લેખિત રિપોર્ટ ફરજિયાત:જિલ્લામાં તબીબોએ હવે સગર્ભાને સોનોગ્રાફી રિપોર્ટ આપવો ફરજિયાત

મહેસાણા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પીસી પીએનડીટી એક્ટ હેઠળ નોંધાયેલા અને સોનોગ્રાફી મશીન ધરાવતાં મહેસાણા જિલ્લાના 166 તબીબો લેખિત રિપોર્ટ ફરજિયાત આપવા નોટિસ

મહેસાણા જિલ્લામાં પીસીપીએનડીટી હેઠળ રજિસ્ટર થયેલા 166 તબીબોએ હવે સગર્ભા મહિલાઓને સોનોગ્રાફી નિદાનનો લેખિત પ્રિન્ટ રિપોર્ટ ફરજિયાત આપવો પડશે. જિલ્લાના આરોગ્યતંત્ર દ્વારા તમામ તબીબોને નોટિસ પાઠવીને આ અંગે તાકીદ કરવામાં આવી છે. 1000 પુરુષોની સરખામણીએ મહેસાણા જિલ્લામાં 935 જેટલી મહિલાઓનું ચિંતાજનક પ્રમાણ અને મહિલાઓના ઓછા જન્મદરને લઈ સમગ્ર રાજ્યમાં મહેસાણા જિલ્લાનો ચોથો નંબર આવે છે.

ત્યારે મહિલાઓનો ઓછા જન્મદરમાં સુધારો લાવી વધારો કરવા માટે પીસી પીએનડીટી કમિટીના અધ્યક્ષ જિલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલ દ્વારા કરાયેલા નિર્ણયને પગલે જિલ્લાના આરોગ્યતંત્ર દ્વારા પીસીપી એન ડીટી એક્ટ હેઠળ મહેસાણા જિલ્લામાં નોંધાયેલા 166 જેટલા તબીબોને સગર્ભા માતાઓની સોનોગ્રાફી કરાયા બાદ તેનો પ્રિન્ટ લેખિત રિપોર્ટ ફરજિયાત આપવા માટે નોટિસ આપીને તાકીદ કરવામાં આવી છે. સાથે સાથે સોફ્ટ અને હાર્ડ કોપી ફાઈલ નિયમિત રીતે ફરજિયાત નિભાવવા માટે પણ લેખિત સૂચના આપવામાં આવી છે.

સગર્ભા મહિલાઓનું સોનોગ્રાફી પરિક્ષણ કરતાં કેટલાંક ગાયનેક તબીબો સગર્ભા મહિલાની સોનોગ્રાફી નિદાનનોનો રિપોર્ટ નહીં આપતા હોવાની વહીવટી તંત્રને મળેલી ફરિયાદને આધારે તંત્ર દ્વારા આ નિર્ણય કરીને રિપોર્ટ નહીં આપતા તબીબો સામે લાલ આંખ કરી છે. ઉલ્લેખનિય છે કે જિલ્લામાં મહિલાઓનો જન્મ દર વધારવા માટે વહીવટી તંત્ર દ્વારા મહિનામાં એક વખત ફરજિયાત સ્ટિંગ ઓપરેશન કરવા સહિતના કડક નિર્ણયો પણ કરાયા છે.

રિપોર્ટ ન આપનાર તબીબનું સોનોગ્રાફી મશીન સીલ થશે
સગર્ભા મહિલાઓનો સોનોગ્રાફી નિદાન કર્યા બાદ તેનો પ્રિન્ટ રિપોર્ટ નહીં આપનાર તબીબનું સોનોગ્રાફી મશીન સીલ કરી દેવામાં આવશે અને તેની સામે મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એમ આરોગ્ય તંત્રએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...