મહેસાણા તાલુકાના મુલસણ ગામના ખેડૂતોની જમીનના સર્વે નંબરો તંત્રએ કરેલા રિસર્વેમાં અરસપરસ બદલાઇ જતાં ખેડૂતોની રજૂઆતોને 5 વર્ષ થવા આવ્યા છતાં હજુ સુધી બદલાયેલા સર્વે નંબરોની ભૂલ સુધારીને યોગ્ય કરાયું નથી. હવે તો આ ખેડૂતોની ભારતમાલા એક્સપ્રેસ રોડમાં જમીન કપાતમાં જશે ત્યારે મૂળ જમીન માલિકના બદલે અરસ પરસ જમીન સંપાદન વખતે વળતર જાય તેવા પ્રશ્નો ઉભા થઇ શકે છે. ત્યારે જમીન સંપાદન પહેલાં અરસ પરસ બદલાયેલા સર્વે નંબરો જે-તે ખેડૂતોના સર્વે નંબરોમાં તબદીલ કરવા ખેડૂતોએ જિલ્લા નિરીક્ષક જમીન દફ્તર કચેરીમાં રજૂઆત કરી છે.
મુલસણમાં એજન્સી રાહે વર્ષ 2017માં ઓનલાઇન જમીન માપણી કરાઇ હતી અને તેના નકશા તૈયાર કરાયા હતા. જેમાં ડીઆઇએલઆર દ્વારા માર્ચ 2017થી નવું તૈયાર થયેલ રિસર્વે રેકર્ડનું પ્રોમલગેશન કરી આખરી કરાયું છે. જેમાં મુલસણ ગામના 50 ખેડૂતોની આશરે 24 સર્વે નંબરોની 150 વીઘા જમીનના સર્વે નંબરો અરસ પરસ બદલાઇ ગયા છે.
નકશાની આકૃતિમાં તથા ક્ષેત્રફળમાં પણ ફેરફકાર જોવા મળી રહ્યો છે. જે ડીઆઇએલઆરની ગંભીર ભૂલનું પરિણામ ખેડૂતો પાંચ વર્ષથી ભોગવી રહ્યા છે અને ન્યાયની કાગડોળે રાહ જોઇ બેઠા છે. ભૂલ થયેલા સર્વે નંબરોની યાદી, નકશો, રિસર્વે નોંધ સહિત પ્રભાવિત ખેડૂતોની સહી સાથે જિલ્લા નિરીક્ષક જમીન દફ્તર કચેરીમાં રજૂઆત કરાઇ છે.
રિસર્વે ભૂલમાં ગામના પ્રભાવિત ખેડૂત ધરમસિંહભાઇ રબારીએ કહ્યું કે, વર્ષ 2019 અને 2021માં સર્વે નંબરો અરસપરસ બદલાયા હોવા અંગે રજૂઆતો કરેલી છે. 2022માં પણ રજૂઆતો કરી. હવે ભારતમાલા એક્સપ્રેસ રોડમાં 25 જેટલા ખેડૂતની જમીન કપાતમાં જશે, સંપાદન વખતે જમીન વળતરનાં પ્રશ્નો ઉભા થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.