છેતરપિંડી:કસલપુરાના પરિવારને બનાવટી વિઝા પકડાવી ઠગે રૂ 6.06 લાખ ખંખેરી લીધા

મહેસાણા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વિઝાના નામે છેતરપિંડી આચરનારા માણસાના ખાટાઆંબાના શખ્સ સામે ગુનો
  • 4 વ્યક્તિના અસલ પાસપોર્ટ લઇ આપેલા વિઝાની ઓનલાઈન તપાસમાં ભાંડો ફૂટ્યો

જોટાણા તાલુકાના કસલપુરા ગામના ખેડૂત પરિવારના પુત્ર, પુત્રવધૂ અને બે પૌત્રોને ઓસ્ટ્રેલિયા મોકલવા માણસાના ખાટાઆંબા ગામના એક શખ્સે ચારેયના અસલ પાસપોર્ટ અને રૂ. 6.06 લાખ લઇ આપેલા બે વિઝા બનાવટી હોવાનું ઓનલાઇન તપાસમાં જણાતાં સાંથલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.કસલપુરા ગામે ખેતી કરતાં 65 વર્ષીય ડાહ્યાભાઇ નારણદાસ પટેલે ઓક્ટોબર 2019માં તેમના દીકરા ગૌતમ, તેની પત્ની અને તેમના બે પુત્રોને ઓસ્ટ્રેલિયા મોકલવા કોઇ એજન્ટ હોઈ મિત્ર મંગળભાઇ પટેલને વાત કરી હતી.

જેમાં એકાદ અઠવાડીયા પછી ઘરે મિત્ર વિરમપુરા (લાખવડ) રમેશભાઇ સેંધાભાઇ પ્રજાપતિએ ખાટા આંબા માણસાના રમેશભાઇ કાન્તીભાઇ પ્રજાપતિને લાવી ઓળખાણ કરાવી હતી. જેમની સાથે વાત થતાં આ શખ્સોએ ઓસ્ટ્રેલિયા એમ્બેસીમાં ઓળખાણ છે અને ઓછું ભણેલાને પણ કાયદેસરના વિઝા અપાવી વિદેશમાં સેટ કરેલ હોવાનું કહી વિશ્વાસમાં લઇને કુલ રૂ. 35 લાખમાં સોદો થયો હતો, જેમાં વિઝા મળે એટલે રૂ. 6 લાખ અને બાકી રૂ. 19 લાખ ઓસ્ટ્રેલિયા પહોંચ્યા પછી ચુકવવાનું નક્કી થયું હતું અને ખાટા આંબાવાળા રમેશભાઇ કાન્તીભાઇ પ્રજાપતિ ચારેયના અસલ પાસપોર્ટ લીધા હતા.

બાદમાં 24 ડિસેમ્બર 2019ના રોજ રમેશભાઇ પ્રજાપતિએ ઘરે આવીને ગૌતમ અને તેની પત્ની પ્રેમીલાબેનના ઓસ્ટ્રેલિયાના વિઝા આવી ગયા છે અને બે બાળકોના વિઝા આવ્યા નથી તેમ કહી બેના વિઝાના પૈસાની માગણી કરતાં રોકડા રૂ. 6.06 લાખ આપ્યા હતા. બાદમાં કસલપુરા ગામના ડાહ્યાભાઇ પટેલે તેમની સાળીના દીકરા પાસે ગૌતમ અને તેની પત્નીના વિઝાની ઓનલાઇન ખરાઇ કરાવતાં આ વિઝા બનાવટી હોવાનું જણાતાં પાસપોર્ટ તેમજ પૈસા પાછા આપી દેવા વાત કરવા છતાં ખાટાઆંબાના રમેશભાઇ પ્રજાપતિ ગલ્લાં તલ્લાં કરતો હોઇ સાંથલ પોલીસ સ્ટેશનમા છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...