તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:કોંગ્રેસની કારોબારીમાં કાર્યકરોનો બળાપો લોકો મત આપવા તૈયાર,લેતાં નથી આવડતું

મહેસાણા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણામાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના આગમન પૂર્વે કારોબારી બેઠક બળાપાસભામાં ફેરવાઈ
  • કાર્યકરોને બોલવા દો, બળાપો જ્યાં સુધી બહાર નહીં આવે ત્યાં સુધી પરિણામ નહીં મળે

મહેસાણા જિલ્લા કોંગ્રેસની શુક્રવારે મળેલી કારોબારી બેઠક બળાપા સભામાં ફેરવાઈ હતી. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા આવે તે અગાઉ કાર્યકરોને માર્ગદર્શન કરવા આવેલા નેતાઓએ પક્ષની કામગીરી અંગે રીતસર બળાપો કાઢતાં કહ્યું કે, લોકો કોંગ્રેસને મત આપવા તો તૈયાર છે, પણ આપણને લેતાં નથી આવડતું.

એકસમયે કાર્યકારી જિલ્લા પ્રમુખ માનસિંહ ઠાકોરે 2022ની વિધાનસભા ચૂંટણીમાં લોકોનો પ્રેમ કેવી રીતે જીતી શકાય તેવા મુદ્દા ઉપર ચર્ચા કરવા તેમજ બેઠકનાં એજન્ડા બહારની ચર્ચા નહીં કરવા અપીલ કરવી પડી હતી.ઊંઝા તાલુકાના કાર્યકર નરેન્દ્રભાઈ કાનજીભાઈ પટેલે ઊંઝા તાલુકામાં કોંગ્રેસનું સંગઠન ઝીરો થઈ ગયું હોવાનો ધડાકો કરીને બળાપો કાઢવાનું શરૂ કર્યુ હતું. તેમણે કેન્દ્રથી લઈને તાલુકા કક્ષા સુધીનું સંગઠન સાવ નબળું પડી ગયું હોવાનું અને 2022ની ચૂંટણીમાં જીતવાનુ વિઝન લઈને નીકળેલા પક્ષ પાસે આર્થિક પાસુ પણ નબળું પડી ગયાનું જણાવ્યું હતું.

તો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાબતે સાગર રાયકાએ વિવાદાસ્પદ નિવેદન કરતાં કહ્યું કે, જિલ્લા પંચાયતમાં હાર્યા છે તે સારું છે. ધાર્મિક સ્થાનોને પણ ભ્રષ્ટાચાર કરવામાં છોડ્યા નથી તેવું ગંભીર નિવેદન કરી તેમણે જિલ્લા પંચાયતના પૂર્વ હોદ્દેદારો તરફ આડકતરો ઈશારો કર્યો હતો. તેમણે 2017ની વિધાનસભા ચૂંટણીમાં હાર પછી પક્ષ દ્વારા સમીક્ષા કરાઈ નથી, કાર્યકરોને બોલવા દો અને તેમનો બળાપો જ્યાં સુધી બહાર નહીં આવે ત્યાં સુધી પરિણામ નહીં મળે તેમ કહ્યું હતું. લોકસભામાં એકપણ સાંસદ નહીં ચૂંટાતાં 45 વર્ષમાં કોંગ્રેસ પક્ષની ખરાબમાં ખરાબ હાર થઈ હોવાનું પણ કબૂલ્યું હતું.

સાચા કાર્યકરોને મેન્ડેટ ના મળે અને બારોબાર વેચાઈ જાય ત્યારે કાર્યકર શું કરે?
પૂર્વ મંત્રી કિરીટ પટેલે પક્ષના સાચા કાર્યકરોને મેન્ડેટ મળે નહીં અને બારોબાર વેચાઈ જાય ત્યારે કાર્યકર શું કરે? તેવો સવાલ ઉઠાવી લોકો કોંગ્રેસને મત આપવા તૈયાર છે પણ આપણને મત લેતા નથી આવડતાં તેવું નિવેદન કર્યું હતું. કાર્યકરો મજબૂતાઈથી લડે છે પણ આપણે નેતાઓ રક્ષણ નહીં આપતાં તેઓ નિરાશ થઈ જાય છે.

સત્તા મેળવવા ભૂતકાળની ભૂલો પરથી બોધપાઠ લો
પૂર્વ સાંસદ અલકાબેન ક્ષત્રિયએ કહ્યું કે, કારોબારીની બેઠકમાં સંગઠનને મજબૂત કરવાની ચર્ચા થવી જોઈએ. 2022ની વિધાનસભા ચૂંટણી જીતી શકીએ તે માટે કાર્યશૈલીમાં બદલાવ કરવા અને ભૂતકાળની ભૂલોમાંથી બોધપાઠ નહીં લઈએ તો વર્ષો સુધી સત્તા ઉપર નહીં આવીએ તેવી ટકોર કરી હતી.

મહેસાણાના હોદ્દેદારો લોકસભાની ચૂંટણીમાં ફૂટી ગયા હતા
ગત લોકસભાના ઉમેદવાર એ.જે. પટેલે ચૂંટણીમાં થયેલા અનુભવ અંગે જાહેરમાં બળાપો કાઢ્યો હતો. તેમણે વિસનગર, માણસા તાલુકાના હોદ્દેદારોની સરાહના કરી મહેસાણા શહેર તાલુકાના હોદ્દેદારો ચૂંટણીમાં ફૂટી ગયા હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. મહેસાણા શહેરના કેટલાક હોદ્દેદારો ચૂંટણીના 3 દિવસ અગાઉ બેંગકોકના પ્રવાસે ઉપડી ગયા હોઇ મતદારોએ તેમને ચાલુ વર્ષની ચૂંટણીમાં સજા આપી હોવાનું કહ્યું હતું.

વંદનાબેન પટેલની જીભ લપસી
મહિલા નેતા વંદનાબેન પટેલે જિલ્લા પંચાયતમાં ઘર ફૂટે ઘર જાય તેવો દાખલો આપીને કોંગ્રેસના કાર્યકરો નક્કી કરે તો ભાજપના નેતાઓને ઘરભેગા કરી શકે તેના બદલે કોંગ્રેસના નેતાઓને ઘરભેગા કરી શકે તેમ બોલતાં સાગર રાયકાએ ભૂલ અંગે ધ્યાન દોરતાં વંદનાબેન પોતાની ભૂલ સુધારી લીધી હતી.

મહેસાણા શહેરના એક જૂથે ગેરહાજર રહી સંગઠન અંગે નારાજગી વ્યક્ત કરી
મહેસાણા નગરપાલિકાની ચૂંટણી દરમિયાન પૂર્વ પાલિકા પ્રમુખ ઘનશ્યામ સોલંકી, જયદિપ ડાભી સહિતના કોર્પોરેટરોને ટિકિટ નહીં મળતાં પક્ષથી નારાજ છે. તેથી તેમણે કારોબારી બેઠકમાં આવવાનું ટાળી 10-12 આગેવાનો સાથે સરકીટ હાઉસમાં પહોંચી સાગર રાયકા તેમજ નરેશ રાવલને રજૂઆત કરી હતી. જેમાં તેમણે શહેરના સંગઠન વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...