પશુઓની ચકાસણી:બુટાપાલડી અને ચિત્રોડીપુરામાંથી લીધેલા લમ્પીના સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો

મહેસાણા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • લમ્પીથી બનાસકાંઠામાં 7 અને પાટણમાં 4 પશુનાં મોત, નવા 311 કેસ
  • જિલ્લાની 21 ગૌશાળા અને પાંજરાપોળનાં પશુઓની ચકાસણી કરવા સૂચના

મહેસાણા તાલુકાના બુટાપાલડી અને ચિત્રોડીપુરા ગામમાંથી લેવાયેલા લમ્પી વાયરસના શંકાસ્પદ સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. અગાઉ શંકાસ્પદ 5 પૈકી 4 ગાય સ્વસ્થ થતાં હાલ માત્ર 1 ગાયની સારવાર ચાલી રહી છે. લમ્પી વાયરસને લઇ મહેસાણા કલેક્ટર કચેરી ખાતે મંગળવાર સવારે પ્રભારી સચિવ ધનંજ્ય દ્વિવેદીના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક મળી હતી. જેમાં જિલ્લાની 21 ગૌશાળા અને પાંજરાપોળમાં રાખેલા 7300 જેટલા પશુઓની ચકાસણી માટે ટીમોની રચના કરાઇ હતી. બીજી બાજુ, દૂધસાગર ડેરી દ્વારા અત્યાર સુધીમાં 15600 પશુઓનું રસીકરણ પૂર્ણ થઇ ચૂક્યું છે.

જ્યારે મહેસાણા જિલ્લાની આસપાસના જિલ્લામાં લમ્પી વાયરસના વધતા કેસોને ધ્યાને રાખી બીજા જિલ્લાની હદને સ્પર્શતા 9 તાલુકાના 89 ગામની 35125 ગાયને પ્રથમ તબક્કાના રસીકરણમાં આવરી લઇ તેમને સુરક્ષા આપવા સૂચના અપાઇ હતી. બેઠકમાં કલેક્ટર ઉદીત અગ્રવાલ, ડીડીઓ ડો.ઓમ પ્રકાશ, જિલ્લા પશુપાલન અધિકારી ડો. વી.એન. મકવાણા અને તેમની ટીમ તેમજ ડેરીના અધિકારી હાજર રહ્યા હતા.

જ્યારે બનાસકાંઠા જિલ્લામાં વધુ 9 તાલુકાના 267 ગામોમાં પશુઓમા લંપી વાઈરસની અસર જોવા મળી હતી. જેમાં 7 પશુઓના મોત થયાં છે. જિલ્લામાં કુલ 274 ગામોમાં 3119 પશુઓને લંપી વાઇરસની અસર જોવા મળી છે જેમાં અત્યાર સુધી 70 પશુઓના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. તો પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના દાત્રાણામાં ત્રણ અને સાંતલપુરમાં એક ગાયનું મોત થયું હતું. જ્યારે 20 ગામોમાંથી વધુ 44 કેસ સામે આવતાં સારવાર શરૂ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...