15 વર્ષની સગીરાને ધાકધમકી આપી ત્રણ-ત્રણ વખત દુષ્કર્મ આચરનારા મહેસાણાના દેલોલી ગામના આરોપીને અહીંની સ્પેશિયલ પોક્સો કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. મહેસાણા પંથકના એક ગામમાં પરિવાર સાથે રહેતી સગીરાને તાલુકાના દેલોલી ગામના પિયુષ કાંતિભાઈ પટેલ નામના યુવાને ધાકધમકી આપી બ્લેકમેલ કરી પોતાના ઘરે બોલાવી બબ્બે વખત તેણીની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
ત્યાર બાદ 11 ઓક્ટોબર 2019ના રોજ સગીરાના ઘરે જઈ રાત્રે ધાકધમકી આપી ફરીવાર દુષ્કર્મ આચરતાં તેની સામે દુષ્કર્મ અને પોક્સો અંતર્ગત ફરિયાદ નોંધાઈ હતી. જે અંગેનો કેસ સોમવારે મહેસાણાની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ રેખાબેન જોશીએ આરોપી પરિણીત હોવા છતાં સગીરા સાથે સભ્ય સમાજમાં લાંછન લાગે તેવું કૃત્ય કર્યું હોવાની કરેલી દલીલોને આધારે જજ એ.એલ. વ્યાસ દ્વારા પિયુષ પટેલને કસૂરવાર ઠેરવી પોક્સો એક્ટની કલમ 6 હેઠળ આજીવન કેદની સજા અને રૂ.5 હજાર દંડ તેમજ એક્ટની વધુ કલમ 4 હેઠળ 7 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ સાથે પીડિત સગીરાને રૂ.અઢી લાખનું વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો છે.
મિત્રની દીકરી સાથે જઘન્ય કૃત્ય મહત્તમ સજાનું કારણ બન્યું
મિત્રની દીકરી સાથે જ જઘન્ય કૃત્ય કર્યું હોવાથી આ જ તેની મહત્તમ સજાનું કારણ બન્યું હતું. દલીલોમાં પણ સરકારી વકીલની આ રજૂઆત કોર્ટે ખૂબ જ ગંભીરતાથી લીધી હતી અને સંબંધમાં કોઈપણ વ્યક્તિ ભવિષ્યમાં આવું કૃત્ય કરતાં સો વખત વિચારે તે હેતુ અને સમાજમાં દાખલો બેસાડવા કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. આ કેસમાં સરકારી વકીલ દ્વારા 19 સાહેદો તપાસી 21 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા બાદ સગીરાની જુબાની અને મેડિકલ પુરાવા આરોપીને સજા આપવામાં મહત્વના સાબિત થયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.