પહેલ:ઉત્તરાયણમાં મોજ તો કરીશું...પણ ચાઇનીઝ દોરી અને તુક્કલનો ઉપયોગ કરી મોતના ભાગીદાર નહીં બનીએ

મહેસાણા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુકરવાડાના એકતા ગૃપે શેરી નાટક દ્વારા ચાઇનીઝ દોરીથી થતાં નુકસાન અંગે સમજ આપી

સાંભળો ભાઇઓ, સાંભળો બહેનો આજ આવી અમારી ટોળી. વાત કરવા સમજ મજાની, નાટક કરવાના છીએ સરસ મજાનું. ધ્યાનથી સાંભળો વાત અમારી. જેનો વિષય છે ઉત્તરાયણ... આ શબ્દો દ્વારા વિજાપુરના કુકરવાડા ગામના એકતા ગૃપના 15 સભ્યો છેલ્લા એકાદ સપ્તાહથી ગામની શેરીએ શેરીએ જઇ ચાઇનીઝ દોરી અને તુક્કલથી થતાં નુકસાન વિશે લોકોને માહિતગાર કરી ચાઇનીઝ દોરીના બહિષ્કારની અપીલ કરી રહ્યા છે.

લગભગ 9 મિનિટના નાટકમાં યુવાનો ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરી વટ પાડી દેવાની વાત કરે છે. ત્યાર બાદ પતંગ ચગાવવાની આબેહૂબ એક્શન કરી એ કાપ્યો અને લપેટની બૂમ પાડતાં નજરે પડે છે. બેકગ્રાઉન્ડમાં પતંગ દોરી અને બ્યુગલના અવાજ દ્વારા ઉત્તરાયણના દિવસનું વાતાવરણ ઊભું કરે છે. એટલામાં રસ્તામાંથી પસાર થતો એક યુવાન ચાઇનીઝ દોરીથી ઘાયલ થાય છે. એમ્બ્યુલન્સ સાયરનના અવાજ સાથે આવે છે અને તેને હોસ્પિટલ લઇ જાય છે એવા અભિનય સાથે ચાઇનીઝ દોરી કેટલી ખતરનાક છે તે ચિત્ર સ્પષ્ટ કરે છે.

આ ઘટના બાદ એક યુવક હાથમાં ન્યૂઝ પેપર લઇ ઉત્તરાયણ સમયે ચાઇનીઝ દોરીથી બનેલી દુર્ઘટનાઓ વાંચીને સંભળાવે છે. અભિનય દ્વારા ઉત્તરાયણમાં અબોલા જીવ અને માનવ મૃત્યુ પાછળ ચાઇનીઝ દોરી નહીં પણ માવનજાત જવાબદાર હોવાની વાત કરે છે. આ સાથે ગૃપના સભ્યો ચાઇનીઝ દોરી ખરીદનાર અને વેચનાર વેપારીઓને માનવજાત અને અબોલા જીવના મોતના જવાબદાર ન બનવા અપીલ કરે છે. નાટકના અંતે ઉત્તરાયણમાં મોજ કરીશું, પરંતુ ચાઇનીઝ દોરી અને તુક્કલના ઉપયોગથી માનવ જાત અને અબોલા જીવના મોતનું કારણ નહીં બનવાના શપથ લેવડાવે છે.

અન્ય સમાચારો પણ છે...