2 સાયક્લોનિક સરક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ગુજરાતમાં સોમવારે મોડી રાત્રે ભારે ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ કાંકરેજમાં પોણો ઇંચ અને પોશીનામાં અડધા ઇંચ સહિત ઉ.ગુ.ના 24 તાલુકાઓમાં નોંધણીલાયક તેમજ મોટાભાગના વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો હતો.
માવઠા અને વાદળાંનાં કારણે ઠંડીમાં 3 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે ગરમીનો પારો 24 થી 25 ડિગ્રી વચ્ચે નોંધાયો હતો. બુધવારે અરવલ્લી જિલ્લાના છુટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા વચ્ચે ઉ.ગુ.નું મોટાભાગનું વાતાવરણ સામાન્ય થશે. હવામાં વધુ પડતાં ભેજના કારણે 2 દિવસ સવારે ધુમ્મસ સાથે ઝાકળ પડી શકે છે. આગામી 2 ડિસેમ્બર સુધીમાં ઠંડી 5 ડિગ્રી જેટલી વધી શકે છે.
જીરૂ, વરિયાળી, ચણા, બટાટા અને તમાકુના પાકમાં રોગચાળાનો ભય
વાદળછાયા વાતાવરણ અને માવઠાના કારણે જીરૂ, વરિયાળી, ચણા, બટાટા, તમાકુના પાકમાં રોગચાળા સાથે નુકસાનીનો ભય સેવાઇ રહ્યો છે. જેમાં જીરૂ અને વરિયાળીના પાકમાં કાળી ચરમીનો રોગ, ચણામાં ફૂલ ખરી પડવા, સૂકારો અને મૂળને કોહવારો, બટાટામાં કાળિયો રોગ અને તમાકુના પાન બિડાઇ જવાનો ભય સેવાઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, જીરાનું 70500 હેક્ટરમાં, વરીયાળીનું 14300 હેક્ટરમાં, ચણાનું 69000 હેક્ટરમાં, બટાટાનું 119900 હેક્ટરમાં અને તમાકુનું 39400 હેક્ટરમાં વાવેતર થયું છે.
મહેસાણા શહેર સહિત જિલ્લામાં સોમવારે રાત્રે માવઠું થયું હતું. જેને લઇ હવામાં ભેજનું પ્રમાણ 90 ટકાને પાર પહોંચતાં મંગળવારે વહેલી સવારે ઝાકળવર્ષા જોવા મળી હતી. જેના કારણે વિઝિબિલિટી ઘટીને 100 મીટર થતાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રેલવે બ્રિજ પરથી તેનો ટ્રેક પણ દેખાતો બંધ થયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.