કોરોનાવાઈરસ:22 પૉઝિટિવ,4 મોત સાથે કડી કોરોના"હોટસ્પોટ' બન્યું

મહેસાણા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કડીના કોરોનાગ્રસ્ત 75 વર્ષિય વૃદ્ધનું 14 દિવસની સારવાર બાદ મોત, જિલ્લામાં મૃત્યુ આંક 7 થયો
  • શનિવારે લીધેલા 30 સહિત 50 સેમ્પલનો રિપોર્ટ પેન્ડિંગ
  • જિલ્લામાં બે કોરોના દર્દીનો રિપીટ રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો

જિલ્લામાં કોરોના પૉઝિટિવ કેસોમાં મોલીપુર, છઠિયારડા બાદ હવે કડી શહેર હોટસ્પોટ બન્યું છે. શનિવારે મહેસાણા સાંઇક્રિષ્ણા કોવિડ હોસ્પિટલમાં કડીના કોરોના સંક્રમિત 75 વર્ષિય આદમભાઇ ઘાંચી નામના વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થયું હતું. કોરોનામાં હાઇરિસ્ક ઝોન બની ગયેલા કડી શહેર અને તાલુકામાં અત્યાર સુધી 22 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે કોરોનાગ્રસ્ત 4 લોકોના મોત થયાં છે. કોરોના હોટસ્પોટ બનેલા કડી શહેરમાં વધી રહેલા કેસનો પગલે જિલ્લા આરોગ્ય વિભાગે 14 ટીમો ઉતારી મોબાઇલ ઓપીડી તેમજ ડોર ટુ ડોર સર્વે કામગીરી હાથ ધરી છે. આ કામગીરી સતત પાંચ દિવસ ચાલુ રખાશે. આ દરમિયાન કોરોનાના લક્ષણો જણાશે તો તે વ્યક્તિને તુરત હોસ્પિટલાઇઝ કરવામાં આવશે તેમ આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.

આરોગ્ય વિભાગે મૃતકના પરિવારને જાણ કરી

મહેસાણા સાંઇક્રિષ્ણા કોવિડ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત કડીના 75 વર્ષના આદમભાઇ ઘાંચીનું શનિવારે સારવાર દરમિયાન મોત થતાં કડી શહેર હાઇરિસ્ક પર આવી ગયું છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી જિલ્લામાં 105 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે  મૃત્યુ આંક 7 પર પહોંચ્યો છે. કડીમાં જૂની બરોડા બેંકની બાજુમાં રહેતા 75 વર્ષના આદમભાઇ ઘાંચીને ડાયાબિટીસ,  બ્લડપ્રેશરની સાથે બાયપાસ કરાવેલું હોઇ 17 મેના રોજ તબિયત બગડતાં શંકુઝ હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા અને અહીં 10 દિવસની સારવાર બાદ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતાં મહેસાણા સાંઇક્રિષ્ણા હોસ્પિટલમાં ખસેડાયા હતા. અહીં 4 દિવસથી ચાલી રહેલી સારવારમાં આદમભાઇ ઘાંચીને વેન્ટીલેટર પર રખાયા હતા અને શનિવારે મૃત્યુ થતાં આરોગ્ય વિભાગે મૃતકના પરિવારને જાણ કરી હતી. 

જ્યારે અગાઉ લેવાયેલા 29 સેમ્પલો પૈકી 27નું પરિણામ નેગેટીવ આવ્યું હતું. જ્યારે અમદાવાદના અલ્પેશ બારડ અને વિજાપુરના વિકાસ અવિનાશ યાદવનો રિપીટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તો વડનગર હોસ્પિટલમાંથી 3 દર્દીઓ મળી જિલ્લામાં 76 વ્યક્તિઓ અત્યાર સુધીમાં કોરોનાને પરાસ્ત કરી રજા લઇને ઘરે પહોંચ્યા છે. જ્યારે હાલમાં 19 કોરોના સંક્રમિતો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. શનિવારે વધુ 30 શંકાસ્પદોના સેમ્પલ લેવાયા હતા. આ સાથે કુલ 50 સેમ્પલનો રિપોર્ટ પેન્ડિંગ છે.
મહેસાણા જિલ્લો 7 મૃત્યુ આંક સાથે રાજ્યમાં સાતમા  ક્રમે
મહેસાણા જિલ્લામાં કોરોના સંક્રમિત 7 વ્યક્તિના મૃત્યુ થયા છે. તેમાં કડીના જ 4 સંક્રમિતોનો સમાવેશ થાય છે. શનિવારે કોરોનાને લઇ થયેલા 7મા મોતને પગલે મહેસાણા જિલ્લો કોરોનામાં મોતમાં રાજ્યમાં 7મા ક્રમે પહોંચ્યો છે. જેમાં અમદાવાદમાં 798, સુરતમા 67, વડોદરા-39, ગાંધીનગર -13, આણંદ-10, ભાવનગર-8 અને મહેસાણામાં 7 મોત થયા છે.

કડીમાં કોરોનામાં મૃત્યુ પામેલા તમામ 50 વર્ષથી વધુ વયના અને બીમારીગ્રસ્ત
આરોગ્ય વિભાગ મુજબ, કોરોનામાં મોટી ઉંમરના વ્યક્તિઓ હાઇરિસ્ક પર રહેલા હોઇ સૌપ્રથમ કડીમાં સર્વે દરમિયાન મોટી ઉંમરના વ્યક્તિને કોઇ બીમારી કે કોરોનાના લક્ષણો જણાય તો તેમને તાત્કાલિક સારવારથી માંડી સેમ્પલ લેવા સહિતની કામગીરી ઝડપી કરાઇ છે. નોંધનીય છે કે, કડીમાં કોરોનાને કારણે મૃત્યુ પામેલામાં તમામ 50 વર્ષથી વધુ વયના અને મોટાભાગના હ્રદય કે ડાયાબિટીસની બીમારી ધરાવતા હતા. જેથી ડાયાબિટીસ, બીપી સહિતના રોગવાળી વ્યક્તિને સ્થળ ચેકઅપમાં કોરોનાના લક્ષણો જણાય તો તેમને તાત્કાલિક આઇસોલેટ કરાશે. 

કોરોના સંક્રમિતોને શોધવા કડી શહેરમાં 5 દિવસ સુધી સર્વે કામગીરી ચાલશે
 આરોગ્ય વિભાગ હાઇરિસ્ક પોપ્યુલેશનમાં આવતા આખા કડી શહેરમાં સર્વે કામગીરી હાથ ધરી છે અને સર્વેલન્સમાં સંક્રમિતોને શોધી સ્થળ પર જ દવા આપવાથી માંડી આઇસોલેટ કરવા સુધીની કામગીરી કરાશે. સાથે રોગ પ્રતિકારક શક્તિ વધારવા જરૂરી દવા વિતરણ પણ કરી રહ્યા છીએ. કડી શહેરમાં 5 દિવસ સુધી સર્વે કામગીરી ચાલશે. - ર્ડા. વિનોદભાઇ પટેલ, આરોગ્ય અધિકારી 

ફિઝિશિયન ડૉક્ટરો કોવિડ હોસ્પિટલમાં સેવા આપશે

જિલ્લામાં કોવિડ-19ની પરિસ્થિતિ નિયંત્રણ લાવવા માટે તંત્ર અથાગ પ્રયત્નો કરી રહ્યું છે. જજિલ્લા કલેકટર એચ.કે. પટેલના અધ્યક્ષ સ્થાને આઇએમએના પ્રતિનિધિઓની બેઠક  યોજાઇ હતી. જેમાં મહેસાણા જિલ્લાના ફિઝિશિયન એસોસિયેશન દ્વારા સાંઇક્રિષ્ણા કોવિડ હોસ્પિટલમાં દર્દીઓના સ્વાસ્થયની જાળવણી માટે સવાર અને સાંજ ફિઝિશિયન દ્વારા રાઉન્ડ લેવાનું નક્કી કરાયું છે. જેમાં કોરોનાના દર્દીઓની સારવાર અને તેમની દેખભાળ કરાશે. ફિઝિશિયન એસોસિયેશન દ્વારા ઓન-કોલ પણ ઉપલબ્ધ રહેવાનો નિર્ણય કર્યો છે. 

અન્ય સમાચારો પણ છે...