મહેસાણાના મોઢેરા રોડ પર આવેલા એફસીઆઇ ગોડાઉનની બહાર રોજેરોજ ટ્રકોની થતી લાંબી લાઈનોને લઈ છેલ્લા ઘણા સમયથી સર્જાતી ટ્રાફિક સમસ્યાને દૂર કરવા સંસદ સભ્ય શારદાબેન પટેલે આ ગોડાઉનને શહેરની બહાર ખસેડવા માટે લોકસભામાં રજૂઆત કરી છે.શહેરના મોઢેરા રોડ પર એફસીઆઇ ગોડાઉનની બહાર સવાર પડે ને થઈ જતી ટ્રકોની લાઈનને કારણે વાહન ચાલકો અને સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે. રોડ પર જ ઊભી થઈ જતી ટ્રકોને પરિણામે સર્જાતી ટ્રાફિકની સમસ્યા માથાના દુ:ખાવા સમાન બનતાં સ્થાનિકોએ વારંવાર રજૂઆતો કરી છે.
દિવ્ય ભાસ્કર દ્વારા તાજેતરમાં આયોજિત રૂબરૂ સંવાદ કાર્યક્રમ થકી આ પ્રશ્ન ઉઠાવાયો હતો. ત્યારે મોઢેરા રોડ પરની ટ્રાફિકની આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે સાંસદ શારદાબેન પટેલે લોકસભામાં રજૂઆત કરી છે. રજૂઆતમાં તેમણે જણાવ્યું કે, મહેસાણા જિલ્લાનો બુલેટ ગતિથી થઇ રહેલ વિકાસના કારણે એફસીઆઇ ગોડાઉન શહેરની મધ્યે આવી ગયું છે.
આ સ્થળની આજુબાજુ અનેક રહેણાંક વિસ્તાર આવેલા છે અને હજારો લોકો વસવાટ કરે છે. ગોડાઉનને કારણે આ સ્થળ પર વારંવાર ટ્રકોની લાંબી લાઈનો લાગે છે. જેનાથી અકસ્માત થવાની ચિંતા સેવાઇ રહી છે. આ ગોડાઉનને અન્ય સ્થળે ખસેડવાથી એફસીઆઇ ગોડાઉનમાં આવતી ટ્રકોને પણ સરળતા રહેશે, કામગીરી ઝડપથી પૂર્ણ થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.