વિસનગર જનરલ હોસ્પિટલમાં આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે સ્વયં હેલ્થ એટીએમની શરૂઆત કરાવી હતી. તેમણે જણાવ્યું કે, સ્વંય હેલ્થ એટીએમ દર્દીઓની સારવાર માટે આશીર્વાદરૂપ બનશે. આ મશીન થકી દર્દીની પ્રોફાઇલ જાણી શકાય છે.
ઉપરાંત, વિવિધ ટેસ્ટ દ્વારા તેને સારવાર સમયસર મળી શકશે. આ મશીન દ્વારા 75થી વધુ ટેસ્ટ ગણતરીની મિનિટોમાં મળતાં હોવાથી દર્દીને ટેસ્ટ માટે વધુ સમય રાહ જોવી પડશે નહીં. રાજ્યમાં હાલ 4 સ્થળે સ્વયં હેલ્થ એટીએમ ઇન્સ્ટોલ કરાયાં છે. આ મશીનથી મૂળભૂત પરીક્ષણો, યુરીન અને લોહીના પરીક્ષણો, રેપીડ ટેસ્ટ સહિત અન્ય ટેસ્ટો પણ ગણતરીની મિનિટોમાં થશે. સ્વયં એટીએમ દ્વારા ઝડપથી આરોગ્ય રિપોર્ટ આપવાની સાથે સાથે વીડિયો કન્સલટન્ટ ડોક્ટર, ડિજીટલ રેકોર્ડ સહિતની આગામી સમયમાં સુવિધા પૂરી પાડનાર છે.
આ પ્રસંગે પૂર્વ ગૃહમંત્રી રજની પટેલ, પ્રાંત અધિકારી, આરોગ્ય અધિકારી ડો. ટી.કે. સોની, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. વિષ્ણુ પટેલ, વિસનગર સિવિલ સર્જન ડો. પારૂલબેન પટેલ સહિત સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.