• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • In North Gujarat, In The Top Gear Of Manufacturing In Chemical, Pharma, Auto, Mechanical Industries, GST Revenue Increased By 20% To Rs. 492.89 Crore

વિકાસ:ઉત્તર ગુજરાતમાં કેમિકલ, ફાર્મા, ઓટો, મિકેનિકલ ઉદ્યોગમાં ઉત્પાદન ટોપ ગિયરમાં, ચાર માસમાં GST આવક 20 % વધી રૂ. 492.89 કરોડ

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મહેસાણા, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં તમામ ઉદ્યોગોમાં ઉત્પાદન 100 ટકાથી 120 ટકા પહોંચ્યું
  • 4 મહિનામાં GSTમાં રાજ્યના 966 અને કેન્દ્રના 809 મળી 1775 કરદાતાનો વધારો થયો

ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ગત વર્ષ 2020-21માં કોરોનાકાળ છતાં બ્રેકડાઉન વગર ઇન્ડસ્ટ્રીઝ પ્રોડક્શન અને સપ્લાય ચાલુ રહેતાં જીએસટી વેટ કલેક્શન રૂ.1092 કરોડ થયું હતું. જોકે, છૂટમાં પણ ક્ષમતા કરતાં 20 થી 25 ટકા ઓછા ઉત્પાદનનો રેશિયો રહ્યો હતો. ત્યાર પછી ચાલુ નાણાકીય વર્ષમાં 100 ટકા પ્રોડક્શન મોડમાં ઇન્ડસ્ટ્રીઝ સહિતના એકમો આવતાં એપ્રિલથી જુલાઇ સુધીના 4 મહિનામાં રાજ્ય વેરા કમિશ્નર મહેસાણા વિભાગ-4માં મહેસાણા, પાલનપુર, પાટણ, કડી, ઊંઝા, ડીસા, સિદ્ધપુર, વિસનગર અને વિજાપુર એમ નવ ઘટકને આવરી લેતાં ત્રણ જિલ્લામાં કુલ રૂ.492.89 કરોડનું જીએસટી-વેટ કલેક્શન થયું છે. એમાંયે કેટલાક એકમોએ તો ત્રીજી લહેરની સંભાવનાને લઇ ક્ષમતા કરતાં વધુ 20 ટકા ઉત્પાદન શરૂ કરી સપ્લાય માટે સ્ટોરેજ શરૂ કરતાં તેની સીધી અસર જીએસટી-વેટ કલેક્શનમાં દેખાઇ છે.

ખાસ કરીને તમામ ઇજનેરી પ્રોડક્શન, કેમિકલ, ફાર્માસ્યુટીકલ, ઓટોમોબાઇલ અને મિકેનિકલ સેક્ટરમાં ખરીદી ડિમાન્ડના ઓર્ડરો રાબેતા મુજબ થતાં પ્રોડક્શન ટોપ ગિયરમાં આવી ગયું છે.

પ્રોડક્શન ગેપ દૂર થઇ, પ્રોડક્શન વધ્યું
છેલ્લા બે વર્ષ કોરોના દરમિયાન ઇન્ડસ્ટ્રીઝ પ્રોડક્શનમાં ડાઉન હતી. ગત વર્ષે છૂટછાટમાં પ્રોડક્શન ચાલુ હતું પણ આખી સપ્લાય ચેઇનમાં પ્રોડક્શન ગેપ હતી અને કોરોનાના કારણે ખરીદી માંગ ઘટી હતી. હવે છેલ્લા ચારેક મહિનાથી મોટાભાગે તમામ સેક્ટરમાં ખરીદી માંગ વધી છે. પહેલા ક્ષમતાના 20 થી 25 ટકા ઓછું ઉત્પાદન થતું, આ ઉત્પાદન ગેપ હવે પુરાઇને 100 ટકા સુધી આવી ગઇ છે. એમાંયે કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાને લઇ ખરીદી માંગ વધતાં હાલમાં ઘણા પ્લાન્ટ ઉદાહરણ તરીકે 100 ટનના બદલે 120 ટનનું ઉત્પાદન કરી રહ્યા છે અને સ્ટોરેજ કરે છે. સ્વાભાવિક રીતે ઉત્પાદન અને વેચાણ વધતાં તેની અસર જીએસટી આવકમાં પરિવર્તિત થઇ છે. > દશરથભાઇ પટેલ, ,ચેરમેન ઉ.ગુ. ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ

કોરોના ગાઇડલાઇનના નિયંત્રણો દૂર થતાં ટેક્સ કલેક્શન વધ્યું
વેપાર-ધંધામાં કોરોના નિયંત્રણો બાદ કોવિડ ગાઇડ લાઇન હળવી થઈ અને તમામ ક્ષેત્રોમાં માંગ મુજબ માલ સપ્લાયથી બિઝનેસ રાબેતા મુજબ થયા છે, તેની અસર જીએસટી કલેક્શનમાં દેખાય છે અને અર્થતંત્રમાં ફાયદો આવ્યો છે. બોગસ બિલિંગમાં પણ નિયંત્રણ અંકુશની અસર પણ જીએસટીની આવક વધારામાં પીઠબળ સમાન છે. > કિરીટભાઈ પટેલ, પ્રમુખ ઉ.ગુ. જીએસટી ટેક્સ પ્રેક્ટિશનર

છેલ્લા ચાર મહિનામાં રાજ્ય-કેન્દ્રના કરદાતા વધીને 55,097 થયા
વર્ષ 2020-21માં રાજ્યના 34,702 અને કેન્દ્રના 18,620 મળી કુલ 53,322 કરદાતા હતા. જે નવા નાણાંકીય વર્ષ 2021માં એપ્રિલ થી જુલાઇ એમ ચાર મહિનામાં રાજ્યમાં 35,668 અને કેન્દ્રના 19,429 મળી કુલ કરદાતાનો આંકડો 55,097 થયો છે. એટલે કે, 1775 કરદાતા વધ્યા છે. જેમાં રાજ્યના 966 અને કેન્દ્રના 809 કરદાતાનો સમાવેશ થાય છે.

4 મહિનામાં GST-વેટમાં કલેક્શન

મહિનોજીએસટીવેટકુલ
એપ્રિલરૂ.145.66રૂ.9.3રૂ.154.96
મેરૂ.92.93રૂ.8.21રૂ.101.14
જૂનરૂ.94.38રૂ.10.86રૂ.105.24
જુલાઇરૂ.121.94રૂ.9.61રૂ.131.55
કુલરૂ.454.91રૂ.37.98રૂ.492.89

(નોંધ : આંકડા કરોડ રૂપિયામાં)

3 જિલ્લામાં GST-વેટ કલેક્શન

જિલ્લોજીએસટીવેટકુલ
મહેસાણારૂ.269.5રૂ.14.58રૂ.284.08
બ.કાં.રૂ.123.93રૂ.17.69રૂ.141.62
પાટણરૂ.61.48રૂ.5.71રૂ.67.19
કુલરૂ.454.91રૂ.37.98રૂ.492.89

(નોંધ : આંકડા કરોડ રૂપિયામાં)

અન્ય સમાચારો પણ છે...