મહેસાણા જિલ્લામાં સ્મોલ, મિડિયમ, માઇક્રો સાહસોની ગતિ કોવિડ પછી ધીમી પડી હોવાનું બેકિંગ લોન ધિરાણમાં એમએસએમઇ સેક્ટરમાં ઘટતા એકાઉન્ટ ચાડી ખાય છે. વર્ષ 2021 સપ્ટેમ્બરની સ્થિતિએ જિલ્લાની બેંકોમાં એમએસએમઇનાં 30,499 એકાઉન્ટ હતાં અને તેમને રૂ.2699.41 કરોડનું લોન ધિરાણ થયું હતું. જ્યારે 2022 સપ્ટેમ્બરની સ્થિતિએ એમએસએમઇ એકાઉન્ટ 3189 ઘટી 27,310 થયા છે. જોકે, તેમાં લોન ધિરાણ રૂ.1002.99 કરોડ વધીને એક વર્ષમાં રૂ.3702.4 કરોડની સપાટીએ પહોંચ્યું છે.
એટલે કે, કોરોના પછી નાનાં નવા ઉદ્યોગો શરૂ થવાની ગતિ ધીમી પડી છે. આ સેક્ટરમાં હજુ સુધારાની આશા સેવાઇ રહી હોવાનું ઉદ્યોગ બેકિંગ સૂત્રો જણાવી રહ્યા છે. જ્યારે પ્રાયોરિટી સેક્ટરમાં સૌથી વધુ બેન્કિંગ ખાતાં અને લોનનો રેશિયો ખાસ્સો ઉંચકાયો છે. કૃષિ લોનધારકો એક વર્ષમાં 24,744 વધીને 2,76,531 થયા છે અને કૃષિ લોન પણ રૂ.1121.13 કરોડ વધીને રૂ.5944.16 કરોડ અપાઇ છે.
જિલ્લામાં વિવિધ બેંકોની 385 બ્રાન્ચ મારફતે ઘરના ઘર માટે હાઉસિંગ લોન ખાતામાં પણ એક વર્ષમાં ઘટાડો આવ્યો છે. હાઉસિંગમાં ધિરાણ પણ ઘટ્યું છે. પ્રાયોરિટી સેક્ટરમાં ઘર માટે રૂ.25 લાખ સુધી મળતી લોનમાં સપ્ટેમ્બર 2021ની સ્થિતિએ 23,027 લોનધારકોમાં રૂ.1856.92 કરોડનું ધિરાણ હતું, જ્યારે સપ્ટેમ્બર 2022ની સ્થિતિએ હાઉસિંગ લોનમાં 6266 ખાતાં ઘટીને 16,761 લોનધારકોમાં રૂ.1366.07 કરોડનું ધિરાણ થયું છે. જે એક વર્ષમાં રૂ.490.85 કરોડનો ઘટાડો સૂચવે છે.
જોકે, લીડ બેંક સૂત્રોએ કહ્યું કે, જિલ્લાની કેટલીક બેંકોની શાખાઓ પાટણ, બનાસકાંઠા જિલ્લા ક્લસ્ટરમાં આવતી હોઇ ત્યાંના ક્લસ્ટરમાં એકાઉન્ટ શિફ્ટ થવાથી હાઉસિંગ ખાતાં અને ધિરાણમાં ઘટાડો દેખાય છે. જ્યારે સેનેટરી, સ્કૂલ, એનજીઓ વગેરે સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં લોન ધિરાણ એક વર્ષમાં રૂ.58 લાખ વધ્યું છે. વર્ષ 2022 સપ્ટેમ્બર સુધીમાં સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં 112 લોકોને ધિરાણ કરાયું છે. એક વર્ષમાં નબળા વર્ગને પ્રાયોરિટીમાં 20,694 લોન ખાતા વધી 22,391 થયા છે અને રૂ.3107.94 કરોડનું ધિરાણ કરાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.