મહેસાણા વિધાનસભા સીટ પર આજે ભાજપના ઉમેદવાર મુકેશ પટેલ પોતાનું ફોર્મ ભરવા ગયા હતા. આ દરમિયાન મહેસાણાના વિમલ પાર્ટી પ્લોટ ખાતે આશીર્વાદ સમારોહ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હાજર રહ્યા હતા. જ્યાં નિતિન પટેલે જણાવ્યું કે, મારે જે કરવાનું હતું તે બધું કરી દીધું છે ખાડા, ટેકરા જે આવવાના હતા એ મારી પર આવી ગયા છે મુકેશભાઈને હવે કાઈ તકલીફ રહેવાની નથી તે સડસડાટ વિકાસની યાત્રા આગળ વધારશે. આમ કહેતા જ લોકોમાં રમુજી ફેલાઈ હતી.
બધી પનોતી મારા પર આવી પણ ખરી અને ઉતરી પણ ખરીઃ નિતિન પટેલ
મહેસાણાના ભાજપના ઉમેદવાર અને નીતિન પટેલના ખાસ ગણાતા મુકેશ પટેલને ભાજપ દ્વારા ઉમેદવાર તરીકે પંસદગી કરાતા તેઓ આજે ફોર્મ ભરવા ગયા હતા. આ સમય અગાઉ આજે મહેસાણામા આશીર્વાદ સમારોહ યોજવામાં આવ્યો હતો. જ્યાં પૂર્વ નાયાબ મુખ્યમંત્રી નીતિન પટેલે સભા સંબોધતા જણાવ્યું કે, ભૂપેન્દ્રભાઈની ફરી સરકાર બને અને આપણા મુકેશભાઈ પણ ખભે ખભો મિલાવીને તેમાં કામ કરે અને મહેસાણાની વિકાસ યાત્રા આગળ વધારે. મારે જે કરવાનું હતું એ મેં કરી દીધું છે હવે કોઈ ખાડા, ટેકરા કઈ આવવાનું નથી તે બધુ મારા પર આવી ગયું હતું. ભગવાને કહે છે કે, જે પનોતી હોય તે પનોતી આપડે ઉતારી દઈએ એટલે બધુ સારૂ થઈ જાય. એમ બધી પનોતી મારા પર આવી પણ ખરી અને ઉતરી પણ ખરી. એમ કહેતા જ સભામાં બેસેલા કાર્યકરો ખડખડાટ હસી પડ્યા હતા.
મુકેશભાઈ સડસડાટ વિકાસની યાત્રા આગળ વધારશેઃ પૂર્વ નાયબ મુખ્યમત્રી
વધુમાં તેઓએ જણાવ્યું કે, અમે ફોર લેન રોડ બનાવ્યાં, સિક્સ લેન રોડ બનાવ્યાં, પુલો બનાવ્યાં, 2025 સુધી ચાલે એટલું નર્મદાનું પાણી લાવ્યાં. હજુ તો ઘણું કામ બાકી છે એટલે હવે મારે કાઈ કરવાનું નથી. હવે મુકેશભાઈને બધું કરવાનું છે. મારે તો થોડુંક રોકાતા રોકાતા, ખાડા ખૈયા કુંડતા કુંડતા બચાવ કરી કરીને ચાલવું પડતું હતું, હવે આપડા ઉમેદવાર મુકેશભાઈને આ કોઈ તકલીફ નહીં પડે જેથી એ સડસડાટ વિકાસની યાત્રા આગળ વધારશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.