મહેસાણા RTO તંત્રનો છબરડો:એક જ વ્યક્તિનાં 2 ડ્રાઇવિંગ લાયસન્સ ઇશ્યુ કરી દીધાં

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ કરાવનાર જોરણંગના 2 ભાઇઓને અલગ-અલગ કુરિયર તો મળ્યાં, પણ બંને લાયસન્સ એક જ ભાઇનાં નીકળ્યાં
  • લાયસન્સ​​​​​​​ બનાવતી સિલ્વર ટચ એજન્સીની ભૂલથી અરજદાર ધક્કે ચડ્યા, RTOએ કહ્યું-ટોલ ફ્રી નંબર પર સંપર્ક કરો અથવા અમદાવાદ વસ્ત્રાલ જાઓ

મહેસાણા તાલુકાના જોરણંગ ગામના 2 સગા ભાઇઓએ ગત ઓગસ્ટ મહિનામાં મહેસાણા આરટીઓ કચેરીથી પોતાનાં ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ કરાવ્યાં હતાં. એપ્લિકેશન કર્યાના 4 મહિના બાદ બંને ભાઇઓને અલગ-અલગ કુરિયર તો મળ્યાં, પરંતુ બંને કુરિયરમાં બંને લાયસન્સ એક જ ભાઇના નીકળ્યા. આ બાબતે આરટીઓમાંથી યોગ્ય જવાબ નહીં મળતાં હાલ તો ભાઇઓ ધક્કે ચડ્યા છે. નવું ડ્રાઇવિંગ લાયસન્સ, લાયસન્સ રિન્યુ કે ડુપ્લીકેટ જેવી સેવાઓમાં કોઇ ફરિયાદ હોય તો અરજદારોને મહેસાણા આરટીઓમાં જવું નહીં.

જશો તો માત્ર એક જ ઉત્તર મળશે કાં તો ટોલ ફ્રી નંબર પર વાત કરો, કાં તો અમદાવાદ સ્થિત વસ્ત્રાલ આરટીઓ જઇ સિલ્વર ટચ કંપનીના સ્ટાફને રૂબરૂ મળો. કેમકે, આવી જ ઘટના જોરણંગ ગામના 2 સગા ભાઇઓ સાથે બની છે. ગત ઓગસ્ટ મહિનામાં જોરણંગના કસ્બા વિસ્તારમાં રહેતા સૈયદ હસનઅલી ઝાફરઅલી અને સૈયદ હુસેનઅલી ઝાફરઅલી નામના બે સગા ભાઇઓએ તેમનાં ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ કરવા એપ્લિકેશન કરી હતી. એપ્લિકેશન કર્યાના 4 મહિના બાદ બંને ભાઇઓના ઘરે પોસ્ટ મારફતે લાયસન્સના કુરિયર મળ્યા. કુરિયર ઉપર બંને ભાઇઓનાં નામ પણ લખેલાં હતાં.

ટોલ ફ્રી નંબર પર સંપર્ક કરવાનું કહી હાથ અધ્ધર કરી લીધા
જોકે, બંને કુરિયરમાં હુસેનઅલી સૈયદના જ ડ્રાઇવિંગ લાયસન્સ નીકળતાં ચોકી ગયા હતા. એટલું જ નહીં હસનઅલીને લાયસન્સ નહીં મળતાં તેઓ સોમવારે મહેસાણા આરટીઓ કચેરી દોડી આવ્યા હતા. જ્યાં છબરડો કરનાર સિલ્વર ટચ કંપનીના સ્ટાફે તેમની ભૂલ સ્વીકારવાના બદલે અમદાવાદ ખાતે આવેલી વસ્ત્રાલ આરટીઓમાં જવા અથવા ટોલ ફ્રી નંબર પર સંપર્ક કરવાનું કહી હાથ અધ્ધર કરી લીધા હતા.

ડ્રાઇવિંગ લાયસન્સનો ક્યુઆર કોડ સ્કેન કરવામાં પણ મુશ્કેલી
અરજદારોના જણાવ્યા અનુસાર, ક્યુઆર કોડવાળાં ડ્રાઇવિંગ લાયસન્સ સ્કેન કર્યા બાદ જે-તે અરજદારના મોબાઇલમાં જ ખુલે છે. જેની પાસે સ્માર્ટફોન ન હોય તે લાયસન્સની ડિજીટલ કોપી મેળવી શકતા નથી. તેમજ લાયસન્સની પીડીએફ ફાઇલમાં લાયસન્સ ક્યારે પૂર્ણ થાય છે તેની કોઇ વિગત દર્શાવાતી નથી. જેને લઇ દંડથી બચવા નાછુટકે ઓરિજીનલ લાયસન્સ સાથે રાખવાની ફરજ પડે છે.

મુશ્કેલીમાં સંપર્ક માટે હેલ્પલાઇન નંબર ચીપકાવી તંત્રના હાથ અધ્ધર
અરજદારોને ડ્રાઇવિંગ લાયસન્સ અને આરસી બુકના પ્રિન્ટિંગ અથવા કુરિયર મળવામાં કોઇ મુશ્કેલી હોય તો આરટીઓમાં આવતાં અરજદારો માટે હેલ્પ લાઇન નંબર ચીપકાવી દેવામાં આવ્યા છે. જેમાં લાયસન્સ સંબંધિત મુશ્કેલી માટે 079 29914473/74 તેમજ આરસી બુક સંબંધિત મુશ્કેલી માટે 079 26304098/99નો સંપર્ક કરવાનો રહેશે તેમ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...