તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:અધકચરા લોકડાઉન કરતાં અડધો દિવસ દુકાનો ખુલ્લી રાખો

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા શહેરના 11 વેપારી એસોસીએશનના હોદેદારોએ લૉકડાઉન અંગે કહ્યું, હવે નાના વેપારીઓની આર્થિક વ્યવહારોમાં કમર તૂટી રહી છે
  • લોકડાઉન પહેલાં 1થી 16 એપ્રિલ સુધી 483 કેસ નોંધાયા, 17 એપ્રિલથી અત્યાર સુધીના બંધમાં 2255 કેસ નોંધાયા
  • પહેલાં 11 દિવસ સ્વૈચ્છિક અને પછી આંશિક લોકડાઉનમાં 20 દિવસ થયા, બસ બહું થયું હવે તો વેપારની છુટ જોઇએ

મહેસાણા શહેરમાં કોરોના સંક્રમણ વધતાં 11 દિવસ સ્વૈચ્છિક લોકડાઉનમાં વેપાર-ધંધા બંધ રહ્યા. આ સમય પૂરો થવા આવ્યો ત્યાં સરકારે આંશિક લોકડાઉન લાગુ કર્યું. એ સાથે આજે 20 દિવસ થયા. હવે નાના વેપારીઓને આર્થિક વ્યવહારોમાં કમર તૂટી રહી છે.

સાવચેતી ચોક્કસ જરૂરી છે, સાથે જીવનનિર્વાહ ધબકતો રાખવો એટલો જ જરૂરી છે. ત્યારે તા.12 મેથી લોકડાઉન ન લંબાવતાં કમસેકમ અડધો દિવસ સાવચેતી સાથે ધંધા રોજગારની છુટછાટ મળવી જોઇએ. હાલ અધકચરા લોકડાઉનના કારણે બજારમાં ટ્રાફિક તો થાય જ છે, એના કરતાં બધુ ચાલુ હશે તો ગ્રાહકો વહેંચાઇ જશે તેવા વિચારો શહેરના 11 વેપારી એસોસીએશનના હોદ્દેદારોએ વ્યકત કર્યા હતા.

મહેસાણા શહેરમાં17મી એપ્રિલ શનિ-રવિ બંધ, સોમવાર તા. 19 થી 21 સુધી બપોરે 2 પછી બંધ, તા.22 થી 11 દિવસ સ્વૈચ્છિક લોકડાઉન, તા.2 થી 5 મે સુધી સરકારી આંશિક લોકડાઉન, તા.5 થી 12 મે સુધી આંશિક લોકડાઉન લંબાયું છે. 1 એપ્રિલથી 10 મે સુધીના 40 દિવસમાં 2738 કેસ નોંધાયા છે. જેમાં 17 એપ્રિલથી બંધથી શરૂઆત થઇ ત્યારથી અત્યાર સુધીના 24 દિવસમાં 2255 કેસ નોંધાયા છે. જ્યારે લોકડાઉન પહેલાં તા. 1 થી 16 એપ્રિલ સુધીમાં 483 કેસ નોંધાયા હતા.

લોકોને વ્યવહારો સાચવવા વેપારની છૂટ આપો
કોરોનાના પહેલા વેવમાં 5 મહિના નુકસાન પછી માંડ બેડા થયાં, ત્યાં બીજી લહેરે આર્થિક વ્યવહારોની કમર તોડી નાંખી છે. સોના-ચાંદીની 250 દુકાનો ઉપરાંત કાપડ, કટલરી બધામાં લગ્નસરા ફેઇલ છે. ધંધામાં શ્વાસ લેવા, લોકોના આર્થિક વ્યવહારો સાચવવા અડધો દિવસ વેપારની છૂટ આપવી જોઇએ. વડનગરમાં આજથી બપોર સુધી વેપારની છૂટ અપાઇ છે. > અરવિંદભાઇ પટેલ, પ્રમુખ, ચોક્સી બજાર એસો.

હોટલ-રેસ્ટોરન્ટમાં ભોજનની છૂટછાટ જરૂરી
દર્દીના સંબંધીઓ રાત્રે 8 વાગ્યા પછી જમવા માટે હોટલ શોધતા હોય છે. કમસેકમ રાધનપુર ચોકડી આસપાસ દવાખાનાં વધુ છે તે એરિયામાં હોટલ રેસ્ટોરન્ટોને બપોરે અને રાત્રે વધુ સમયની છૂટછાટ જરૂરી છે. હાલ અધકચરું લોકડાઉન છે, સંપૂર્ણ આપો તો કોરોના અટકાવવામાં ઉપયોગી બનશે. અમે નુકસાન વેઠવા તૈયાર છીએ, નહીં તો છૂટછાટ આપો. > આબિદઅલી મોમીન, મંત્રી, હોટલ-રેસ્ટોરન્ટ એસો.

નમકીન વેચાય છે, ફરસાણની દુકાનને મંજૂરી આપો
સહયોગ સહિત દૂધપાર્લરોથી દૂધની સાથે મિઠાઇ, ફરસાણનું વેચાણ થાય છે, મિઠાઇ- ફરસાણની દુકાનો આંશિક લોકડાઉનમાં બંધ કેમ? નમકીન બનાવે છે જ ફરસાણવાળા. બજારમાં નમકીન તો છુટથી મળે છે, આ કેવું લોકડાઉન? ચુસ્ત લોકડાઉન માટે અમે તૈયાર છીએ. હાલ તો નાના વેપારીઓને મુશ્કેલી છે. બપોરે 2 સુધી વેપારની છુટ મળે તો સારું.> ભાવેશભાઇ ઠક્કર, પ્રમુખ, મિઠાઇ-ફરસાણ એસો.

કામદારના પગાર દુકાનનું ભાડું ચડે છે
મહેસાણા શહેરમાં પહેલાં 15 દિવસ સ્વૈચ્છિક લોકડાઉન પછી સરકારે આંશિક લાગું કર્યું છે. આ બધા દિવસ થઇને તા.12મીએ 20 દિવસ થઇ જશે. કામદારના પગાર, દુકાનના ભાડા ચડે છે. સામાજિક અંતર, માસ્કની કાળજી સાથે વેપારની બપોરે 2 સુધી છૂટછાટ આપવી જોઇએ. > કલ્પેશ પટેલ, પ્રમુખ, વાસણ એસો.

નાના વેપારીઓ આર્થિક ભીડમાં છે
પહેલાં 11 દિવસ સ્વૈચ્છિક લોકડાઉન, પછી સરકારે આંશિક લોકડાઉન આપ્યું, ગારમેન્ટ કાપડમાં 60 ટકા વેપારીની ભાડાની દુકાન છે. ફેક્ટરી, ઉદ્યોગો ચાલુ છે. નાના વેપારી, કારીગરો આર્થિક ભીડમાં છે. દુકાનો 2 વાગ્યા સુધી ચાલુ રાખવાની માંગણી કરવાના છીએ.> મનિષ પ્રજાપતિ, પ્રમુખ, રેડિમેડ કાપડ એસો.

આ લોકડાઉનમાં ટ્રાફિક તો રહે જ છે
અડધું બજાર ચાલુ હોય એટલે ચાલુ દિવસ જેટલો જ ટ્રાફિક બજારમાં રહે છે. આ અધકચરું લોકડાઉન છે એના કરતાં બજાર ખોલવું જોઇએ. કાં તો સરકારે સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવું જોઇએ. હાલ તો 20 દિવસ થઇ ગયા. બધા સમૃદ્ધ ન હોઇ હવે બપોર સુધી દુકાન ખોલવાની છૂટછાટ જરૂરી છે. > વિજય પટેલ, પ્રમુખ, ફુટવેર એસો.

બધી દુકાન ખુલે તો ગ્રાહકો વહેંચાશે
ગત સાલ સરકારી લોકડાઉનમાં પોલીસના ડરથી કોઇ સોસાયટીઓની બહાર પણ ખાસ નીકળતું નહોતું. આ આંશિક લોકડાઉનનો તો કોઇ અર્થ નથી. બજારમાં લોકોની ભીડ હોય જ છે. માલ ગોડાઉનમાં ભીડ સર્જાય છે. બધી દુકાનો ખુલ્લી હોય તો ગ્રાહકો વહેંચાશે. હવે છૂટછાટ આપવી જોઇએ. > ચુનીલાલ પટેલ, પ્રમુખ, કટલરી એસો.

છાત્રોને પુસ્તકોમાં હાલાકી પડી રહી છે
હાલ અડધું બજાર તો ખુલ્લું છે, 20 દિવસ થવા આવ્યા હવે સંપૂર્ણ ખુલવું જોઇએ. લોકડાઉન થી 10 ટકા કોરોના કંટ્રોલ થયો છે. ઓનલાઇન ભણતરમાં પણ સીબીએસસી, ઇજનેરી, મેડિકલ સહિતના છાત્રોને બુકોની તકલીફ પડી રહી છે. વેપારીઓને પણ મુશ્કેલી છે, પગાર ચૂકવે છે. > વલ્લભભાઇ શાહ, પ્રમુખ સ્ટેશનરી એસો.

મોબાઇલ રિપેરિંગ માટે તકલીફ પડે છે
બંધને 20 દિવસ થવા આવ્યા, સમય ઓછો આપો પણ દુકાનો ચાલુ કરાવો. કર્મચારીઓના પગાર ચાલુ છે, આવક નથી. ગ્રાહકોના મોબાઇલની ડિસ્પ્લે તૂટી જવી, સ્ક્રિન ડિફોલ્ટમાં મરામત માટે ચક્કર લગાવતા હોય છે. બપોર સુધી તો હવે દુકાનોને છુટછાટ આપવી જોઇએ. > યોગેશ પટેલ, મોબાઇલ એન્ટરપ્રાઇઝ

સ્થિતિ સુધરી છે,આખો દિવસ છૂટ આપો
હેર કટિંગ માટે લોકોને તકલીફ પડી રહી છે. શહેરમાં 300 દુકાનો છે. સલૂન માટે ગ્રાહકના ઘરે કે ગ્રાહક સામેથી અમારા ઘરે આવે છે. હવે પહેલાં કરતાં કોરોનામાં સ્થિતિ સુધરી રહી છે. લોકોને તકલીફ ન પડે એટલે રાત્રે 8 સુધીની દુકાન, સલૂન ખુલ્લા રાખવાની છૂટ આપવી જોઇએ. > જશુભાઇ પી. ભાટિયા, હેરકટિંગ સલૂન

2020 જેવું લોકડાઉન થાય તો કામનું
કોરોનાની ચેઇન તોડવા માટે સખત લોકડાઉનની જરૂર છે પોલીસ બંદોબસ્ત સાથે. ગત વર્ષમાં લોકડાઉન હતું એવું થાય તો જ કોરોના સામે જીતી શકાય. હાલ સ્વૈચ્છિક અને આંશિક લોકડાઉનથી ઝાઝો ફેર નહીં પડે.> જયંતીભાઈ પટેલ, મંત્રી ટુવ્હીલર ઓટો એસો.

તા.12મી પછી સરકારની સૂચના મુજબ બજારમાં અમલવારી કરાવાશે
હાલ આંશિક લોકડાઉનમાં ખાદ્યપદાર્થોને મંજૂરીમાં ફરસાણ આવી જાય અને ઘણી ફરસાણ ની દુકાનો ચાલુ છે. હાલ 12મી સુધી આંશિક લોકડાઉન અમલમાં છે. ત્યાર પછી સરકારના નવા જાહેરનામા કે સૂચના આવે તેની અમલવારી કરાવીશું. પાલિકા પ્રમુખ, કારોબારી વગેરેની કોરકમિટી ચર્ચા કરી આયોજન કરીશું. > અલ્પેશ પટેલ, ચીફ ઓફિસર મહેસાણા નગરપાલિકા

અન્ય સમાચારો પણ છે...