મહેસાણા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પદાધિકારીઓની આગામી 4 જૂનના રોજ યોજાનારી તાલીમ આખરે મોકૂફ રખાઇ છે. આ તાલીમ વોટરપાર્કમાં યોજાવાની હતી. પણ દિવસ સેટ થતો ન હોઇ મોકૂફ રખાયાનું પ્રમુખે જણાવ્યું હતું.પંચાયતી રાજ વિશે સમજણ આપવા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પદાધિકારીઓની તાલીમ 4 જૂનના રોજ વોટરપાર્કમાં યોજવા જિલ્લા પંચાયત દ્વારા આયોજન કરાયું હતું અને આ અંગે જિલ્લા પંચાયતે વોટરપાર્ક પાસેથી અંદાજીત ખર્ચનું ક્વોટેશન પણ મગાવ્યું હતું.
જેમાં સવારે બ્રેકફાસ્ટ, બપોરે લંચ અને 5 ટકા જીએસટી સાથે વ્યક્તિ દીઠ રૂ.1155 ખર્ચનું ક્વોટેશન અપાયું હતું. જોકે, વ્યક્તિ દીઠ ખર્ચ વધારે આવતો હોઇ અન્ય હોટલની પસંદગી કરવા જિલ્લા પંચાયત દ્વારા કર્મચારીઓને સૂચના અપાઇ હતી. આ બધાની વચ્ચે અચાનક જ પદાધિકારીઓ માટે યોજાનારી તાલીમ મોકૂફ રખાઇ છે. આ તાલીમમાં નાયબ કલેક્ટર કક્ષાના નિવૃત અધિકારીઓ પંચાયતી રાજ સહિતની બાબતો અંગે સમજણ આપતા હોય છે. તાલીમમાં પદાધિકારીઓ અને અધિકારીઓ સહિત 100 જેટલા વ્યક્તિઓ હાજર રહેવાનો અંદાજ રખાયો હતો.
દિવસ સેટ થતો ન હોઇ મોકૂફ રખાઇ છે : પ્રમુખ
જિલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદભાઈ પરમારે જણાવ્યું કે, સરકારના કાર્યક્રમોને લઇ દિવસ સેટ થતો ન હોઇ તાલીમ મોકૂફ રખાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.