કડીમાં દવાખાનું ધરાવતા ડોક્ટરને કેનેડાના વર્ક પરમીટ વિઝા જોઈતા હોવાથી તેઓએ અલગ અલગ એજન્ટો પાસે માહિતી મેળવતા હતા, ત્યારે ફેસબુક દ્વારા સંપર્કમાં આવેલા જીતેન્દ્રસિંહ જી જોહલ નામના એજન્ટે તેમને વિશ્વાસમાં લઈ ટુકડે ટુકડે અલગ અલગ કામ પેટે રૂ 16 લાખ જેટલી રકમ લીધા બાદ પણ વિઝા ન આપાવતા ડોક્ટરે કડી પોલીસ સ્ટેશનમાં એજન્ટ વિરૂદ્ધ છેતરપિંડીની ફરીયાદ નોધાવી છે.
લોકોને વિદેશમાં વસવાટ કરવાનો ચસ્કો લાગ્યો હોવાનો અત્યારના સમયમાં જોવા મળી રહ્યું છે. તેવામાં વિદેશમાં સ્થાયી થવાના સપનાં જોતા લોકો કેટલાક ઠગબાજોની વાતોમાં વિશ્વાસમાં આવી જઈ લાખો રૂપિયા ગુમાવી રહ્યા છે. વિદેશમાં સ્થાયી કરવાના રૂપાળાં સપનાં બતાવી કેટલાક ઠગો લોકો પાસેથી લાખો રૂપિયાનો ચૂનો લગાડી રહ્યા હોવાના કિસ્સા કેટલાક સમયથી પ્રકાશિત થયી રહ્યા છે. કડીમાં આવો જ એક ચેતવણીરૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
કડીમાં સુજાતપુરા રોડ ઉપર આવેલ કૃપાનગર સોસાયટી ખાતે ક્લિનિક ધરાવતા ડો.સમીરભાઈ સુરેશચંદ્ર પંડ્યાને 2020માં કેનેડા વર્ક પરમિટ વિઝા ઉપર જવાનું હોવાથી તેમણે જુદા જુદા એજન્ટો પાસે માહિતી મેળવવાની ચાલુ કરી હતી.
ફેસબુકમાં જીતેન્દ્ર સિંહ જી જોયલ નામનું એકાઉન્ટ ધરાવતી વ્યક્તિ કેનેડાના વિઝાનું કામ કરતી હોવાથી તેમણે તેને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી કેનેડાના વિઝા માટે વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન કેનેડાના વર્ક પરમીટ વિઝાના 16 લાખ નક્કી કરી સ્ટેપ વાઈઝ કામના પ્રમાણમાં પૈસા આપવાનું નક્કી થયું હતું. જેમાં ડોક્ટરે તેમની પત્ની અને તેમના ડોક્યુમેન્ટ સ્કેન કરી એજન્ટ દ્વારા આપવામાં આવેલા મેઈલ ઉપર મોકલ્યા હતા.
આ દરમિયાન એજન્ટ દ્વારા ટુકડે ટુકડે ડોક્ટરને વિશ્વાસમાં લઈ શરૂઆતમાં પ્રતિક કથરોટિયાનું ખાતું એક્સિસ બેંક ગજેરા રોડ સુરતની શાખામાં રૂપિયા 3 લાખ, 30 જાન્યુઆરી 2021ના રોજ રુપિયા 5 લાખ, 10 ફેબ્રુઆરી 2021 રોજ અને રૂપિયા 8 લાખ ટ્રાવેલ કો ઓર્ડીનેટરના ખાતામાં જમા કરાવ્યા હતા.
ત્યારબાદ એજન્ટે દિલ્હી બોલાવ્યા હતા, પરંતુ દિલ્હીમાં તોફાન થયું હોવાનું બહાનું કાઢી તેમને ના પાડી હતી. ત્યારબાદ બીજા 98 હજાર અને 6500 ડોલર રીન્યુ કરાવવાનું એજન્ટ દ્વારા કહેતા ફરીયાદીએ પૈસા આપ્યા નહોતા.
ફરિયાદી સમીરભાઈ પંડ્યાએ વિઝા માટેની ઉઘરાણી કરવા છતા એજન્ટ દ્વારા વિવિધ બહાના બતાવી તેમને વિઝા નહીં આપતા સમીરભાઈ પંડ્યાએ કડી પોલીસ સ્ટેશનમાં ફેસબુક એકાઉન્ટ ધરાવતા જતિન્દ્રસિંહ જી જોહલ વિરૂદ્ધ કેનેડાના વર્ક પરમિટ વિઝા નહી આપી છેતરપિંડી કરી રૂ 16 લાખ પડાવી લીધા હોવાની ફરીયાદ નોધાવી છે. કડી પોલીસે ફરીયાદ નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.