તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:પ્રતિક ઉપવાસના બદલે કોંગ્રેસી હોદ્દેદારોએ કલેક્ટરને રજૂઆત કરીને સંતોષ માની લીધો

મહેસાણા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા નગરપાલિકાના વહિવટની તપાસ કરવા અંગે કલેક્ટરને રજૂઆત કરાઈ

મહેસાણા નગરપાલિકામાં કચરાના ટેન્ડરમાં કથિત ગેરરીતિ, ફાયર વિભાગના કથિત ભ્રષ્ટાચાર અને સીટી બસના ટેન્ડરમાં કથિત ગેરરીતિ મામલે કોંગ્રેસના હોદ્દેદારોએ કલેક્ટરને તપાસ કરવા રજૂઆત કરી હતી. પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ આપીને હોદ્દેદારો કલેક્ટરને રજૂઆત કર્યાનો સંતોષ માનીને રવાના થઈ ગયા હતા. જ્યારે કોંગ્રેસના ઉપવાસને લઈને એ ડીવીઝન પોલીસે જિલ્લા સેવા સદન કેમ્પસમાં સવારથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

મહેસાણા શહેર કોંગ્રેસ પ્રમુખ પી.કે.પટેલ, મહિલા પ્રમુખ ડો.મેઘા પટેલ, પાલિકા વિપક્ષના નેતા કમલેશ સુતરીયા, કોર્પોરેટરો હાર્દિક સુતરીયા,અમિત પટેલ,પૂર્વ શહેર પ્રમુખ ભૌતિક ભટ્ટ,અનિલ ઠાકોર સહિતના હોદ્દેદારો મહેસાણા પાલિકાના વિવિધ પ્રશ્ને પ્રતિક ઉપવાસ ઉપર બેસવા અને કલેક્ટરને રજૂઆત કરવા કચેરી ખૂલે તે પહેલાં પહોંચી ગયા હતા.કલેક્ટર કચેરીની લોબીમાં સરકાર તેમજ પાલિકા વિરોધી સૂત્રોચ્ચાર કરતાં પોલીસ પહોંચી ગઈ હતી.

પોલીસે અધિક કલેક્ટરને રજૂઆત કરવા કહેતાં કોંગ્રેસના હોદ્દેદારોએ કલેક્ટરને રજૂઆત કરવાનો આગ્રહ રાખીને વેઈટીંગ રૂમમાં બેસી ગયા હતા.ત્યારબાદ કોંગ્રેસના હોદ્દેદારોએ મહેસાણા પાલિકાના કચરાના ટેન્ડરમાં નાણાનો દુરૂપયોગ થયો હોવાની,ફાયર વિભાગમાં બે કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા બાદ ફરિયાદ કરવાના બદલે સમગ્ર પ્રકરણને દાબી દેવાયુ હોવાની અને સીટી બસનું ટેન્ડર મેળવનાર એજન્સીને બ્લેક લિસ્ટ કરી હોવાનો આક્ષેપ કરીને તેની યોગ્ય તપાસ કરવાની કલેક્ટરને રજૂઆત કરી હતી. કલેક્ટર ઉદિત અગ્રવાલે કોંગ્રેસના હોદ્દેદારોને યોગ્ય પુરાવા સાથે રજૂઆત કરાશે તો તપાસ કરવાની ખાતરી આપી હતી. તેથી કોંગ્રેસના હોદ્દેદારો ઉપવાસ ઉપર બેસવાના બદલે રજૂઆત કરીને રવાના થઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...