મહેસાણા એરોડ્રામમાં પ્લેન ઉડ્ડયનની તાલીમ આપતી જૂની અને નવી બંને કંપનીઓને બાકી વેરો આગામી 20 માર્ચ સુધીમાં ભરી દેવા કંપની અને ગુજસેલને નગરપાલિકાએ અલ્ટીમેટમ રૂપે નોટિસ ફટકારી છે. ત્યાર બાદ રૂ.7.68 કરોડનો વેરો વસૂલવા ટ્રિપલ એ કંપનીના સીઝ પ્લેન સહિત મિલકતની હરાજી કરાશે. જ્યારે હાલની બ્લ્યુ રે એવીએશન કંપનીનો રૂ.1.25 કરોડનો વેરો વસૂલવા કાયદેસર કાર્યવાહી કરાશે.
શહેરમાં સામાન્ય મિલકતદારોના બાકી વેરામાં નગરપાલિકા મિલકત સીલની કાર્યવાહી કરતી હોય છે, ત્યારે હવે એરોડ્રામમાં પ્લેન ઉડ્ડયનની તાલીમ આપતી કંપનીની બાકી વેરા વસૂલવા નગરપાલિકાએ કવાયત તેજ કરી છે. જેમાં અમદાવાદ એવીએશન એન્ડ એરોનોટીક્સ લી. (ટ્રિપલ એ) કંપની પાસેથી વર્ષો જૂના બાકી વેરા પેનલ્ટી સાથે કુલ રૂ. 7.68 કરોડ વસૂલવાના બાકી હોઇ નગરપાલિકાની તાકીદ પછી 15 ફેબ્રુઆરી સુધી વેરો ભરપાઇ કરવા બાંહેધરી આપતાં પાલિકાએ પ્લેન વગેરે મિલકતની હરાજી મોકૂફ રાખી હતી.
હવે 20 માર્ચ સુધી બાકી વેરો ભરપાઇ કરવામાં નહીં આવે તો સીઝ કરાયેલા પ્લેન, હેંગર, ગાડી સહિતની હરાજી કરાશે. આ સાથે આઝાદી કા અમૃત મહોત્સવ વળતર યોજનામાં પેનલ્ટી માફીનો લાભ મેળવી બાકી વેરો ભરવા કંપનીને લેખિત જણાવાયું છે.
જ્યારે હાલની બ્લ્યુ રે એવીએશન કંપની અને ગુજસેલને બાકી રૂ.1.25 કરોડનો વેરો ભરવા રિમાઇન્ડર નોટિસ બજાવી છે. આ કંપનીએ ગત 20 ફેબ્રુઆરીએ વેરો ભરવા 45 દિવસનો સમય પાલિકા પાસે માગ્યો હતો. જે સમય અવધિ હવે પૂર્ણતાએ હોઇ 20 માર્ચ સુધીમાં વેરો નહીં ભરાય તો કાયદેસરની કાર્યવાહી કરાશે તેમ જણાવાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.