ભાસ્કર એનાલિસિસ:મેના પ્રથમ કરતાં છેલ્લા સપ્તાહમાં 86% કેસ ઘટ્યા

મહેસાણા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને જામનગર પછી 24134 કેસ સાથે મહેસાણા જિલ્લો કોરોના સંક્રમણમાં રાજ્યમાં છઠ્ઠા ક્રમે, 91 ટકા દર્દી સાજા થયા
  • પહેલા અઠવાડિયામાં 3334 કેસ અને છેલ્લામાં માત્ર 451 કેસ નોંધાયા, એટલે કે ત્રણ સપ્તાહમાં 2883 કેસનો ઘટાડો થયો

મહેસાણા જિલ્લામાં એપ્રિલ મહિનાની તુલનામાં મે મહિનામાં કોરોનાની ગતિ એકદમ ધીધી પડી રહી છે. મે મહિનાના પ્રથમ સપ્તાહમાં 3334 કેસ નોંધાયા હતા. જ્યારે છેલ્લા સપ્તાહમાં માત્ર 451 કેસ નોંધાયા છે. એટલે કે પ્રથમ સપ્તાહ કરતાં છેલ્લા સપ્તાહમાં પોઝિટિવ કેસોની સંખ્યામાં 2883 કેસ (86%)નો ઘટાડો નોંધાયો છે. 4 સપ્તાહ પ્રમાણે સ્થિતિ જોઇએ તો પોઝિટિવ કેસોમાં 23% થી 65% સુધી કેસ ઘટ્યા છે. ઉલ્લેખનિય છે કે, કોરોનાકાળમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને જામનગર પછી 24134 કેસ સાથે મહેસાણા જિલ્લો કોરોના સંક્રમણમાં રાજ્યમાં છઠ્ઠા ક્રમે આવે છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં રિકવરી રેટ 91 ટકાથી ઉપર નોંધાયો છે.

મે મહિનાના પ્રથમ સપ્તાહમાં 3334 પોઝિટિવ કેસ નોંધાયા હતા, જ્યારે બીજા સપ્તાહમાં 799 કેસના ઘટાડા સાથે 2555 કેસ નોંધાયા. એટલે કે, પ્રથમ સપ્તાહ કરતાં બીજા સપ્તાહમાં 23% ઓછા સંક્રમિતો મળ્યા હતા. તેવી જ રીતે બીજા સપ્તાહની સરખામણીએ ત્રીજા સપ્તાહમાં માત્ર 901 કેસ સામે આવ્યા, એટલે કે 65%ના ઘટાડા સાથે 1654 કેસ ઓછા નોંધાયા હતા. ચોથા સપ્તાહમાં 451 કેસ નોંધાયા હતા. ત્રીજા સપ્તાહની સરખામણીએ ચોથા સપ્તાહમાં 50%ના ઘટાડા સાથે 450 કેસ ઓછા નોંધાયા. જે મે મહિનામાં સંક્રમણ ધીમું પડ્યાનું સૂચવે છે.

જિલ્લાની સૌથી મોટી 200 બેડની વડનગર કોવિડ હોસ્પિટલમાં હાલ માત્ર 95 દર્દી સારવાર હેઠળ

વડનગર : મહેસાણા જિલ્લાની સૌથી મોટી વડનગર કોવિડ હોસ્પિટલમાં એક મહિના પહેલાં તમામ 200 બેડ ભરેલા હતા અને 24 કલાકથી લઇને 60 કલાક સુધીનું વેઇટિંગ રહેતું હતું. મે મહિનામાં કોરોનાના કેસ સતત ઘટતાં આજે 50 ટકાથી વધુ બેડ ખાલી છે. હાલ 95 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જેમાં બાયપેપ પર 18 દર્દીઓ, એનઆરબીએમના 30 અને સાદા ઓક્સિજન પર 25 દર્દીઓ સારવાર લઈ રહ્યા હોવાનું હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતુ. શનિવારે 2 દર્દીઓનાં મોત થયાં હતાં. જ્યારે 10 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી હતી.

જિલ્લામાં શહેરોમાં 24 અને ગ્રામ્યના 21 મળી 45 નવા કેસ
મહેસાણા જિલ્લામાં શનિવારે 45 કેસ નોંધાયા હતા. જેમાં શહેરી વિસ્તારના 24 અને ગ્રામ્ય વિસ્તારના 21 કેસનો સમાવેશ થાય છે. મહેસાણા શહેરમાં સૌથી વધુ 21 કેસ નોંધાયા હતા. 139 દર્દીઓ સાજા થતાં એક્ટિવ કેસની સંખ્યા 1174 નોંધાઇ હતી. બીજી બાજુ જિલ્લામાં 790 શંકાસ્પદ સેમ્પલ લેવાયા હતા. બીજી બાજુ મહેસાણા નિજધામમાં 9 પૈકી 4 મૃતદેહના તેમજ વિસનગર સ્મશાનમાં 2 મૃતદેહોના કોરોના ગાઇડ લાઇન મુજબ અંતિમ સંસ્કાર કરાયા હતા.

જ્યારે ઉત્તર ગુજરાતમાં શનિવારે 106 કેસ અને 9 દર્દીઓનાં મોત થયાં હતાં. સાબરકાંઠામાં 26 કેસ નોંધાયા હતા. બનાસકાંઠા જિલ્લામાં 53 દર્દીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. તો પાટણ જિલ્લામાં 6 કેસ નોંધાયા હતા, જ્યારે િસદ્ધપુરમાં આધેડ મહિલા, સમીના રાફુ ગામમાં આધેડ પુરૂષ અને શંખેશ્વરના કુંવર ગામના આધેડનું મોત થયું હતંુ.

અન્ય સમાચારો પણ છે...