તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોર પકડાયા:કડીમાં મોબાઇલ શોપમાં 9 લાખના મુદ્દામાલની ચોરી કરનાર ઝડપાયા, બે બાળ આરોપી સહિત ચાર ઝડપાયા

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કડી પોલીસે ગણતરીના કલાકોમાં લાખોની ચોરીનો ભેદ ઉકેલ્યો

કડીના તાલુકા પંચાયત સદનની સામે ખોડિયાર ચેમ્બરમાં રાજુ મોબાઈલમાં થયેલ ચોરીનો ભેદ કડી પોલીસ તેમજ જિલ્લા પોલીસની એલસીબી તથા એસઓજીએ મળીને ઉકેલી દીધો છે તથા બે કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોર સહિત ચાર આરોપીને ઝડપી મુદ્દામાલ રીકવર કરી લીધો છે. કડીમાં મોબાઈલ શોપમાં 9 લાખની ચોરી થઇ હતી, જેની સામે 4.87 લાખનો મુદ્દામાલ રીકવર કરવામાં આવ્યો છે. પોલીસ વધુ પૂછપરછ હાથ ધરી છે.

પોલીસ સ્ટેશનથી માત્ર 200 મીટરના અંતરમાં થઈ હતી લાખોની ચોરી
કડી પોલીસ સ્ટેશનથી માંડ 200 મીટરના અંતરે આવેલા ખોડિયાર ચેમ્બરમાં 9 મેના રોજ અજાણ્યા ચાર ઈસમોએ રાત્રી કર્ફ્યૂ તેમજ સ્વંભુ બંધ નો લાભ ઉઠાવી મોડી રાત્રે 2 વાગ્યા પછી રાજુ મોબાઈલ નામના સ્ટોરમાં દુકાનનું શટર ઊંચું કરી આશરે 9 લાખ કરતા વધારે કિંમતના મોબાઈલ તેમજ ઘડિયાળો તેમજ એસેસરીઝ ની ચોરી કરી કડી પોલીસને પડકાર ફેંક્યો હતો. રાત્રી કર્ફ્યૂ દરમ્યાન દવાખાને અને નોકરીએ જતા લોકોને રસ્તા વચ્ચે ઉભા રાખી હેરાન કરતી પોલીસના નાક નીચેથી ચાર આરોપીઓએ મોબાઇલની દુકાનમાંથી 9 લાખની ચોરી કરતા પોલીસના રાત્રી કર્ફ્યૂમાં નાઈટ પેટ્રોલિંગની કામગીરી ઉપર શંકાના સવાલ ઉભા થયા હતા ચોરીની ઘટના પ્રકાશમાં આવતા પોલીસ દોડતી થયી ગયી હતી અને સીસીટીવી કેમેરાની મદદથી ટેક્નિકલ સર્વેલન્સ અને ખબરીઓની મદદથી ચોરોને ઝડપવા દોડધામ કરી હતી જેમાં જિલ્લા પોલીસની વિવિધ ટીમો જોડાયી હતી.પોલીસે રૂ 4,87,013/- નો મુદ્દામાલ રીકવર કરી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

પોલીસે ફક્ત 24 કલાકમાં આરોપીઓને ઝડપી પાડ્યા હોવા છતાં બધો મુદ્દામાલ રીકવર થયો નહીં
ખોડિયાર ચેમ્બરમાં આવેલ રાજુ મોબાઈલમાં 9 મેની મોડી રાત્રે આશરે 9 લાખથીથી વધારેની કિંમતના મોબાઈલ તથા એસેસરીઝ તથા સ્માર્ટ વોચની ચોરી થયી હતી. જેમાં પોલીસે જિલ્લાની વિવિધ એજન્સીઓની મદદથી 24 કલાકમાજ આરોપીઓને ઝડપી લેવાયા હતા પરંતુ પૂછપરછમાં રાખ્યા હોવાથી તેમની અટકાયત બહાર પડાઈ ન હતી. નવા નિશાળીયા ચોરો ફક્ત 24 કલાક કરતા ઓછા સમયમાં પોલીસના હાથે ઝડપાઇ જતાં તેમને મુદ્દામાલને સગેવગે કરવાનો સમય મળ્યો નથી. તેમ છતાં પોલીસ આરોપીઓ પાસેથી ચોરીના મુદ્દામાલમાંથી અડધો મુદ્દામાલ જ રીકવર કરી શકી હતી. પોલીસે રીકવર કરેલા મુદ્દામાલમાં 81 નંગ મોબાઇલમાંથી ફક્ત 49 મોબાઈલ, 3 સેમસંગ સ્માર્ટ વોચમાંથી ફક્ત 1 જ સ્માર્ટ વોચ તથા બીજો માલ મળી ફક્ત રૂ.4,87,013/- નો મુદ્દામાલ જ રીકવર કરી શકી હતી.

આરોપીઓ
(1) કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળ કિશોરો
(2) રાવળ સંજય અમરતભાઈ રહે.બલાસર
(3) ઠાકોર અનિલજી પ્રતાપજી રહે.મલ્લી વાસ કડી

અન્ય સમાચારો પણ છે...