પોલીસની જેમ હવે મહેસાણા જિલ્લાનું આરોગ્ય તંત્ર પણ જિલ્લામાં ગર્ભપાત કરતા તબીબોની માહિતી આપનાર બાતમીદારને ચોક્કસ પ્રોત્સાહક ઇનામની રકમ આપશે. દીકરાઓના પ્રમાણમાં દીકરીઓનો ઓછો સંખ્યા દર વધારવા જિલ્લા કલેક્ટર અને ડીડીઓ દ્વારા સમગ્ર રાજ્યમાં સૌપ્રથમવાર આ નવી પહેલ કરવામાં આવી છે.
દારૂ, જુગારની પ્રવૃત્તિ કરતા તેમજ ગુનેગારોને પકડવા માટે પોલીસ જેમ તેની માહિતી આપનારને, પોતાના ખબરી કે બાતમીદારને ચોક્કસ રકમ આપતી હોય છે, તેમ જિલ્લા કલેક્ટર એમ નાગરાજન દ્વારા પણ જિલ્લામાં ગર્ભપાત કરતા તબીબોની માહિતી આપનાર બાતમીદાર એવા તે વ્યક્તિને ચોક્કસ રકમ પ્રોત્સાહક ઇનામ તરીકે આપવાનો નિર્ણય શનિવારે યોજાયેલી જિલ્લાની પીસી પીએનડીટી એકટની એડવાઈઝરી કમિટીની બેઠકમાં નિર્ણય કરાયો હતો અને આ માટે અલગથી બજેટ ફાળવવાનું પણ નક્કી કરાયું છે.
સાથે જિલ્લામાં દર્દીઓની સારવાર માટે સોનોગ્રાફી મશીનનો યોગ્ય ઉપયોગ થાય તે માટે બે નવા ક્લિનિકોને રજીસ્ટ્રેશન અને અન્ય ત્રણ ક્લિનિકોનું રિન્યુઅલ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ સિવાય કમિટીએ અન્ય મુદ્દાઓની ચર્ચા કરી તેને બહાલી આપી હતી. પીસી પીએનડીટી એડવાઈઝરી કમિટીમાં જિલ્લા વિકાસ અધિકારી ડો. ઓમ પ્રકાશ અને જિલ્લા આરોગ્ય અધિકારી મહેશ કાપડિયા તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
સ્ટિંગ ઓપરેશન માટે અદ્યતન સાધનો વસાવવા વિભાગનો નિર્ણય
શહેર સહિત જિલ્લામાં દીકરાઓની સામે દીકરીઓનું પ્રમાણ વધારવા દીકરીઓને ગર્ભમાં જ મારી નાખીને ગર્ભપાત કરતાં તબીબો સામે સ્ટિંગ ઓપરેશન કરવા અને તે માટે અદ્યતન સાધનો વસાવવાનો પણ નિર્ણય કરાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.