સામાન્ય બાબતે દુકાન સળગાવી:વિજાપુરમાં સામાન્ય બાબતે પાન-મસાલાના ગલ્લાને એક ઇસમે આગ ચાંપી, બેસતા વર્ષના દિવસે ફોન કરવા મામલે થઈ હતી માથાકૂટ

મહેસાણા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દુકાનદારે ફોન આપવાની ના પાડતા ઇસમે મોડી રાતે દુકાનને આગી ચાંપી
  • સમાધાનના આધારે ચાલી રહ્યો હતો મામલો, વળતર ના મળતા સાત દિવસે નોંધાવી ફરિયાદ

મહેસાણા જિલ્લાના વિજાપુર ખાતે દિવાળી અને બેસતા વર્ષના તહેવારો દરમિયાન નજીવી બાબતે એક પાન પાર્લરમાં આગ ચાંપી હોવાની ફરિયાદ સાત દિવસ બાદ નોંધાઈ હતી. જેમાં એક ઇસમે બેસતા વર્ષના દિવસે કોઈકને ફોન કરવા દુકાનદાર પાસે ફોન માંગ્યો હતો, બાદમાં દુકાનદારે ફોન આપવાની ના પાડતા ઇસમે મોડી રાતે દુકાનને આગી ચાંપી હતી.

મહેસાણા જિલ્લાના વિજાપુરમાં બેસતા વર્ષના દિવસે રેલવે સ્ટેશનના કમ્પાઉન્ડની બહાર આવેલા આરાધના પાન પાર્લર પર રાત્રે નવ વાગ્યે ઠાકોર અનિલ તેમજ પીકે જલાભાઈ વાઘરી નામના બે ઇસમો આવ્યા હતા અને ફરિયાદી પાસે ફોન કરવા ફોન માંગ્યો હતો. જોકે ફરિયાદીએ ફોન ના આપતા આરોપી અનિલ અને દુકાનદાર વચ્ચે બોલાચાલી થઈ હતી.

બોલાચાલીમાં દુકાનદારે આરોપી અનિલને લાફા ઝીંકી દીધા હતા. બાદમાં આરોપી અનિલે ફરિયાદીને ધમકી આપી હતી કે તારો ગલ્લો સળગાવી દઈશ. બાદમાં ફરિયાદી પોતાની દુકાન બંધ કરી ઘરે ગયા હતા, ત્યારે મોડી રાત્રે કોઈક ગલ્લામાં આગ ચાંપી ફરાર થયું હતું. બાદમાં ફરિયાદીને જાણ થતાં તેણે મોડી રાત્રે ઘટના સ્થળે દોડી આવી દુકાનમાં લાગેલી આગ બુઝાવી હતી. આ આગની ઘટનામાં ફરિયાદીને રૂા. 25 હજાર જેટલું નુકશાન પહોંચ્યું હતું. જોકે જે-તે સમયે ફરિયાદી અને આરોપી વચ્ચે સમાધાનની વાત ચાલતાં ફરિયાદીએ સમગ્ર મામલે પોલીસને જાણ નહોતી કરી. બાદમાં સમાધાન ન થતાં સાત દિવસ બાદ ફરિયાદીએ વિજાપુર પોલીસ મથકમાં ઠાકોર અનીલ ઉર્ફે અન્નો છનાજી સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...