હુકુમ:ગટરના ટેન્ડરમાં ગેરરીતિ, પાલિકાના બે પૂર્વ પ્રમુખ સહિત 7ને તેડું, 23મીએ સુનાવણી

મહેસાણા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • મહેસાણા પાલિકાને આર્થિક નુકસાન મામલે પ્રાદેશિક કમિશ્નર કચેરીએ હાજર રહેવા ફરમાન

મહેસાણા નગરપાલિકામાં બે વર્ષ પહેલાં ભૂગર્ભ ગટરની કામગીરી માટે મંજૂર કરાયેલ ટેન્ડરમાં ગેરરીતિ થયાની રજૂઆત અન્વયે પ્રાદેશિક કમિશ્નર ગાંધીનગર કચેરી દ્વારા કરાયેલી તપાસમાં 135 ટકા ઉંચા ભાવે ખોટી રીતે ટેન્ડર મંજૂર કરાયું હોઇ નગરપાલિકાને આશરે રૂ. 90 લાખનું આર્થિક નુકસાન પહોંચ્યાનું જણાઇ આવતાં તત્કાલિન બે પ્રમુખ, ચીફ ઓફિસર સહિત પ્રતિવિવાદીમાં આવતાં 7 જણાને રજૂઆતની તક માટે સ્વયં કે અધિકૃત પ્રતિનિધિને આગામી તા. 23મીએ ગાંધીનગર કચેરીએ સુનાવણીમાં હાજર રહેવા ફરમાન મોકલાયું છે.

નગરપાલિકામાં વર્ષ 2020માં ભૂગર્ભ ગટર યોજનાના કામે ટેન્ડર મંજૂર કરાયું હતું. આ ટેન્ડરમાં ગેરરીતિ થવા બાબતે તત્કાલિન કોર્પોરેટર નવીન પટેલ દ્વારા 20 ઓગસ્ટ 2020ના રોજ પ્રાદેશિક કમિશ્નર ગાંધીનગરની કચેરીમાં રજૂઆત કરાઇ હતી. જેમાં પ્રાદેશિક કમિશ્નરરાહે તપાસ કરતાં પાલિકા દ્વારા ભૂગર્ભ ગટર યોજના અન્વયે વાર્ષિક ધોરણે સાફ સફાઇ ક્લિનિક તથા પમ્પિંગ સ્ટેશનોની જાળવણી તેમજ 24 કલાક સુપરવાઇઝર સહિતના માણસો મુકી જરૂરી કામગીરી કરવાના કામે ટેન્ડરિંગમાં ચાર એજન્સીઓ હરીઓમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કોઇન સાઇટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મીત કન્સ્ટ્રક્શન અને ઓમ કન્સ્ટ્રક્શનના ભાવ આવ્યા હતા.

જે પૈકી ઓમ કન્સ્ટ્રકશન એજન્સીના ભાવ મંજૂર કરાયા હતા. જે પ્રથમ સિંગલ ટેન્ડર અને 135 ટકા ઉંચા ભાવે ખોટી રીતે મંજૂર કરી નગરપાલિકાને રૂ.90 લાખનું આર્થિક નુકસાન પહોંચાડ્યું હોવાનું તપાસમાં જણાયું છે. ત્યારે આ નુકસાનની વધારે પડતી રકમ જવાબદારો પાસેથી વસુલ કરવા હુકમ કેમ ન કરવો તે અંગે રજૂઆત માટે આ કેસમાં 23મેના રોજ બપોરે 12 વાગે પ્રાદેશિક કચેરીએ સુનાવણી રખાઇ છે. આ સુનાવણીમાં બંને પક્ષકારો કે તેમના અધિકૃત પ્રતિનિધિ મારફતે હાજર રહી રજૂઆત કરવા જણાવાયું છે. જો તેમ કરવામાં ચૂક થશે તો આ બાબતે કંઇ કહેવા માંગતા નથી તેમ માની આગળની એકતરફી કાર્યવાહી હાથ ધરાશે તેમ જણાવાયું છે.

પૂર્વ પ્રમુખ રઇબેન પટેલ, ઘનશ્યામ સોલંકી, તત્કાલિન બે ચીફ ઓફિસર સહિતને હાજર રહેવા પત્ર કરાયો...
ભૂગર્ભ ગટર ટેન્ડર ગેરરીતિ ખટલામાં પ્રતિવિવાદીઓમાં તત્કાલિન પૂર્વ પ્રમુખ રઇબેન પટેલ, તત્કાલિન પ્રમુખ ઘનશ્યામ સોલંકી, તત્કાલિન સદસ્ય જયદિપસિંહ ડાભી, તત્કાલિન સદસ્ય સંજયકુમાર બ્રહ્મભટ્ટ, તત્કાલિન ચીફ ઓફિસર નવનીત પટેલ, તત્કાલિન ઇન્ચાર્જ ચીફ ઓફિસર વિશાલ કે. પટેલ અને ઓમ કન્સ્ટ્રક્શનના સંચાલકને પ્રાદેશિક કમિશ્નર એસ.કે. પ્રજાપતિ દ્વારા સુનાવણીમાં હાજર રહેવા પત્ર કરાયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...