મહેસાણા જિલ્લાના વિજાપુરમાં આજે કંપારી છોડાવી દેનારી ઘટના બની હતી. સરદાર પટેલના બાવલા પાસે એક્ટિવા સવાર પર ટ્રક ફરી વળતા શરીરના બે ટુકડા થયા હતા. અકસ્માત સમયે રસ્તા પર હાજર અન્ય વાહનચાલકો અને લોકો પણ દ્રશ્યો જોઈ વિચલિત થઈ ઉઠ્યા હતા. અકસ્માત સર્જી ફરાર થયેલા ટ્રકચાલક સામે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહીતી મુજબ પુંધરા ગામે રહેતા સવાઈ લાલ રતન લાલ ચાંડક મુળ મહેશ્વરી સમાજના મહારાજ બાબજીના ઉપનામથી ઓળખાતા સવાઈ લાલ કોઈ કામસર હાઇવે પોતાના એક્ટિવા લઈને બપોરે નીકળ્યા હતા. તે સમયે મામલતદાર કચેરીની સામે આવેલ સરદાર પટેલના બાવલા પાસે અજાણ્યા ટ્રકના ચાલકે ટક્કર મારતા એક્ટિવા સાથે ઘસડાઈ જતા શરીરના બે ટુકડા થઈ જતા સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું. કમકમાટી ભર્યા અકસ્માતને લઈને લોકો સ્થળ ઉપર દોડી આવ્યા હતા. પોલીસે સ્થળ ઉપર પંચનામું કરી મૃતકના દેહને સિવિલમાં પીએમ માટે મોકલી અકસ્માત કરી જનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
સમગ્ર મામલે અશોક મહેશ્વરીએ જણાવ્યું કે, મૃતક સવાઇ લાલ પોતાની સાસરી પુંધરા ગામે પોતાના પત્ની અને દીકરાઓ સાથે રહેતા હતા. પુંધરા ગામે મકાન ખાલી કર્યું હોવાથી વિજાપુરમાં ભાડે રહેવા માટે મૃતક મકાન જોવા ગયા હતા. એ દરમિયાન અકસ્માત નડતા મોત નિપજ્યું હતું. મૃતકના પરિવારમાં બે દીકરા અને બે દીકરીઓ હોવાનું જાણવા મળ્યું છે. જેમાં મોટા દીકરાના લગ્ન કરવમાં આવ્યા છે. મૃતક મૂળ બાડમેરના રહેવાસી છે. તેઓ છેલ્લા પાંચ વર્ષથી પોતાની સાસરીમાં રહેતા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.