રજૂઆત:જમીન રી-સર્વે, MSP, ખેતીમાં સમાન વીજદરના પ્રશ્નો ઉકેલો

મહેસાણા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા, કડી, વિસનગર, વડનગર સહિત જિલ્લામાં કિસાન સંઘ દ્વારા ખેડૂતોના પ્રશ્નો મામલે આવેદનપત્રો અપાયાં
  • દૂધનો પ્રતિ લિટર 100 નો લાભ આપવો,કમોસમી વરસાદથી થયેલ નુકસાનનું ખેડૂતોને સહાય આપવી સહિત માંગો પૂરી કરવા માંગ

રાજ્યમાં ખેતીવાડીમાં અપાતી વીજળી માટે સમાન વીજદર કરવો અને હોર્સ પાવર કે મીટર પદ્ધતિમાં સરખો ભાવ રાખી બંનેમાંથી એક વિકલ્પ પસંદ કરવાની છૂટ આપવી, તમામ ખેતીપાકોના ટેકાના ભાવ (MSP) નક્કી કરવા, રાજ્યમાં સમાન સિંચાઈ દર કરી દરેક ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચે તેવી વ્યવસ્થા ઉભી કરવી સહિતના પ્રશ્નો મામલે મંગળવારે જિલ્લામાં મહેસાણા, કડી, વિસનગર, વડનગર સહિતના સ્થળોએ તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યા હતા.

મહેસાણા : મહેસાણા તાલુકા ભારતીય કિસાન સંઘના અધ્યક્ષ રતિલાલ પટેલ અને મંત્રી વિષ્ણુભાઇ ચૌધરીએ મંગળવારે મહેસાણા મામલતદારને આપેલા આવેદનપત્રમાં ખેડૂતોની 6 પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવા માંગ કરી હતી.

કડી : કડી મામલતદાર કચેરીએ બેનર સાથે પહોંચી નાયબ મામલતદાર એન.એલ લખતરીયાને આવેદનસુપ્રત કર્યુ હતું.કડી તાલુકા કિસાન સંઘના પ્રમુખ પ્રવિણભાઈ પટેલ,માણેકલાલ પટેલ સહિતના ખેડૂતોએ કરી હતી.

વિસનગર : વિસનગરમાં ભારતીય કિસાન સંઘ દ્વારા મંગળવારના રોજ ખેડૂતોના સમાન વીજદર અને મીટરપ્રથા નાબુદ કરવા સહિતના પડતર પ્રશ્નોના 10 મુદ્દાઓને લઇ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતોના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ આવે તેવી માંગણી કરાઇ હતી. જેમાં વિસનગર ભારતીય કિસાન સંઘના પ્રમુખ ડી.જે.પટેલ, જિલ્લા કોષાધ્યક્ષ પ્રભુદાસ પટેલ, મંત્રી અંબાલાલ પટેલ સહિત હાજર રહ્યા હતા.

વડનગર : વડનગર તાલુકા ભારતીય કિસાન સંઘના પ્રમુખ છનાજી અરજણજી અને મંત્રી દિનેશભાઈ પટેલ સહિત કાર્યકરોએ મામલતદારને આપેલા આવેદનપત્રમાં રિસર્વેમાં થતી કનડગત દૂર કરવા, સમાન વીજદર,દૂધનો પ્રતિ લિટર 100 નો લાભ આપવો,કમોસમી વરસાદથી થયેલ નુકસાનનું ખેડૂતોને સહાય આપવી સહિત પ્રશ્નોનો ઉકેલ લાવવા માંગ કરી હતી. વીજ પુરવઠો સળંગ 8 કલાક પૂરો પાડવા સહિતની માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...