સમસ્યા:મહેસાણામાં ગટર સફાઇ-મેન્ટેનન્સમાં બે એજન્સીના સંકલનના અભાવે હાલાકી

મહેસાણા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા યાર્ડના બીજા ગેટ આગળ 1 માસથી ગટરનું પાણી રેલાય છે
  • ભૂગર્ભ ગટર શાખાના ચેરમેને કહ્યું સિટી-1માં 30 હજારની વસ્તી વધીને 65હજાર થઇ, હવે જૂની ગટરલાઇનો બદલવાની જરૂર

મહેસાણા શહેરમાં ભૂર્ગભ ગટરના ગંદા પાણી ઉભરાવાની વકરતી સમસ્યાઓને લઇને ગટર સાફ સફાઇ અને મેન્ટેનન્સની બે એજન્સીઓ વચ્ચે સંકલનના અભાવે ઝડપથી સમસ્યા હલ ન થતી હોવાની રાવ ખૂદ ભૂગર્ભ ગટર શાખાના ચેરમેન સંજય બ્રહ્મભટ્ટ(બંકો)એ વ્યકત કરી હતી. મહેસાણાના યાર્ડના કસ્બા રોડ સાઇડ બીજા ગેટ આગળ કુંડીથી ગંદા પાણી છેલ્લા એક મહિનાથી બહાર રસ્તામાં ફેલાતા આવનજાવન કરતાં લોકો તેમજ આસપાસના વેપારીઓ તોબા પોકારી ઉઠ્યા છે.

આ સમસ્યાને લઇને શુક્રવારે ભૂગર્ભ ગટર શાખાના ચેરમેન સંજય બ્રહ્મભટ્ટે કહ્યુ કે, ગટર સાફસફાઇનો કોન્ટ્રાક્ટ દરબાર કોર્પોરેશન એજન્સી તેમજ લાઇન બદલવી,મેન્ટેન્સનો કોન્ટ્રાક્ટ જય કોર્પોરેશન એજન્સીને આપેલ છે.જેમાં મેન્ટેન્સ માટેના વાર્ષિક કોન્ટ્રાક્ટમાં આખુ વર્ષ કામ માટે માણસ રાખવાની જોગવાઇ છતાં ત્રણેક મહિના પહેલા એજન્સીને ફરિયાદો હલ કરવા કહ્યું ત્યારે માણસ નથી તેવા જવાબો મળ્યા હતા.હાલમાં એપીએમસીના બીજા ગેટ આગળ ગટરના પાણી ઉભરવાની સમસ્યામાં સફાઇના કોન્ટ્રાકટર અને મેન્ટેન્સના કોન્ટ્રાક્ટર વચ્ચે સંકલનનો અભાવ હોવાનું જણાઇ આવ્યુ છે.

ગટર કુંડીની લાઇન ડેમેજ થયેલી છે,જેના કારણે એક મહિનાથી હાલાકી છે. આ અંગે સંબધિત એજન્સીને જાણ કરાયેલ છે.સીટી 1 વિસ્તારમાં જીયુડીસી દ્વારા ગટર લાઇન નંખાઇ ત્યારે 30 હજારની વસ્તી હતી અને હાલ સીટી 1ના 5 વોર્ડમાં 65 હજારથી વધુ વસ્તી થઇ છે,વર્ષો જુની લાઇનો થવાના કારણે ભૂગર્ભ ગટર લાઇન ઘણી જગ્યાએ બદલવી પડે તેમ છે.આ અંગે પાલિકા બોર્ડમાં રજૂઆત કરાયેલી છે.

અન્ય સમાચારો પણ છે...