...આવી પણ એક પાઠશાળા !:વાલીઓ પાસે ફી લેવાના બદલે અભ્યાસ પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓને સન્માન પેટે રૂ.6 લાખ સુધી ચૂકવાય છે

મહેસાણા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
અત્યાર સુધીમાં પાઠશાળામાં  2850 વિદ્યાર્થિઓએ અભ્યાસ કર્યો તે પૈકી 220 યુવાને સંયમ જીવન સ્વીકાર્યું.  36 શ્રમણ ભગવંતો આચાર્ય પદ પર બિરાજમાન થયા.  યોગનિષ્ઠ શ્રી બુદ્ધિસાગર  સૂરીસ્વરજી મહારાજા આ પાઠશાળાના પ્રથમ વિદ્યાર્થી હતા. - Divya Bhaskar
અત્યાર સુધીમાં પાઠશાળામાં 2850 વિદ્યાર્થિઓએ અભ્યાસ કર્યો તે પૈકી 220 યુવાને સંયમ જીવન સ્વીકાર્યું. 36 શ્રમણ ભગવંતો આચાર્ય પદ પર બિરાજમાન થયા. યોગનિષ્ઠ શ્રી બુદ્ધિસાગર સૂરીસ્વરજી મહારાજા આ પાઠશાળાના પ્રથમ વિદ્યાર્થી હતા.
  • મહેસાણામાં સ્થપાયેલી દેશની પ્રથમ જૈન સંસ્કૃત પાઠશાળાએ 125 વર્ષ પૂર્ણ કર્યા

પ્રમોદ શાહ
દેશની એક પાઠશાળા એવી પણ છે કે, અહીં વાલીઓ પાસેથી ફી નથી લેવાતી. અહીં 6 વર્ષ સુધીના અભ્યાસકાળમાં વિદ્યાર્થીના અભ્યાસ અને રહેવા-જમવાની તમામ સુવિધા નિ:શુલ્ક છે. આ પાઠશાળા ફી લેવાના બદલે અભ્યાસ પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓને તેમની યોગ્યતા પ્રમાણે સામેથી રૂ.6 લાખ સુધીની સન્માન નિધિ આપી પ્રોત્સાહિત કરે છે. આ સંસ્થા એટલે મહેસાણામાં આવેલી 125 વર્ષ જૂની શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા. તેની સ્થાપના મહેસાણાના ધર્મવીર શ્રી વેણીચંદભાઇ સુરચંદભાઇ દોશીએ વિક્રમ સંવત 1954માં કરી હતી. જે દેશની પ્રથમ જૈન સંસ્કૃત પાઠશાળા છે.

યોગનિષ્ઠ શ્રી બુદ્ધિસાગર સૂરીશ્વરજી મહારાજા આ પાઠશાળાના પ્રથમ વિદ્યાર્થી હતા. અત્યાર સુધી 2850 વિદ્યાર્થી અહીંથી જ્ઞાન મેળવી ચૂક્યા છે. જે પૈકી 220 લોકોએ સર્વ વિરતી સંયમ જીવન સ્વીકાર્યું છે અને દીક્ષા લઇ ચૂકેલા 36 શ્રમણ ભગવંતો આચાર્ય પદ પર બિરાજમાન થયા છે. આ પાઠશાળામાંથી જ્ઞાન મેળવી ચૂકેલા વિદ્યાર્થીઓ આજે ગુજરાત ઉપરાંત તમિલનાડુ, કર્ણાટક, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં સ્થાયી છે.

આ અંગે સંસ્થાના પ્રકાશભાઇ પંડિતજીએ જણાવ્યું કે, દર વર્ષે અહીં 30 વિદ્યાર્થીને પ્રવેશ અપાય છે. વાલીઓ પાસેથી તેમના અભ્યાસ અને રહેવા-જમવાની કોઇ પણ પ્રકારની ફી લેવાતી નથી. અભ્યાસ કરતાં યુવાનોને દર મહિને રૂ. પાંચ હજાર પણ સંસ્થા ચૂકવે છે. આ ઉપરાંત ચાર વર્ષનો અભ્યાસ પૂર્ણ કરનારાને રૂ. એક લાખ અને છ વર્ષનો અભ્યાસ પૂર્ણ કરનારાને રૂ. બે લાખ તેમજ ન્યાય-વ્યાકરણ સહિતનો વિશિષ્ટ અભ્યાસ પૂર્ણ કરનારા વિદ્યાર્થીને રૂ. ત્રણ લાખની સન્માન નિધિ આપી પ્રોત્સાહિત કરાય છે.

પૂર્વ વિદ્યાર્થીઓ જ શિક્ષક તરીકે પાઠશાળામાં સેવા
અહીં વિદ્યાર્થીઓએ નિયમોના પાલન વચ્ચે અભ્યાસ કરવાનો હોય છે. વિશિષ્ટ અભ્યાસ કરી ચૂકેલા પૂર્વ વિદ્યાર્થીઓ જ શિક્ષક તરીકે પાઠશાળામાં સેવા આપે છે. વિદ્યાર્થીઓને જૈન ધર્મનું ભરપૂર જ્ઞાન મળી રહે તે માટે પાઠશાળાના પુસ્તકાલયમાં 12 હજારથી વધુ જૈન પુસ્તકો પણ છે. વિદ્યાર્થીઓને ધાર્મિક અભ્યાસ સાથે અંગ્રેજી, કમ્પ્યુટર અને સંગીતનું પણ જ્ઞાન અપાય છે. આ સાથે વ્યવહારુ અભ્યાસ માટે વિદ્યાર્થીઓ એક્સ તરીકે પણ પરીક્ષા આપી શકે છે.

13 વીઘા જમીનમાં રૂ.13 કરોડના ખર્ચે નવી પાઠશાળા બનાવવાની તૈયારી શરૂ
મહેસાણા-અમદાવાદ હાઇવે પર લીંચ ગામ નજીક 13 વીઘા જમીન પર રૂ.13 કરોડના ખર્ચે એક પાઠશાળા બનશે. 100 વિદ્યાર્થીની ક્ષમતા ધરાવતી આ પાઠશાળા નજીક છાત્રાલય ભવન, હોસ્ટેલ, ધર્મશાળા, સ્ટાફ આવાસ, ભોજનલાય અને સાધુ-સાધ્વીજીઓ માટે ખાસ વ્યવસ્થા ઊભી કરાશે. અહીં દેરાસરની સ્થાપના કરાશે. આ સમગ્ર નવીન પાઠશાળાના નિર્માણનો ખર્ચ કુમારપાળભાઇ શાહ (કલિકુંડ) અને કલ્પેશભાઇ શાહ, પ્રકાશભાઈ વસા, પ્રેમલભાઇ કાપડિયા દ્વારા કરાશે.

મેં મહેસાણા જૈન સંસ્કૃત પાઠશાળામાં છ વર્ષનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. આ અભ્યાસ બાદ મને પંડિતજીની પદવી મળી છે. હવે હું વિવિધ સ્થળે જૈન સાધુ-સાધ્વીજીને સંસ્કૃતનો અભ્યાસ કરાવું છું. હાલ સુરતમાં મહાત્માઓને અભ્યાસ કરાવું છું. આજીવિકા માટે મહિને રૂ.40-45 હજારની આવક પૂરતી છે. હું આ સંસ્થાનો ઋણી છું અને હવે ઋણ ચૂકવી રહ્યો છું. - પીયૂષભાઇ ત્રિવેદી, પૂર્વ વિદ્યાર્થી, પાઠશાળા.

અન્ય સમાચારો પણ છે...