મહેસાણાના જોટાણા તાલુકામાં આવેલા વિરસોડા ગામે લગ્નમાં આવેલા મહેમાન અને ગામના કેટલાક લોકો વચ્ચે માથાકૂટ થઈ હતી. જેમાં બે પક્ષ વચ્ચે ઘર્ષણ થયા બાદ મારામારી થઈ હતી. બંને પક્ષના કેટલાક લોકોને ઈજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. એકબીજા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ત્યારે પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.
મહેમાનોને અપશબ્દો બોલતા મારામારી થઈ
જોટાણાના વિરસોડા ગામે જયદીપ ઠાકોરે સાંથલ પોલીસમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું કે, કુટુંબમાં લગ્ન હોવાથી મહેમાનો ગામમાં આવ્યા હતા. મહેમાનોમાંથી એક વ્યક્તિ નજીકની દુકાને પાણી લેવા ગયો હતો. ત્યાં દુકાન પર રહેલા મયુરસિંહ ઝાલાએ 'પાણી નથી તારે પીવું હોય તો પી' એમ કહેતા ગાળાગાળી કરી હતી. બાદમાં મામલો વધારે બગડ્યો હતો. જેથી અન્ય લોકો દ્વારા દુકાન પહોંચી દુકાન ચાલકને ઠપકો આપવામાં આવ્યો હતો. ત્યારે બીજા પક્ષ તરફથી દુકાનદારનો પક્ષ લઈ કરણસિંહ ઝાલા તેમજ અરવિંદસિંહ ઝાલા ફરિયાદીને અપશબ્દો બોલી માથાકૂટ કરવા લાગ્યા હતા. જેમાં સંજયસિંહ ઝાલાએ ગાડીથી વિજય નામના શખ્સને ઠોકર મારી હતી. તેણે પોતાના હાથમાં રહેલી છરી વિજયને હાથે મારી હતી. જેમાં ફરિયાદીને પણ ઈજાઓ થઈ હતી. સમગ્ર મામલે હુમલો કરનાર અખેરાજસિંહ, મયુરસિંહ ઝાલા, કરણસિંહ ઝાલા, અરવિંદસિંહ ઝાલા, સંજયસિંહ ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
છરીઓના ઘા મારવામાં આવ્યા, ગાડીના કાચ તૂટ્યા
સમગ્ર મારામારી દરમિયાન અખેરાજસિંહ ઝાલાએ ફરિયાદ નોંધાવી જણાવ્યું કે, અમે ઈંટોના ભઠ્ઠા પર હતા જ્યાં ગામમાંથી કોઈએ ફોન કરી જાણ કરી કે તમારા દીકરાને ગામમાં લગ્નમાં આવેલા મહેમાન સાથે માથાકૂટ થઈ છે. જેથી ફરિયાદી પોતાના ગામમાં દોડી આવ્યા જ્યાં જયદીપ ઠાકોર અને લીલાજી ઠાકોરે ફરિયાદીને ગાળો બોલી હતી. જેમાં હુમલા દરમિયાન સામે પક્ષે ફરિયાદીના દીકરા મયુરસિંહને હાથે છરીઓ મારી હતી. જયદીપ ઠાકોરે ફરિયાદીના ભત્રીજાને હાથે છરી મારી હતી. તેમજ કરણસિંહને માથામાં ઇજાઓ થઈ છે. ઝઘડામાં ફરિયાદીના ભાઈ સંજય સિંહની ગાડીના કાચ પર ધોકા મારી ગાડીને નુકસાન કરવામાં આવ્યું હતું. આમ ફરિયાદીએ સામે પક્ષે હુમલો કરનાર જયદીપ ઠાકોર, લીલાજી ઠાકોર, વિજય ઠાકોર,વિષ્ણુ ઠાકોર વિરુદ્ધ સાંથલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.