વરણી:મોતીભાઈ ચૌધરી ફાઉન્ડેશનના અધ્યક્ષ પદે માલજીભાઈ દેસાઈની વરણી કરાઇ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંસ્થા ઉત્તર ગુજરાતમાં જળસંચયના ક્ષેત્રમાં કાર્યરત છે

જળસંચયના ક્ષેત્રે કાર્યરત ઉત્તર ગુજરાતની જાણિતી સ્વૈચ્છિક સંસ્થા મોતીભાઈ ચૌધરી ફાઉન્ડેશનના અધ્યક્ષપદેથી સાહિત્યકાર રઘુવીર ચૌધરીએ વય ને સ્વાસ્થ્યના કારણે સ્વૈચ્છિક નિવૃત્તિ લેતાં ગાંધીવાદીને ગાંધીઆશ્રમ ઝિલિયાના સંચાલક માલજીભાઈ દેસાઈની ફાઉન્ડેશનના અધ્યક્ષ તરીકે તથા સર્વોદય આશ્રમ વિરમપુરના સંચાલક હસમુખભાઈ પટેલની મંત્રી તરીકે સર્વાનુમતે વરણી કરાઈ છે. ટ્રસ્ટી તરીકે આંજણા સમાજના અધ્યક્ષ હરિભાઈ ચૌધરી, ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક રાજેન્દ્ર ખીમાણી, સંજય રઘુવીર ચૌધરી, કિરીટ દૂધાતની નવા ટ્રસ્ટી તરીકે નિયુક્તિ કરાઈ છે.

હોદ્દાની રૂએ દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી, રૂપપુરના વતની લેખક મણિલાલ એમ. પટેલ, સૃષ્ટિના સંચાલક રમેશભાઈ પટેલ, લોકનિકેતનના કિરણસિંહ હરિસિંહ ચાવડા, સહયોગના ચેરમેન ફાલ્ગુનભાઈ ચૌધરી, લાલભાઈ માલજીભાઈ દેસાઈની નિયામક મંડળના સભ્યો તરીકે નિયુક્તિ કરાઇ છે. ફાઉન્ડેશનના નવા નિયામક તરીકે આનંદભાઈ ચૌધરી વરાયા છે.

33 વર્ષ સુધી સર્વાનુમતે દૂધસાગર ડેરીના ચેરમેન તરીકે રહેલા પીઢ ગાંધીવાદી મોતીભાઈ ચૌધરીની સ્મૃતિમાં રચાયેલા મોતીભાઈ ચૌધરી ફાઉન્ડેશન વર્ષોથી ઉ.ગુ.માં જળસંચયનાં વિવિધ કાર્યો કરી રહ્યું છે. જિલ્લાના દૂધ ઉત્પાદકોએ મોતીભાઈની સેવાની કદરરૂપે એક દિવસની દૂધની આવક તેમને ભેટ આપી હતી. તેનો અંગત ઉપયોગ ન કરતાં મોતીભાઈએ તે રકમ જળસંચયનાં કામો માટે આ ફાઉન્ડેશનને સુપ્રત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...