જમીનના ડખા:જિલ્લામાં રિ-સર્વેના 70999માંથી 22154 નિકાલમાં 5 વર્ષ લાગ્યા

મહેસાણા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતોના 5 વર્ષની જમીન ક્ષેત્રફળ, ચકાસણી માટે ડીઆઇએલઆર કચેરીના ધરમધક્કા
  • કામગીરીની આ જ ગતિ રહી તો હજુ 48 હજારથી વધુ બાકી વાંધા હલ કરવામાં 10 વર્ષ લાગી જશે

મહેસાણા જિલ્લામાં જમીન રિસર્વે પ્રમોલગેશન થયા પછીના 5 વર્ષ દરમ્યાન 70999 ખેડૂતોના વાંધા અરજીઓનો જિલ્લા નિરીક્ષક જમીન દફ્તર કચેરીએ ખડકલો થયેલો છે. અને અહીં રોજ કચેરી આગળ ખેડૂતો જમીન રિ-સર્વે ખામીઓના સુધારા માટે ચક્કર લગાવી રહ્યા છે. ખેડૂત ચક્કર લગાવે એટલે થોડી પ્રોસેસ આગળ વધે પછી ફરી સર્વેયર અન્ય કામગીરીમાં વ્યસ્ત હોય તો આગળ કામગીરી ટલ્લે ચઢી જાય આવી સ્થિતિમાં ખેડૂતો જમીનના ડખામાંથી બહાર આવવા ફાંફે ચઢી રહ્યા છે.

બીજી તરફ તંત્રને આ 70 હજારથી વધુ વાંધાઓ પૈકી 22 હજાર વાંધાનું નિરાકરણ લાવતાં 5 વર્ષ લાગ્યા છે. જો કામગીરીની આ જ ગતિ રહી તો હજુ 48 હજારથી વધુ બાકી વાંધા હલ કરવામાં 10 વર્ષ વિતી જશે.દરમ્યાન નવા આવનાર જમીન વાંધા અરજના ખેડૂતોને તો કેટલો સમય રાહ જોવી પડશે તેને લઇને સવાલો ખડા થયા છે. ખેડૂતોની રઝળપાટ નિવારવા યોગ્ય વ્યવસ્થા કરવામાંગ ઉઠી છે. 517 ગામોમાં રિ- સર્વે પ્રમોલગેશ વર્ષ 2016-17માં પૂર્ણ થયેલુ છે ત્યારપછી જમીન ક્ષેત્રફળ સહિતના સુધારા માટે ખેડૂતોની હાલાકીઓ યથાવત છે.

18 માંથી 7 સર્વેયર સરકારી પ્રોજેક્ટમાં,4 સરકારી, ગ્રાન્ટ કામોમાં અને 10 તાલુકામાં માત્ર 7 ફિલ્ડમાં
DILRમાં હાલ 18 સર્વેયર પૈકી 7 સર્વેયર વડનગર અને ધરોઇ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માપણી, તારંગા-આબુરોડ રેલવે પ્રોજેક્ટ, ભારત માતા પ્રોજેક્ટ સંપાદન માપણીમાં રોકાયેલા છે.4 જેટલા સર્વૈયર પંચાયતોમાં ગ્રાન્ટ હેઠળના કામોમાં જમીન માપણી, ટી.પી અને ડી.પી કામગીરી માપણીમાં વ્યસ્ત રહેતા હોય છે.બાકી રહ્યા 7 સર્વેયર એ રિસર્વે વાંધા અરજીઓમાં જમીન માપણીમાં છે. આ વાંધા હજુ 48 હજારથી વધુ માપણી માટે પડી રહ્યા છે, 10 તાલુકામાં માંડ 7 સર્વેયર છે. એમાં સતલાસણા અને જોટાણા તાલુકા માટે તંત્ર પાસે સ્ટાફ જ નથી તેવુ ડીઆઇએલઆર અધિકારી સૂત્રોએ કહ્યુ હતું.

તમામ વાંધા માપણી દોઢ વર્ષમાં પૂર્ણ કરવા 70 સર્વેયરની જરૂર
રિ-સર્વે વાંધા હલ ન થવાના કારણે ખેડૂતોને લોન સહિતના કિસ્સાઓમાં મુશ્કેલીઓ સર્જાતી હોય છે.આવામાં જિલ્લાના હાલના તબક્કાના તમામ વાંધાનો નિકાલ દોઢ વર્ષમાં કરવા માટે કલેક્ટર સમક્ષ 70 સર્વેયર ફાળવવા ડીઆઇએલઆર કચેરી દ્વારા માંગણી કરાઇ છે.જોકે આ પહેલા પણ આવી માંગણીઓ થતી આવી છે પણ ખેડૂતોની મુશ્કેલીઓનું ઝડપથી નિરાકરણના પ્રયાસો ખૂબ મંથરગતિએ આગળ વધ્યા છે.

ઝડપથી માપણીનું DGPS મશીન જિલ્લામાં એક
ડીજીપીએસ(ડીફરન્સીએટ ગ્લોબલ પોઝીસનિંગ સિસ્ટમ) મશીન સેન્ટરમાં એક જગ્યાએ મૂકીને એકથી વધુ સર્વે નંબરની માપણી કરતું હોય છે.પરંતુ મહેસાણા જિલ્લામાં કચેરી પાસે માત્ર એક જ મશીન ઉપલબ્ધ છે.જ્યારે એટીએસ(ઇલેક્ટ્રોનિક ટોટલ મશીન) મશીનથી તંત્ર સર્વે નંબરોની માપણી કરી રહ્યુ છે તેમાં ચોક્કસ એક સમયે એક જ જગ્યાની માપણીમાં વધુ સમય લાગી રહ્યો છે.વળી રિ-સર્વે વાંધામાં જમીન માપણી પછી પણ દફ્તરી ચકાસણી અને હુકમોમાં પણ સ્ટાફની ઘટમાં મહિનાઓ વિતી રહ્યાની રાડ ઉઠી છે.આવામાં ખેડૂતના રિ-સર્વેમાં જમીન ડખા ઠેરના ઠેર રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...