હવામાન વિભાગની આગાહી:મેઘરાજાની રવિવારે પણ હાથતાળી જિલ્લાના 5 તાલુકામાં હળવો વરસાદ

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઊંઝા-વડનગર-ખેરાલુમાં 5, કડી-બહુચરાજીમાં 4 અને મહેસાણામાં 2 મીમી પડ્યો
  • ઉત્તર ગુજરાતમાં આજે 3 મીમી સુધીના સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગની આગાહી

મહેસાણા જિલ્લામાં શનિવારે સાંજે 6 થી રવિવારે સાંજે 6 વાગે પૂરા થતાં 24 કલાકમાં ઊંઝા, કડી, ખેરાલુ, મહેસાણા, બહુચરાજી અને વડનગર એમ પાંચ તાલુકામાં હળવો વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જોકે, ઝરમરિયા વરસાદ બાદ વાતાવરણમાં ઉઘાડ નીકળતાં ફરી રહીશોને અસહ્ય ઉકળાટનો સામનો કરવો પડ્યો હતો.

દરમિયાન, તા. 11 જુલાઇ ના રોજ ઉત્તર ગુજરાતમાં 70 મીમી સુધીના સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં મહેસાણામાં વરસાદનું જોર વધુ રહી શકે છે. જિલ્લામાં મેઘરાજા હજુ સુધી મનમૂકીને વરસ્યા નથી. પરિણામે ખેડૂતો સહિત લોકો કાગડોળે રાહ જોઇ રહ્યા છે. દિવસે કાળાડીબાંગ વાદળોથી હમણાં ધોધમાર વરસી પડશે તેવું લાગે છે પણ હાથતાળી આપી જતો રહે છે.

રવિવારે પણ છુટાછવાયા ઝાપટાં પડ્યાં હતાં. જેમાં ઊંઝા, વડનગર અને ખેરાલુ પંથકમાં 5-5 મીમી, કડી અને બહુચરાજીમાં 4-4 મીમી અને મહેસાણામાં 2 મીમી વરસાદ નોંધાયો હોવાનું ડીઝાસ્ટર વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. પાટણ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સિદ્ધપુરમાં 6, શંખેશ્વરમાં 2 અને રાધનપુર પંથકમાં 4 મીમી વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ થયો હતો જેને પગલે હવામાનમાં ઠંડક પ્રસરી હતી.

અન્ય સમાચારો પણ છે...