મહેસાણાનું ભાખરી-શાક:દોઢ રૂપિયે શરૂ થયેલું ભોજન

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદથી રાજસ્થાન અને દિલ્હી જતા હાઈવે પર વાહનચાલકો ચટાકેદાર સ્વાદ માણવા અચૂક ઊભા રહે છે

મહેસાણાની આગવી ઓળખ ગણાતા ભાખરી-શાકની સૌપ્રથમ ભાખરી-શાક શરૂ કરનાર મગનલાલ ભાખરી-શાકવાળા નરસિંહભાઈ ઉમેદરામ પ્રજાપતિ જૂની યાદો વાગોળતાં કહે છે કે, મહેસાણા શહેરમાં સૌપ્રથમ ભાખરી શાકની થાળી મારા પિતા ઉમેદરામ અમથારામ પ્રજાપતિએ શરૂ કરેલી. રાધનપુર ચોકડીથી નજીક આજથી 54 વર્ષ પહેલાં અમદાવાદથી પાલનપુર તરફ સીંગલ પટ્ટી રોડ હતો. વર્ષ 1967માં મારા પિતાએ સૌપ્રથમ ચાની હોટલ શરૂ કરી. ચાની હોટલ બાદ નાસ્તાની કેબિન શરૂ કરી. તેમાં સફળતા મળતા પૂરી શાક શરૂ કરેલું. પૂરી શાક બાદ ભાખરી શાકની ડીસ શરૂ કરી.

ભાખરી શાકની લોકપ્રિયતા વધતાં ગ્રાહકોનો ધસારો દિન-પ્રતિદિન વધવા લાગ્યો. હાઈવે ઉપરથી પસાર થતા તેમજ મહેસાણા શહેરમાં આવતા લોકો મગનલાલ ભાખરી શાકવાળાના ત્યાં ભાખરી શાક ખાવા માટે અચૂક આવતાં. શરૂઆતમાં દોઢ રૂપિયે 5 ભાખરી અને બે શાક આપવામાં આવતા. દોઢ રૂપિયામાં લોકોને ભરપેટ જમવાનું મળી જતું. ભાખરી શાકમાં સારો પ્રતિસાદ મળતાં આખા દહીંની કઢી શરૂ કરી. તેથી લોકો ભાખરી-શાક સાથે દહીંની કઢીનો સ્વાદ પણ માણતા. નાના કેબિનમાં શરૂ કરેલી હોટલ ભાખરી શાકના કારણે લોકપ્રિય બનતાં ગ્રાહકોનો ધસારો વધતો ગયો. અન્ય હોટલોની માફક મગનલાલ ભાખરી શાકવાળાની હોટલ પણ નામાંકિત બની.

ઓલ્ડ એસએસસીનો અભ્યાસ પૂર્ણ થતાં હું પણ મારા પિતાજીના વ્યવસાય સાથે જોડાયો. તે સમયે હાઈવે ઉપર ભાખરી શાકની અન્ય હોટલો શરૂ થતાં લોકો ભાખરી સાથે અલગ-અલગ શાકના સ્વાદ પણ માણી શકે તે માટે બપોરે અને રાત્રિના ભોજન માટે નવા શાક ઉમેરતા ગયા. ત્યાર બાદ ભાખરી સાથે રોટલા, રોટલી અને ભાખરીનું ચૂરમું બનાવવાનું શરૂ કર્યુ. જૈન લોકોનો ધસારો વધતાં ભાખરી સાથે વડીપાપડનું શાક ઉમેર્યુ. લોકોને લસણિયાં બટાકા, સેવ ટામેટા અને આખા દહીંની કઢી એટલી બધી દાઢે વળગી કે હવે બારેમાસ બપોર સાંજ બનાવવા જ પડે. લોકો ભાખરી સાથે તે પૈકીના એક શાક તો માંગે જ.

મારા પછી મારા 3 દીકરા પણ મારા વ્યવસાયમાં જ જોડાયા છે. અમે ભાખરી સાથે બે શાક આપતા હતા. હાલમાં ભાખરી સાથે 8 શાક અને દાળ-ભાત પણ મળે. જ્યારે સાંજે કઢી-ખીચડી પણ ઉમેરતા લોકો સાત્વિક ભોજન માટે ભાખરી શાકની હોટલમાં આવતા થયા.

મહેસાણાની આખા દહીંની કઢી, રોટલા અને ભાખરીનું ચૂરમું પણ એટલું જ લોકપ્રિય
આખા દહીંની કઢી, રોટલા અને ભાખરીનું ચૂરમું એટલું લોકપ્રિય થયું છે કે બહારથી આવતા પ્રવાસીઓ હવે ભાખરી-શાક સાથે ત્રણેયનો સ્વાદ માણે છે. ભાખરી સાથે કઠોળ, મિક્સ સબ્જી, ભીંડી મસાલા, રીંગણ ભડથું, છોલે ચણા, રીંગણ પાપડી, વાલોળ પાપડી, દૂધી ચણા અને દાલ પાલક જેવા શાક આપીએ છીએ.

મારા પિતાએ દોઢ રૂપિયે શરૂ કરેલી ભાખરી શાકની થાળી હાલમાં 90 રૂપિયે મળે છે. જ્યારે અમે શરૂ કરેલી ભાખરી શાકની હોટલો આજે મહેસાણા જિલ્લાના સીમાડા કૂદાવીને ઉત્તર ગુજરાતના મોટાભાગના શહેરોમાં શરૂ થઈ છે. કચ્છની દાબેલી અને અન્ય શહેરની પ્રખ્યાત ખાણી-પીણીની વસ્તુઓની માફક ભાખરી-શાકએ મહેસાણાની આગવી ઓળખ ઉભી કરી છે. મારા પિતાએ શરૂ કરેલી હોટલ બાદ આજે મહેસાણા શહેરમાં જ 80 જેટલી ભાખરી શાકની હોટલો થઇ છે.

અન્ય સમાચારો પણ છે...