વરસાદની ધટ:ઉત્તર ગુજરાતમાં મેના 17 દિવસ કોરાધાકોર ગયા, સરેરાશ 3.9 મીમી પ્રિ-મોનસૂન વરસાદની ઘટ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વધુ પોણા 2 ડિગ્રી પારો ઘટતાં તાપમાન 40 ડિગ્રીથી નીચે આવ્યું, ગરમીથી છુટકારો
  • મહેસાણામાં 3.9, પાટણમાં 3.6, બ.કાં.માં 5.1, સા.કાં.માં 3.2 અને અરવલ્લીમાં 3.7 મીમી સરેરાશ વરસાદની ઘટ

ઉત્તર ગુજરાતમાં સતત બીજા દિવસે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. પોણા 2 ડિગ્રી સુધીના ઘટાડાના કારણે મુખ્ય 5 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી નીચે આવતાં રાહત મળી હતી. બીજી બાજુ મે મહિનાના 17 દિવસ કોરાધાકોર જતાં ઉત્તર ગુજરાતમાં સરેરાશ 3.9 મીમી પ્રિ-મોનસુન વરસાદની ઘટ વર્તાઇ છે.

મંગળવારે વધુ પોણા 2 ડિગ્રી ગરમીનો પારો નીચો આવ્યો હતો. જેને લઇ મુખ્ય 5 શહેરોનું તાપમાન 40 ડિગ્રીથી નીચે આવતાં કાળઝાળ ગરમીથી છુટકારો મળ્યો હતો. જો કે, ઉકળાટનો કહેર યથાવત રહ્યો હતો. બીજી બાજુ મે મહિનાના 17 દિવસ કોરાધાકોર પસાર ઉત્તર ગુજરાતમાં સરેરાશ 3.9 મીમી પ્રિ-મોનસુન વરસાદની ઘટ વર્તાઇ છે. 5 જિલ્લામાં પ્રિ-મોનસુન વરસાદની ઘટ જોઇએ તો, મહેસાણા જિલ્લામાં 3.9 મીમી, પાટણ જિલ્લામાં 3.6 મીમી, બનાસકાંઠા જિલ્લામાં 5.1 મીમી, સાબરકાંઠા જિલ્લામાં 3.2 મીમી અને અરવલ્લી જિલ્લામાં 3.7 મીમી સરેરાશ પ્રિ-મોનસુન વરસાદની ઘટ વર્તાઇ રહી છે.

બીજી બાજુ હવામાન વિભાગની આગાહી મુજબ, બુધવારે ઉત્તર ગુજરાતના તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જોકે, 19 મીથી અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં હીટવેવના વધુ એક રાઉન્ડની શક્યતા વચ્ચે યલો એલર્ટ અપાયું છે. જેને લઇ ઉત્તર ગુજરાતમાં પણ ગરમીનો વધારો થવાની શક્યતા છે.

આગામી 13 દિવસમાં વરસાદ નહીં થાય તો 4 વર્ષનો રેકોર્ડ તુટશે
ઉત્તર ગુજરાતના મે મહિનાના 17 દિવસ પ્રિ-મોનસુનના વરસાદ વગર કોરાધાકોર પસાર થયા છે. જો બાકી રહેતાં આગામી 13 દિવસમાં વરસાદ નહીં થાય તો મે મહિનો કોરોધોકાર રહેવાનો 4 વર્ષનો રેકોર્ડ તુટશે. આ અગાઉ વર્ષ 2018માં મે મહિનામાં પ્રિ-મોનસુનનો વરસાદ વરસ્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...