અચોક્કસ મુદતની હડતાળ:ઉ.ગુ.ના સરકારી કર્મીઓની મહેસાણામાં મહારેલી : જૂની પેન્શન યોજના લાગુ કરો

મહેસાણા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઉ.ગુ.ના 4 જિલ્લાના કર્મચારીઓની સંયુક્ત કર્મચારી મોરચાની વિશાળ રેલી ફુવારા સર્કલથી કલેકટર કચેરી સુધી યોજાઈ હતી. - Divya Bhaskar
ઉ.ગુ.ના 4 જિલ્લાના કર્મચારીઓની સંયુક્ત કર્મચારી મોરચાની વિશાળ રેલી ફુવારા સર્કલથી કલેકટર કચેરી સુધી યોજાઈ હતી.
  • માંગણીઓ ન સંતોષાય તો હવે માસ સીએલ, પેનડાઉન, અચોક્કસ મુદતની હડતાળ
  • સવારે અને બપોરે બે સંગઠનોની અલગ અલગ રેલી, 30 હજાર કર્મચારી જોડાયાનો દાવો

સરકાર સામે જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે પડતર પ્રશ્નો હલ કરવા બાંયો ચઢાવનાર સરકારી કર્મચારીઓની મહેસાણામાં સવાર અને બપોર એમ બે મોરચાએ અલગ અલગ રેલી યોજતાં શક્તિ પ્રદર્શન જેવો માહોલ જોવા મળ્યો હતો. બંને રેલીમાં મળી 40 હજારથી વધુ કર્મચારીઓ જોડાયા હોવાનો દાવો સંગઠનોએ કર્યો હતો.

ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા ઉત્તર ગુજરાત ઝોન મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાના પ્રાથમિક, માધ્યમિક, ઉ.મા. શિક્ષક, આચાર્ય સંઘ, મહેસુલી સહિત વિવિધ કર્મચારી મંડળોના કર્મચારીઓ મહેસાણાના અરવિંદ બાગ પાસે સવારે 10 વાગે એકઠા થઇ જૂની પેન્શન યોજના લાગુ કરવા સહિતની માંગો સાથે વિશાળ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચી પ્રાંત અધિકારી આર.આર. જાદવને આવેદનપત્ર આપ્યું હતું.

સંયુક્ત કર્મચારી મોરચા બનાસકાંઠા જિલ્લા પ્રમુખ સંજય દવે અને મહેસાણા જિલ્લા પ્રમુખ રાકેશભાઇ પટેલે કહ્યું કે, ગુજરાત સરકાર સામે જૂની પેન્શન યોજના માટે કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે. ગત 3જીએ મહારેલી બાદ સરકારે રાજ્યના સંયુક્ત કર્મચારી મોરચાને ચર્ચા માટે બોલાવ્યા હતા. પણ જાહેરાત ન કરતાં આજે ચાર જિલ્લાના ઝોન કક્ષાની મહારેલી યોજી છે. હજુ પણ સરકાર જૂની પેન્શન યોજના લાગુ નહીં કરે તો જલદ આંદોલન કરાશે. ગુજરાતમાં 77 કરતાં વધુ કર્મચારી મંડળોનું સમર્થન છે અને ઉ.ગુ. ઝોન રેલીમાં 30 હજાર કર્મચારીઓ જોડાયા છે. કર્મચારીઓમાં રોષ છે કે માંગણીઓ ન સંતોષાય તો માસ સીએલ, પેનડાઉન, અચોક્કસ મુદ્દતની હડતાળ સુધીના કાર્યક્રમો અપાશે.

જ્યારે સોમનાથ ચોકડી ઉત્સવ પાર્ટીપ્લોટ ખાતે બપોરે એક વાગે રાષ્ટ્રીય સંયુક્ત મોરચાના નેજા હેઠળ ઉત્તર સંભાગના કન્વીનર ભૂરાજી રાઠોડ, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંતના મહામંત્રી મિતેષભાઇ ભટ્ટની ઉપસ્થિતિમાં મહેસાણા, બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કર્મચારીઓની સભા યોજાઇ હતી. બાદમાં કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપ્યું હતું. રાષ્ટ્રીય સંયુક્ત મોરચા મહેસાણા જિલ્લા કન્વીનર મુકેશભાઇ ચૌધરીએ કહ્યું કે, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને ભારતીય મજદૂર સંઘ સહિત 39 મંડળો સમર્થનમાં જોડાયેલા છે અને રેલીમાં 10 હજારથી વધુ કર્મચારીઓ જોડાયા હતા. સરકાર જૂની પેન્શન યોજના સહિતની માંગણીઓ હલ નહીં કરે તો હવે માસ સીએલ, પેનડાઉન, અચોક્કસ મુદતની હડતાળ કરીશું.

અન્ય સમાચારો પણ છે...