તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાકાળમાં ટ્રાવેલ્સ બિઝનેશનાં પૈડાં થંભ્યાં:છેલ્લા 1 વર્ષમાં 1600 વાહનો નોનયૂઝ અને 500 વાહનો ટેક્સીમાંથી પ્રાઇવેટમાં ફેરવાયાં

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના લોકડાઉન અને આંશિક છુટછાટમાં મહેસાણામાં સાૈથી કફોડી હાલત વાહનો પર નભતાં પરિવારો અને વ્યવસાયકારોની થઇ
  • વાહનોમાં સીટ પ્રમાણે મુસાફરો ભરવાની છુટ ના અપાતાં આવક-જાવકનાં આંકડા ના મળ્યા

છેલ્લા એક વર્ષના કોરોનાકાળમાં લદાયેલા લોકડાઉન અને આંશિક લોકડાઉનના કારણે સાૈથી કફોડી હાલત વાહનો પર નભતાં પરિવારો અને વ્યવસાયકારોની થઇ છે. છેલ્લા એક વર્ષમાં વચ્ચે વચ્ચે થોડી છુટછાટ સાથે વાહનો ફેરવવાની છુટ તો મળી હતી, પરંતુ સીટ પ્રમાણે મુસાફરો ભરવાની છુટ ન મળતાં વાહન માલિકોનું આવક અને જાવકનું સરવૈયું ખોરવાયું હતું. મહેસાણા આરટીઓમાંથી મળેલી વિગતો જોઇએ તો, છેલ્લા એક વર્ષમાં ટેક્સી પાર્સિંગ ધરાવતાં 500 વાહનો પ્રાઇવેટ પાર્સિંગ કરાવી ચૂક્યાં છે. જ્યારે રોડ પર વાહનો દોડતાં બંધ થતાં ટેક્સથી રાહત મેળવવા 1600 વાહનો નોનયૂઝમાં દર્શાવ્યા છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળમાં 2 વાહનોને એમ્બ્યુલન્સમાં તબદીલ કરાયાં છે.

લોનના હપ્તા ભરવા મુશ્કેલ થતાં ગાડી વેચી નોકરી શરૂ કરી
3 વર્ષ પહેલાં ટેક્સી પાર્સિંગ ઇકો ગાડી છોડાવી હતી. વર્ધી દ્વારા ઉભી થતી આવકથી પરિવારનું ભરણપોષણ સાથે મહિને 7 હજારની લોનનો હપ્તો પણ ચુકવાતો હતો. કોરોનાના કારણે ધંધો પડી ભાગ્યો. જે ગાડીથી ઘર ચાલતું હતું, તેના લોનના હપ્તા ભરવા પણ મુશ્કેલ બન્યા. એટલે ગાડી વેચી ડ્રાઇવર તરીકે નોકરી કરી રહ્યો છું.> ભાવેશભાઇ પ્રજાપતિ, ગાડીમાલિક

ટેક્સી કાર કોઇ ખરીદતું ન હતું એટલે પ્રાઇવેટ પાર્સિંગ કરાવ્યું
2 વર્ષ પહેલાં ખેતી સાથે આવકના બીજા સ્ત્રોત સાથે પરિવાર માટે કાર ખરીદી હતી. નજીકની કોઇ વર્ધી મળે એમાંથી લોન ભરાતી હતી. કોરોનામાં કારનો ઉપયોગ ઘટી જતાં કાર વેચવાનો નિર્ણય કર્યો, પરંતુ ટેક્સી પાર્સિંગવાળી કાર ખરીદવા કોઇ તૈયાર ન હતું એટલે પ્રાઇવેટ પાર્સિંગ કરાવ્યું. છતાં કારની યોગ્ય કિંમત નથી મળતી. > ભરત ઠાકોર

ટ્રાવેલ્સનો ધંધો બંધ થતાં ખેતીવાડી એકમાત્ર આવકનું સાધન રહ્યું છે
છેલ્લા એક વર્ષથી મારાં 3 વાહનો નોનયૂઝમાં મુક્યાં છે. આ કપરી સ્થિતિમાં ચાલક અને ક્લિનરની નોકરી છીનવી લેવી એ યોગ્ય ન હોઇ છેલ્લા એક વર્ષથી તેમને અડધા પગાર પેટે રૂ. 78 હજાર જેટલી રકમ ચૂકવી છે. ટ્રાવેલ્સનો ધંધો બંધ થતાં ખેતીવાડી એકમાત્ર આવકનું સાધન રહ્યું છે. > હસમુખભાઇ પટેલ, પ્રમુખ ઉત્તર ગુજરાત ટૂર એન્ડ ટ્રાવેલ્સ એસોસીએશન

આ સ્થિતિમાં હવે નવો વ્યવસાય શરૂ કરવા વિચારી શકાય તેમ નથી
કોરોના અને લોકડાઉનથી ધંધો ઠપ થઇ ગયો હતો. આ સ્થિતિમાં કર્મચારીઓનો પગાર કાઢવો મુશ્કેલ બન્યો હતો. કંટાળીને નાના-મોટા 4 વાહનો ભંગારના ભાવે વેચી મારી ટ્રાવેલ્સ એજન્સી બંધ કરી છે. હજુ પણ આ સ્થિતિમાં નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી શકાય તેમ નથી. સ્થિતિ સામાન્ય થયે નવા વ્યવસાયની શરૂઆત કરીશ. > મનોજભાઇ ઓઝા, ભગવતી ટ્રાવેલ્સ

અન્ય સમાચારો પણ છે...