સમસ્યા:પતિને છોડીને 16 વર્ષ મોટા પ્રેમી સાથે રહી, હવે પ્રેમીએ તરછોડી ઝઘડો થતાં પતિથી અલગ થયેલી પત્નીને પતિએ પુનઃસ્વીકારી

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સખી વન સ્ટોપ સેન્ટરમાં બે કિસ્સા પૈકી એકમાં સમાધાન, બીજો ન ઉકેલાયો

સખી વન સ્ટોપ સેન્ટરમાં આવેલા મહિલા લગત બે કિસ્સા પૈકી એકમાં પોતાનાથી 16 વર્ષ મોટા યુવાન સાથે પ્રેમ થતાં પતિ ને તરછોડી તેની સાથે દોઢ વર્ષ રહેનાર યુવતીને પ્રેમીએ તગેડી મૂકી છે અને પતિએ સાથે લઇ જવાનો ઇન્કાર કરતા હાલત કફોડી બની છે. જ્યારે અન્ય કિસ્સામાં પ્રેમલગ્ન બાદ થયેલા ઝઘડા વચ્ચે વન સ્ટોપ સેન્ટર રખાયેલ યુવતીને સમજાવટ બાદ તેનો પતિ સાથે લઈ જવા તૈયાર થયો હતો.

કિસ્સો-1: મહેસાણાની યુવતીને પતિની દુકાને અવારનવાર આવતા પોતાનાથી 16 વર્ષ મોટા યુવાન સાથે આંખ મળી જતા પ્રેમ સંબંધ બંધાયો હતો અને તેને પામવા પતિને પણ તરછોડ્યો હતો. છેલ્લા દોઢ વર્ષથી લીવ-ઈનમાં રહેતી યુવતીને પ્રેમી તગેડી મુકતા તે 181 અભયમ ની મદદથી સખી વન સ્ટોપ સેન્ટરમાં લવાઇ હતી. છેલ્લા છ દિવસથી સમજાવટ છતાં પ્રેમીએ તેને સાથે લઈ જવા ઇન્કાર કરતા મંગળવાર સવારથી યુવતીએ બૂમાબૂમ કરી પ્રેમી સાથે જવા જીદ કરી હતી.એક સમયે તો તે પ્રેમીના પગ પકડીને રડી પડી હતી. જોકે, આ કિસ્સામાં યુવતીને માતા અને પતિએ ઘરે સાથે લઈ જવાનો ઇનકાર કરતા સંસ્થાના વહીવટી અધિકારી મુકેશભાઇ પટેલે યુવતીનુ પુનઃ સ્થાપન કરવા વિચારણા હાથ ધરી છે.

કિસ્સો-2: પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કરનાર યુવતીને કેટલાક સમય બાદ અણબનાવ ઉભો થતાં છુટાછેડા લીધા હતા પરંતુ પતિ વિના રહેવું અશક્ય જણાતાં તે પરત પતિ સાથે રહેવા ગઇ હતી.પરંતુ નણંદ સાથે અવાર નવાર થતા ઝઘડા અને પિયરમાં જમીનના કાગળો પર સહી કરવા બાબતે ઉભા થયેલા વિવાદ વચ્ચે યુવતીએ ઘર છોડીને 181 અભયમની મદદ લીધી હતી. સખી વન સ્ટોપ સેન્ટરમાં લવાયેલ યુવતી અને તેના પતિનું કાઉન્સિલિંગ કરાયું હતું. જેમાં યુવતીના પરિવારજનોની ગેરહાજરી વચ્ચે આખરે પતિએ સાથે લઈ જવાની તૈયારી બતાવી હતી.

અન્ય સમાચારો પણ છે...