ગ્રાઉન્ડ રિપોર્ટ:મહેસાણાના ખેરાલુનું મહેકુબપુરા ગામ, જ્યાં હજુ સુધી કોરોનાની એન્ટ્રી થઇ નથી

મહેસાણા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
આ ગામે કોરોના સંક્રમણ રોકવા પહેલેથી જ બનાવ્યા છે આકરા નિયમો, ગામમાં કોઈ સામાજિક, ધાર્મિક આયોજનો તેમજ મેળાવડા પર છે પ્રતિબંધ. - Divya Bhaskar
આ ગામે કોરોના સંક્રમણ રોકવા પહેલેથી જ બનાવ્યા છે આકરા નિયમો, ગામમાં કોઈ સામાજિક, ધાર્મિક આયોજનો તેમજ મેળાવડા પર છે પ્રતિબંધ.
  • બપોરે 12 વાગે ગામની તમામ દુકાનો બંધ થઇ જાય છે, લોકો ઘરની બહાર નીકળે ત્યારે ફરજિયાત માસ્ક પહેરે છે

મહેસાણા જિલ્લાના 608 ગામોમાંથી 10 ગામ એવા પણ છે કે જ્યાં હજુ કોરોના પ્રવેશી શક્યો નથી. આવું જ એક ગામ છે ખેરાલુ તાલુકાનું અંતરિયાળ મહેકુબપુરા. આરોગ્ય વિભાગના ચોપડે આ ગામમાં કોરોનાની પહેલી અને બીજી લહેરમાં એકપણ કેસ નોંધાયો નથી. એનું મુખ્ય કારણ છે ગામલોકોની સ્વયં શિસ્ત. ઘરની બહાર જરૂર વિના કોઇ નીકળતું નથી અને નીકળે તો માસ્ક પહેરીને જ. સાથે સોશિયલ ડિસ્ટન્સ જાળવવા કોઇ ભેગા બેસતું નથી. એટલે સુધી કે ગામમાં ઓટલા ઉપર બેસવાની પણ પાબંધી છે. કોરોનામુક્ત ગામ બનવાનો આ જ તો છે ચમત્કાર.

બપોરે સાડા દશ વાગવા આવ્યા છે, છતાં ગામમાં ખાસ કોઇ અવર જવર દેખાતી નથી. કર્ફ્યૂ જેવી શાંતિ છે, ગામને જોડતા તમામ રસ્તા અને મહોલ્લા સુમસામ છે. દુકાનો ખુલ્લી છે, પણ ગ્રાહકોની ખાસ ભીડ નથી. અમને અહીં ગામના યુવા અગ્રણી અને વ્યવસાયે શિક્ષક હાજીખાન બલોચ મળે છે. તેઓ કહે છે, અમારા ગામે કોરોનાની પહેલી લહેર આવી ત્યારે જ પાણી પહેલાં પાળ બાંધી લીધી હતી. સામાજિક અને ધાર્મિક પ્રસંગો પર પ્રતિબંધ મૂક્યો હતો, જે હજુ યથાવત છે. ગામના વતની હોય અને અમદાવાદ કે બીજા શહેરથી ગામમાં આવે તો તેમનો ફરજિયાત ટેસ્ટ કરાવાય છે, એટલું જ નહીં એક અઠવાડિયું હોમ કવોરન્ટાઇન પણ થવું પડે છે. દાતાઓના સહયોગથી પ્રાથમિક શાળામાં 6 ઓક્સિજન બોટલ સાથે આઇસોલેશન વોર્ડ બનાવેલો છે. સદનસીબે ગામમાં હજુ સુધી એકપણ કેસ નોંધાયો નથી.

તાલુકા મથક ખેરાલુથી 10 કિમીના અંતરે આવેલા આ ગામની કુલ વસતી 1200 આસપાસની છે. મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. ગામલોકો જીવન જરૂરી ચીજવસ્તુની ખરીદી માટે ખેરાલુ જાય છે. છતાં ગામમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તેની પૂરતી તકેદારી રાખે છે. ગામમાં 10 થી 12 નાની-મોટી દુકાનો છે. એક વેપારીએ કહ્યું કે, કોરોનાને લઇ ગામની તમામ દુકાનો બપોરે 12 વાગ્યા સુધી જ ખુલ્લી રાખીએ છીએ.

ગામના ઉપસરપંચ શબ્બીરખાન બલોચ કહે છે, કોરોના સંક્રમણ રોકવા પહેલી લહેર આવી ત્યારથી પૂરતી તકેદારી રાખીએ છીએ. આ ગામના 10 થી 12 યુવાનોની એક ટીમ છે, જે ગામમાં ખાંસી, ઉધરસ જેવા લક્ષણો જણાય તેમને તકેદારી અંગે માર્ગદર્શન આપવાનું કામ કરે છે. ઓટલા બેઠક અને સામાજિક કાર્યક્રમો પર પ્રતિબંધ છે. આ ગામની સૌથી મોટી વાત એ છે કે, ગામલોકો બિનજરૂરી આસપાસના ગામો કે શહેરોમાં જવાનું ટાળે છે. આ સાવચેતીએ જ ગામને 100% કોરોનામુક્ત રાખ્યું છે.

મહેસાણા જિલ્લાના 10 કોરોનામુક્ત ગામ
1. અજબપુરા, તા.બહુચરાજી
2. છાલેસરા, તા.જોટાણા
3. ધાંધલપુર, તા.જોટાણા
4. લીમડી, તા.ખેરાલુ
5. મહેકુબપુરા, તા.ખેરાલુ
6. ગલાલપુર, તા.સતલાસણા
7. ડુંગરપુર, તા.સતલાસણા
8. કાજીપુર, તા.સતલાસણા
9. ખારી, તા.સતલાસણા
10. રંગપુર, તા.સતલાસણા

અન્ય સમાચારો પણ છે...