મેઘમહેર:ઉત્તર ગુજરાતમાં 43 તાલુકામાં હળવાથી 6 ઇંચ સુધી વરસાદ

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 24 કલાકમાં ભાભરમાં પોણા 6, દાંતીવાડામાં સવા 3, પોશીનામાં અઢી, સિદ્ધપુરમાં દોઢ ઇંચ પડ્યો
  • ખેરાલુમાં​​​​​​​ 12, સતલાસણામાં 10 મીમી, મહેસાણા, વિજાપુર,વડનગર, વિસનગર, કડીમાં ઝાપટાં

ઉત્તર ગુજરાતમાં સોમવાર સાંજે 6 થી મંગળવાર સાંજે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં 43 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. છેલ્લા 24 કલાકમાં મંગળવાર સવારે 6 થી સાંજે 4 વાગ્યા સુધી વરસાદે સંપૂર્ણપણે વિરામ લીધો હતો. જોકે, 4 વાગ્યા બાદ ફરી વરસવાનું શરૂ થયું હતું. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ પોણા 6 ઇંચ વરસાદ ભાભરમાં અને સવા 3 ઇંચ વરસાદ દાંતીવાડામાં ખાબક્યો હતો. આ ઉપરાંત પોશીનામાં અઢી ઇંચ, સિદ્ધપુરમાં દોઢ ઇંચ, ભિલોડામાં સવા 1 ઇંચ, દાંતા, વડગામ અને ધનસુરામાં 1-1 ઇંચ વરસાદ નોંધાયો હતો.

મહેસાણા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 2 મીમી લઇ અડધા ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેમાં ખેરાલુમાં 12 મીમી, સતલાસણામાં 10, વિજાપુરમાં 4, મહેસાણા, વડનગર અને વિસનગરમાં 3-3 અને કડીમાં 2 મીમી નોંધાયો હતો.

પાટણ જિલ્લામાં સિદ્ધપુરમાં દોઢ ઇંચ, સાંતલપુરમાં 9 મીમી, ચાણસ્મા-હારિજમાં 6-6 મીમી, સમીમાં 4 મીમી, શંખેશ્વર-પાટણમાં 3-3 મીમી, રાધનપુરમાં 2 મીમી, સરસ્વતીમાં 1 મીમી, જ્યારે બનાસકાંઠાના ભાભરમાં પોણા 6 ઇંચ, દાંતીવાડામાં સવા 3 ઇંચ, દાંતા-વડગામમાં 1-1 ઇંચ, અમીરગઢમાં 12 મીમી, ધાનેરા-પાલનપુરમાં 10 મીમી, ડીસા-થરાદમાં 4-4 મીમી, દિયોદર, કાંકરેજ, લાખણી અને સુઇગામમાં 1-1 મીમી વરસાદ નોંધાયો છે.

આજે ઉ.ગુ.માં ભારે વરસાદ ખાબકી શકે છે
હવામાન વિભાગની આગાહી મુજબ, બુધવારે બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદની શક્યતા વચ્ચે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી શકે છે. જ્યારે મહેસાણા, પાટણ અને અરવલ્લી જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. સમગ્ર ઉત્તર ગુજરાતમાં 75 ટકાથી વધુ વિસ્તારમાં વરસાદ વરસી શકે છે.

તલોદ તાલુકાના ખારાના મુવાડા ગામમાં વીજળી પડતાં યુવકનું મોત
તલોદના ખારાના મુવાડામાં મંગળવારે સાંજે 7 વાગે વરસાદ પડતાં ઝાલા તેજપાલસિંહ ઉદયસિંહ (21) ગાયને છોડી શેડ નીચે લાવતો હતો. ત્યારે વીજળી પડતાં યુવાનને ગંભીર ઇજા થતઇ હતી. તેને રોઝડ આરોગ્ય કેન્દ્રમાં, ત્યાર બાદ વધુ સારવાર અર્થે તલોદ લઈ જવાતાં તબીબે મૃત જાહેર કર્યો હતો.

દેવરાસણમાં વીજળી પડતાં બે અને ગેરીતામાં વીજકરંટથી 1 પશુનું મોત
વિજાપુર તાલુકાના ગેરીતા ગામમાં મનુજી પ્રતાપજી ઠાકોરની ભેંસનું વીજ કરંટ લાગતાં મોત થયું હતું. જ્યારે મહેસાણા તાલુકાના દેવરાસણ ગામમાં વીજળી પડતાં રમેશજી ઠાકોરના બે પાડાનાં મોત થયાં હોવાનું જિલ્લા ડિઝાસ્ટર વિભાગે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...