નુકસાન:2017ની ચૂંટણીમાં રાજ્યમાં બનેલા 55 બનાવોમાં 96ને ઇજા અને રૂ.1.36 લાખનું મિલકત નુકસાન થયું હતું

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાયસન્સ વિનાના 115 હથિયારો સાથે 172 કારતૂસ પકડાયા હતા
  • રાજ્યમાં એક માત્ર બોગસ ​​​​​​​વોટિંગનો કેસ સાબરકાંઠામાં નોંધાયો હતો

2017ની ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યના 50264 મતદાન મથકો પૈકી 15121 મથકો સંવેદનશીલ રહ્યા હતા. ચૂંટણી દરમિયાન 33 પૈકી 22 જિલ્લામાં 55 અઘટીત ઘટનાઓ બની હતી. જેમાં 96 લોકોને ઇજા પહોંચવાની સાથે રૂ.1,36,701ના મૂલ્યનું મિલકત નુકસાન થયું હતું.

ગત વિધાનસભા ચૂંટણીમાં બોગસ વોટિંગનો એક માત્ર કેસ સાબરકાંઠામાં નોંધાયો હતો. ચૂંટણી દરમિયાન રાજ્યના પોલીસ વિભાગ દ્વારા લાયસન્સ વિનાના 115 હથિયારો, 172 કારતુસ તેમજ 100 ગ્રામ એક્સપ્લોઝીવ જપ્ત કરાયું હતું. બીજી બાજુ રાજ્યભરમાંથી લાયસન્સ વાળા 51360 હથિયારો જમા લેવાયા હતા. જ્યારે 105 હથિયારો જપ્ત કરવાની સાથે 510 લાયસન્સ પરવાના રદ્દ કરાયા હતા. ચૂંટણી દરમિયાન રાજ્યભરમાં એટ્રોસિટીની 176 ફરિયાદો નોંધાઇ હતી. બીજી બાજુ રાજ્યભરમાંથી 1,94,808 સામે અટકાયતી પગલાં લેવાયા હતા.

11 જિલ્લામાં એક પણ અઘટીત ઘટના ન ઘટી
ગત ચૂ઼ંટણીમાં 33 પૈકી 22 જિલ્લામાં હત્યાના પ્રયાસની 5, ધાડ અને લૂંટના 6-6, રાયોટીંગના 25 અને હર્ટના 11 બનાવ સહિત અન્ય સામાન્ય 95 બનાવ બન્યા હતા. જ્યારે અરવલ્લી, ભાવનગર, બોટાદ, ડાંગ, દેવભૂમી દ્વારકા, ગાંધીનગર, કચ્છ, જામનગર, મોરબી, નવસારી અને તાપી જિલ્લામાં શાંતિ જળવાઇ રહી હતી.

3776 પરિવારોમાંથી 1134 વ્યક્તિઓની અટકાયત કરાઇ હતી
રાજ્યના પોલીસ વિભાગ દ્વારા ચૂંટણી દરમિયાન અશાંતિ ઉભી કરે તેવા 3776 પરિવારોની નોંધ કરાઇ હતી. તે પૈકી 1134 વ્યક્તિઓની અટકાયત કરાઇ હતી. સીઆરપીસીની 107 સાથે 151 કલમ હેઠળ 155 વ્યક્તિઓ, કલમ 107 સાથે 116 (3) હેઠળ 69 વ્યક્તિઓ, કલમ 109 અને 110 હેઠળ 663 વ્યક્તિઓ તેમજ અન્ય 47 વ્યક્તિઓની અટકાયત કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...