કાર્યવાહી:સતલાસણામાં 3 શખ્સોએ વેપારીને છરો બતાવી 1.13 લાખની મત્તા લૂંટી

મહેસાણા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જ્વેલર્સ દુકાન બંધ કરી ચાંદીના દાગીના, રોકડ અને દસ્તાવેજો લઇ ઘરે જતા

સતલાસણાના જ્વેલર્સ ગઇ કાલ સાંજે દુકાન વધાવી ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે બાઇક પર આવેલા 3 શખ્સો પૈકી એક શખ્સે છરો બતાવી રૂ.1.13 લાખ મત્તાની લૂંટ ચલાવી હતી. આ મામલે સતલાસણા પોલીસે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સતલાસણાની શ્રીનાથ રેસીડન્સીમાં રહેતાં કેશવલાલ નારાયણદાસ સોની શુક્રવાર સાંજે દુકાન વધાવી ઘરે પરત ફરી રહ્યા હતા. જ્યારે વેપારી સવા સાતેક વાગ્યાની આસપાસ તેમની સોસાયટીમાં પ્રવેશ્યા ત્યારે બાઇક પર આવેલા 3 શખ્સો પૈકી એક શખ્સે તેમના ખભે ભરાવેલો થેલો ઝુંટવાનો પ્રયાસ કર્યો હતો.

વેપારી અને શખ્સ વચ્ચે ઝપાઝપી દરમિયાન શખ્સે છરો કાઢી પેટ પર મુકતાં વેપારીએ ડરના મારે ત્રણેય થેલા શખ્સને આપી દીધા હતા. લૂંટને અંજામ આપ્યા બાદ ત્રણેય શખ્સો ત્યાંથી બાઇક પર ભાગી છુટ્યા હતા. રૂ.1.11 લાખના ચાંદીના દાગીના તેમજ રૂ.2500 ની રોકડ સહિત કુલ રૂ.113500 ના મુદ્દામાલની લૂંટ મામલે વેપારીએ સતલાસણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

દાગીના-રોકડની લૂંટ થઇ
ચાંદીની પાયલ 700 ગ્રામ(10 નંગ) રૂ.49 હજાર,ચાંદીની હાંસડી અને ચુડીઓ 250 ગ્રામ રૂ.17 હજાર
ચાંદીની શેરો 250 ગ્રામ (8 નંગ) રૂ.20 હજાર, ચાંદીનો ભંગાર 500 ગ્રામ રૂ.25 હજાર, રોકડ રૂ.2500

અન્ય સમાચારો પણ છે...