી વગર ખેડૂતો દાખલા માટે કચેરીના ચક્કર લગાવી રહ્યા છે, ત્યારે સત્વરે કાયમી જિલ્લા રજીસ્ટ્રાર મુકવા માંગ ઉઠી છે.
મહેસાણા જિલ્લા રજીસ્ટ્રાર નિમેષભાઇ પટેલની બદલી છોટાઉદેપુર થઇ છે અને મહેસાણાનો ચાર્જ ચાલુ રખાયો છે. જોકે, મહેસાણામાં અન્ય અધિકારીને ચાર્જ અપાયો ન હોઇ અધિકારી વગર સહીવલણના કામકાજ ખોરંભે પડ્યા છે. જોટાણાના કાનપુરા કટોસણ ગામના દશરથભાઇ સુથારને ક્રોપલોન લેવાનું કામ ફડચા અધિકારીના દાખલા વગર અટવાયેલું પડ્યું છે. તેમના ભાઇ બળદેવભાઇ સુથાર કચેરીએ ગયા તો સાહેબ નથી અને સહીમાં દાખલો પડ્યો છે તેવો જવાબ મળી રહ્યો છે. અહીં કચેરીએ હાલ ત્રણ ખેડૂતોના દાખલા અધિકારી વગર અટવાયેલા પડ્યા છે.
બળદેવભાઇ સુથારે કહ્યું કે, ક્રોપલોન લેવાની છે પણ સેવા મંડળી ફડચામાં હોઇ ખેડૂત તરીકે કોઇ લ્હેણું બાકી નથી તેવો દાખલો લોન માટે બેંકમાં રજૂ કરવાનો હોઇ કચેરીએ અરજી પછી ત્રીજી વખત આવ્યા પણ અધિકારી વગર દાખલો મળતો ન હોઇ ફેરો પડ્યો છે. કચેરીના સૂત્રોએ કહ્યું કે, દાખલો તૈયાર કરી રાખ્યો છે, પણ ફડચાના દાખલામાં જિલ્લા રજીસ્ટ્રારની ઓથોરાઇઝ સહી જરૂરી હોઇ તેઓ આવ્યે દાખલાની કોપી ખેડૂતને મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.