જિલ્લાના તમામ મામલતદાર અને પ્રાંત અધિકારીઓએ પણ હવે પોતાના વિસ્તારના ગામડાઓમાં રાત્રી મિટિંગો કરી લોકોના પ્રશ્નો સાંભળવા પડશે. કામગીરીની સમીક્ષામાં જિલ્લા કલેક્ટરે અધિકારીઓને આ તાકીદ કરી હતી.
જિલ્લા કલેક્ટર એમ નાગરાજન દ્વારા જિલ્લાના તમામ મામલતદારો અને પ્રાંત અધિકારીઓ દ્વારા થતી કામગીરીની બેઠક લઈ સમીક્ષા કરાઇ હતી. જેમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી બાદ જિલ્લામાં 4700 જેટલી નોંધો પેન્ડિંગ હતી, જેનો નિકાલ થતાં હવે માત્ર 136 જેટલી નોંધો પેન્ડિંગ છે.
ત્યારે પહેલાં જે 90 દિવસની નોંધ નિકાલની સમય મર્યાદા હતી, તેને હવે માત્ર 45 દિવસમાં જ તમામ નોંધોનો નિકાલ કરવાની તાકીદ કલેક્ટર દ્વારા કરાઇ હતી. સાથે એક વર્ષ ઉપરના રેવન્યુના જેટલા પણ કેસો છે તેને ઝુંબેશ ચલાવી નિકાલ કરી દેવા અને માત્ર પોતાની કચેરીમાં જ નહીં પરંતુ પોતાના વિસ્તારના ગામડાઓમાં પણ મામલતદાર અને પ્રાંત અધિકારીએ રાત્રે મિટિંગો કરી લોકોના પ્રશ્નો સાંભળવાની પણ સૂચના અપાઈ હતી.
જ્યારે જિલ્લામાં અત્યાર સુધી એગ્રીકલ્ચર સેન્સસની 40 ટકા કામગીરી થઈ ચૂકી છે અને બાકી કામગીરી આગામી 10 દિવસમાં પૂરી કરી દેવાની તેમજ જિલ્લાની તમામ રેવન્યુ કચેરીઓમાં ઇ સરકારની તાત્કાલિક અસરથી અમલવારી કરવા માટેની પણ સૂચના જિલ્લા કલેક્ટર દ્વારા અપાઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.