ઉત્તર ગુજરાતમાં એપ્રિલ મહિનામાં ગરમી અને ઉકળાટે રીતસરનો પ્રકોપ વરસાવ્યો છે. એમાં પણ છેલ્લા 10 દિવસથી ગરમી અને ઉકળાટ ચરમસીમાએ પહોંચ્યા છે. જો કે, રાહતની વાત એ છે કે, આગામી 4 દિવસમાં ગરમી ધીમે ધીમે ઘટી જશે.
ઉત્તર ગુજરાતમાં શનિવારે પવનની દિશા પલટાઇને દક્ષિણ-પશ્ચિમની થઇ હતી. પ્રતિ કલાકે સરેરાશ 7 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે સવારના સમયે હવામાં ભેજનું પ્રમાણ 60 ટકાને પાર અને બપોરના સમયે 25 ટકાની આસપાસ પહોંચ્યું હતું.
પવનની દિશા પલટાતાં ગરમી દોઢ ડિગ્રી સુધી ઘટતાં મુખ્ય 5 શહેરોમાં ગરમીનો પારો 41.1 થી 42 ડિગ્રીની વચ્ચે રહ્યો હતો. તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થવા છતાં રાહત મળી ન હતી. કારણ કે હવામાં ભેજનું પ્રમાણ વધતાં ઉકળાટનો કહેર વધ્યો હતો. પરસેવે રેબઝેબ અને માથુ ફાડતાં અસહ્ય ઉકળાટનો કહેર દિવસભર વર્તાયો હતો.
સમી સાંજ બાદ ગરમ પવનનો મારો યથાવત રહ્યો હતો. રાત્રીનું તાપમાન પણ 27 થી 28 ડિગ્રીની વચ્ચે રહેતાં રાત્રી દરમિયાન ઠંડકનું જોર ઘટ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 4 દિવસ દરમિયાન ગરમી ધીમે ધીમે 2 થી 3 ડિગ્રી ઘટવાની શક્યતા છે. તાપમાન 40 ડિગ્રીથી નીચે આવતાં ગરમીથી રાહત મળશે.
શનિવારે પાલનપુર દિવ્યભાસ્કરની ટીમે પાલનપુર શહેરના જુદા જુદા સ્થળોએ બપોરે 3 વાગે ટેમ્પરેચર માપી કઈ જગ્યાએ કેટલી ગરમી જોવા મળે છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં સૌથી વધુ ગરમી પાલનપુરના રેલવે ટ્રેક પર 41.7 ડિગ્રી જેટલી જોવા મળી હતી.રેલ્વે સ્ટેશન સ્ટેશન પર લોખંડના પાટા વધુ પડતા ગરમ રહેતા હોવાથી અહીં વધુ ગરમી અનુભવાઇ હતી.
જ્યારે ગઠામણગેટ થી પોલીસ હેડક્વાર્ટર સુધીના માર્ગ પર પણ 41.3 ડિગ્રી તાપમાન જોવા મળ્યું હતું. અહીં આજુબાજુ ઝાડ હોવાથી અડધો ડીગ્રી તાપમાન ઓછું જોવા મળ્યું હતું. જ્યારે સૌથી ઓછુ તાપમાન શહેરના શોપિંગ કોમ્પ્લેક્ષ ના જોવા મળ્યું હતું અહીં ત્રણ ડિગ્રી થી ઓછું 39.1 ડિગ્રી તાપમાન જોવા મળ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.